તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો નિર્ણય:કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને 18 વર્ષને બદલે હવે 21 વર્ષ સુધી સહાય અપાશે, રાજ્ય સરકારની જાહેરાત

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં 776 બાળકોએ કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા - Divya Bhaskar
રાજ્યમાં 776 બાળકોએ કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા
  • ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને' સંવાદ કાર્યક્રમમાં CMએ સંવેદનશીલ જાહેરાત કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનામાં માતા-પિતાની છત્ર છાયા ગુમાવી અનાથ અને નિરાધાર બનેલા બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને' સંવાદ કાર્યક્રમમાં સંવેદનશીલ જાહેરાત કરી છે. જેમાં આ યોજનામાં વય મર્યાદા વધારીને 21 વર્ષ કરી દેવામાં આવી છે. એટલે કે પુખ્ત વય સુધી નિરાધાર બનેલાને માસિક રૂ. 4 હજારની સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ 'મોકળા મને' સંવાદમાં જાહેરાત કરી
આ મહત્વપૂર્ણ સંવેદનશીલ જાહેરાત કરતા કહ્યું છે કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ હવે બાળકોને 21 વર્ષની વય સુધી માસિક રૂ. 4 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનામાં વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી તે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે. કોરોનામાં માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર થયેલાની વય 21 વર્ષ થાય સુધી રાજ્ય સરકાર દર મહિને 4 હજારની સહાય આવા બાળક ને આપશે.

CM રૂપાણીએ બુધવારે બાળકોને સહાય આપી હતી
CM રૂપાણીએ બુધવારે બાળકોને સહાય આપી હતી

માતા કે પિતા એમ કોઈ એકનું મોત થયું હોય તેને પણ સહાય મળવાપાત્ર
ગુજરાત રાજયમાં કોરોના કાળ દરમિયાન અનાથ બનેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મૂકાઈ છે. આ યોજના હેઠળ કોરોના કાળ દરમિયાન 0થી 18 વર્ષની વયજૂથના બાળકો કે જેના માતા-પિતા અવસાન પામ્યા હોય તેમજ જે બાળકના એક વાલી (માતા/પિતા પૈકી કોઇ પણ એક) મૃત્યુ પામ્યા હોય તેવા નિરાધાર બનેલા બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય મળવાપાત્ર થાય છે.

35 બાળકો સાથે મુખ્યમંત્રી નિવાસે સીધો સંવાદ કર્યો
રાજ્યના 33 જિલ્લાઓમાંથી આવા 35 જેટલા નિરાધાર-અનાથ બાળકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજય રૂપાણી સાથે સીધા સંવાદની આ મોકળા મને કાર્યક્રમ અંતર્ગત તક મળી હતી. બાળકો સાથે તેમના પાલક વાલીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાને કારણે નિરાધાર થયેલા બાળકોનો ભવિષ્યનો વિચાર કરીને જ રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી બાળ સહાય યોજના’ શરૂ કરી છે. નિરાધાર બાળકોનું ભાવિ રોળાઈ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આ રાજ્ય સરકારે આદર્યો છે.

આરોગ્ય, સારવાર અને ઉચ્ચ અભ્યાસ સુધીની સેવા યોજના
CM રૂપાણીએ જણાવ્યું હતું કે, જીવનની શરૂઆતના તબક્કે જ બાલ્યકાળમાં મા-બાપની છાયા-હૂંફ ગુમાવી બેઠેલા બાળકનો સધિયારો-આધાર આ સરકાર બની છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના માત્ર નાણાંકીય સહાય જ નહીં આવા બાળકને જીવન જીવવાનો, કારકીર્દી ઘડતરનો તેની આરોગ્ય સુખાકારી, સારવાર તેમજ ઉચ્ચશિક્ષણ અને દિકરીના મામેરા પૂરવા સુધીનો સર્વગ્રાહી કલ્યાણ ભાવ સાથેની સેવા યોજના છે

રાજ્યમાં 776 બાળકોએ કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા
રાજ્યમાં 776 બાળકોએ કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા

આફ્ટર કેર યોજના અંતર્ગત 6 હજારની સહાયનો લાભ પણ અપાશે
21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. 6 હજારની સહાયનો લાભ પણ આપવામાં આવશે. તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણાશે.

કયા જિલ્લામાં કેટલા બાળકોને સહાય?
અમદાવાદ જિલ્લામાં-42, અમરેલી-19, અરવલ્લી-26, આણંદ-39, કચ્છ-31, ખેડા-36, ગાંધીનગર-6, ગીર સોમનાથ-16, છોટાઉદેપૂર-6, જામનગર-24, જૂનાગઢ-28, ડાંગના-11, તાપીના-17, દાહોદના-22, દેવભૂમિ દ્વારકાના-13, નર્મદાના-12, નવસારીના-30, પંચમહાલ-30, પાટણ-22, પોરબંદર-11, બનાસકાંઠા-21, બોટાદ-13, ભરૂચ-19, ભાવનગર-42, મહિસાગર-9 તેમજ મહેસાણા-22, મોરબી-12, રાજકોટ-58, વડોદરા-32, વલસાડ-26, સાબરકાંઠા-36, સુરત-29 અને સુરેન્દ્રનગરના-16 મળી કુલ 33 જિલ્લાના 776 નિરાધાર બાળકોને સમગ્રતયા 31 લાખ 4 હજારની સહાય અપાઈ હતી.