પાકને જીવતદાન:ગુજરાતમાં પાણીની તંગી, ડેમો-જળાશયોમાંથી સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવા રાજ્ય સરકારનો આદેશ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • ખેડૂતો માટે ડેમ-જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે
  • 30 સપ્ટેમ્બર સુધી ડેમોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને પાણી છોડાશે
  • સૌરાષ્ટ્રના 88 જળાશયોમાંથી 60 હજાર હેકટર જમીનને સિંચાઇ માટે પાણી અપાશે

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો છે. રાજ્યમાં 10 ઓગસ્ટ સુધીમાં સરેરાશ માત્ર 7 એમ.એમ વરસાદ નોંધાયો છે. વરસાદ ન પડવાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પાણી વિના પાક સૂકાઈ જવાની ભીતી છે એવામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર ડેમ-જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યમાં પાંચ લાખ હેક્ટર જમીનને તેનો લાભ મળશે.

સિંચાઈ માટે તાત્કાલિક અસરથી પાણી છોડવાનો આદેશ
રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી ડેમોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે છોડવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળસંપત્તિ વિભાગને સિંચાઈ માટે તાત્કાલિક અસરથી પાણી છોડવાની સૂચના આપી છે. એવામાં ચિંતામાં મૂકાયેલા ધરતીપુત્રોને રાહત થશે.

સૌરાષ્ટ્રના 141માંથી 88 ડેમમાંથી સિંચાઈનું પાણી અપાશે
ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાતા રાજ્યના પાંચ લાખ હેકટર જમીન વિસ્તારને તેનો લાભ મળશે. જે મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારના 141 ડેમ પૈકી 88 જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની 60 હજાર હેકટર જમીનને, તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી 15 હજાર હેકટરને સિંચાઇ માટે મળશે. મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહી કમાન્ડને 6 હજાર ક્યુસેક પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના 11 જળાશયોમાંથી 2.10 લાખ હેકટર જમીનને સિંચાઇ માટે પાણી અપાશે. દક્ષિણ ગુજરાત વિસ્તારના 6 જળાશયોમાંથી અપાનારા પાણીનો 1.90 હજાર હેકટર જમીનને સિંચાઇ સવલતનો ફાયદો થશે.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

પાંચ દિવસ વરસાદની સંભાવના નહીવત
હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં પણ પાંચ દિવસ વરસાદ થવાની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. પરંતુ એકંદરે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધી રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાનું લાગી રહ્યું નથી. વરસાદ ન હોવાને કારણે ગરમીનો પારો પણ વધ્યો છે. એવામાં વાવણી બાદ વરસાદની રાહ જોઈને બેઠેલા રાજ્યના ખેડૂતો હજુ આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.

ડાંગર, કપાસ સહિતના પાકોને લઇને ખેડૂતો ચિંતામાં
અમદાવાદમાં વરસાદ ખેંચાઇ જતા ખરીફ વાવેતરને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઉંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. જિલ્લામાં માંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે. જેના કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઇને ચિંતામાં પડયા છે. આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. સાણંદ, દસક્રોઇ, બાવળા, અને ધોળકાને ખારીકટ અને ફતેવાડી કેનાલનું સિંચાઇનું પાણી મળી રહેતા આ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત છે.

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે
અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે

મગફળીમાં સુકારો, કપાસમાં ઈયળ
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખુબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચના કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે. આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, એટલે સરેરાશ વાવેતર સુધી પહોંચવું મુશ્કેલ થશે. એવી જ રીતે મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. ગયા વર્ષે મગફળીનું વાવેતર 20.37 લાખ હેક્ટરમાં હતું. પણ વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરુ થઇ ગયો છે જગતાત મુશ્કેલીમાં મુકાયો છે.