તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શપથ પહેલાં ભારે ઉત્તેજના:જૂના મંત્રીઓ બંગલા અને ઓફિસોમાંથી બિસ્તરાપોટલાં ભરીને રવાના,અંગત મદદનીશ અને સચિવને પણ રવાના કરી દેવાયા

અમદાવાદ3 દિવસ પહેલા
નવા મંત્રીઓ માટે વચગાળાની વ્યવસ્થા થઈ રહી છે.
  • નવા મંત્રીઓની જાહેરાત અને શપથ બાદ નવા મંત્રીઓને ઓફિસ સોંપવામાં આવશે
  • વહેલી સવારથી જ પાટીલના ઘરે ધારાસભ્યોનો જમાવડો

ગુજરાતમાં વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે શપથ લીધા હતા. તેમણે શપથ લીધા બાદ હવે નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે નવા મંત્રીઓમાં 'નૉ રિપીટ' ની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે સ્વર્ણિમ સંકુલમાં સિનિયર મંત્રીઓએ નિવાસસ્થાન ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે. મંત્રીઓના કાર્યાલયમાં જૂની ફાઈલ અને ડોક્યુમેન્ટ સહિત ઓફિસનો સામાન ખાલી કરવામાં આવી રહ્યો છે. નવા મંત્રીઓની જાહેરાત અને શપથ બાદ નવા મંત્રીઓને ઓફિસ સોંપવામાં આવશે.

ભાજપના તમામ ધારાસભ્યો MLA ક્વાર્ટર્સ પહોંચ્યા
ભાજપના તમામ ધારાસભ્યો MLA ક્વાર્ટર્સ પહોંચ્યા છે. એ સિવાય અનેક યુવા ચહેરાઓ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના બંગલે જોવા મળ્યા હતા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 'નૉ રિપીટ'ની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. વહેલી સવારથી પાટીલના બંગલે થઈ રહેલી ચહલપહલમાં અત્યારસુધી હર્ષ સંઘવી, મનીષા વકીલ, મનીષા સુથાર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદ પટેલ પહોંચ્યાં હતાં. ગોવિંદ પટેલ પાટીલને મળીને થોડીક જ ક્ષણોમાં બહાર નીકળી ગયા હતા, જ્યારે ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યો હજી પાટીલના બંગલામાંથી બહાર આવ્યા નથી, જેથી મંત્રીપદ કોને મળશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ઈશ્વર પરમાર અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઓફિસ ખાલી કરાવાઈ.
ઈશ્વર પરમાર અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઓફિસ ખાલી કરાવાઈ.

નવા મંત્રીઓના અંગત અને મદદનીશ અધિકારીઓની યાદી તૈયાર
ગુજરાતમાં નવી સરકારની રચના બાદ મંત્રીઓને ઓફિસ અને સ્ટાફની ફાળવણી કરવામાં આવશે, પણ નવા મંત્રીઓ સાથે તેમના અંગત સ્ટાફની નિમણૂક ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવશે, જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નવા મંત્રીમંડળના કાર્યાલય માટે અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરવા માટેની કાર્યવાહી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં વચગાળાની વ્યવસ્થા કરવાના ભાગરૂપે શરૂ કરેલી આ પ્રક્રિયામાં સેકશન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી વર્ગના કુલ 70 અધિકારીનાં નામની યાદી તૈયાર કરી દીધી છે.

ઓફિસમાં રહેલી ફાઇલો અને અન્ય સામાન પેક કરવામાં આવ્યો.
ઓફિસમાં રહેલી ફાઇલો અને અન્ય સામાન પેક કરવામાં આવ્યો.

નવા મંત્રીઓના કાર્યાલય માટે વચગાળાની વ્યવસ્થા
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા મંત્રીઓના કાર્યાલય માટે વચગાળાની વ્યવસ્થા શરૂ કરી દીધી છે, જેમાં 35 જેટલા સેકશન અધિકારીની અંગત સચિવની કામગીરી માટે નિમણૂક કરવામાં આવશે તેમ જ નાયબ સેક્શન અધિકારીની અંગત મદદનીશ તરીકેની કામગીરી કરવા માટે નિમણૂક કરવામાં આવશે અને આ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગોના 70 જેટલા સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારીઓનાં નામની યાદી બનાવી દીધી છે, જ્યારે મંત્રીમંડળની શપથવિધિ પછી બે મહિનામાં જ નિયમિત સ્ટાફની નિમણૂક કરવામાં આવશે. જોકે પ્રક્રિયાના ભાગરૂપે તમામ સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારીઓની ખાસ બેઠક મળી હતી, જેમાં નિશ્ચિત કરેલા અધિકારીઓને નિમણૂકપત્રો આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...