કૃષિ રાહત પેકેજ:રાજ્ય સરકારના રાહત પેકેજ પહેલાં સહાયની રકમ જાહેર, અતિવૃષ્ટિથી તારાજ ખેડૂતોને હેક્ટરદીઠ 13 હજારની સહાય, 25 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 20 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે
  • ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે 13 હજાર સહાય ચૂકવાશે
  • SDRFના ધોરણો મુજબ બિનપિયત પાકમાં 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. 6,800 ચૂકવાશે
  • બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. 6,200 મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે
  • સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળશે નહી

રાજય સરકાર દ્વારા સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિનો ભોગ બનનાર રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર એમ 4 જિલ્લા માટે સહાય જાહેર કરવામાં આવી છે. જો કે, કુલ કેટલું પેકેજ રહેશે અને બાકીના જિલ્લાઓને સહાય ચૂકવવી કે નહીં તે બાબતે બુધવારે તા. 20મી ઓકટોબરે મળનારી કેબિનેટમાં નિર્ણય લેવાશે તેમ સૂત્રોનું કહેવું છે. રાજય સરકારે સત્તાવાર પેકેજ જાહેર કરે તે પહેલા 4 જિલ્લાઓમાં પ્રતિ હેકટરદીઠ રૂ. 13 હજાર, બિનપિયત પાક માટેની સહાય મળશે તે બાબત જાહેર થઇ ગઇ છે. એક ખેડૂતેને ઓછામાં ઓછી રૂ. 5 હજારની સહાય મળશે. આ બાબતે કૃષિમંત્રી રાઘવજી પટેલનો સંપર્ક કરતા તેમણે બુધવારે કેબિનેટમાં પેકેજ જાહેર થશે તેમ કહ્યું હતું, જ્યારે સચિવ મનિષ ભારદ્વાજનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઇ શકયો હતો નહીં.

કૃષિ રાહત પેકેજનો જીઆર વાંચવા માટે અહીં ક્લિક કરો

બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે
આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકસાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ 2(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 13,૦૦૦ સહાય ચૂકવાશે.આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ 2(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. 6,800 અપાશેબાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. 6,200 મહત્તમ 2(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. 5(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રૂ. 5(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે.

જરૂરી નમૂના સાથે અરજી કરવાની રહેશે
રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે 8–અ,તલાટીનો વાવેતરનો દાખલો, 7-12, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે

ખાતેદાર મૃતકના કિસ્સામાં વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે
એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. આધાર નંબર ન હોય તો આધાર કાનૂન(એક્ટ)માં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરવા પડશે.ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. અને કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે. અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારઓએ સંમતિનું સોંગદનામું આપવું પડશે.

જરૂરી આધાર પૂરાવા રજૂ કરવાથી સહાયનો લાભ મળશે
વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પૂરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે. સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં.

અત્યારે 4 જિલ્લાનાં 682 ગામનો સમાવેશ
રાજ્ય સરકારે 4 જિલ્લાના 682 ગામનો સમાવેશ સહાયમાં કર્યો છે. જામનગરમાં 320 ગામ, રાજકોટના 156, જૂનાગઢના 135 ગામ, પોરબંદરમાં 71 ગામ મળીને કુલ 682 ગામનો સમાવેશ કર્યો છે. હજુ સપ્ટેમ્બરના અંતમાં જે અતિવૃષ્ટિ થઇ તેને કારણે જે નુકસાન થયું છે તે જિલ્લાઓને સહાય આપવી કે નહીં તેનો નિર્ણય બુધારે મળનારી કેબિનેટમાં લેવાશે.

રાજકોટનાં ઘણાં ગામનો સરવે બાકી
રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી બેઠકમાં ચેરમેન સહદેવસિંહ જાડેજાએ સરવેની કામગીરી સામે સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત ઘણા ગામોમાં નુકસાનીના સરવેની કામગીરી જ કરવામાં આવી નથી. જિલ્લામાં સૌથી વધુ લોધિકા, ગોંડલ, ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના ખેડૂતોને નુકસાન થયું હતું.