ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા ટેક્સનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા પરત આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.
સિનેમાગૃહોને ચૂકવેલો SGST સરકાર પરત કરશે
આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.
પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-શૌર્ય પર આધારિત ફિલ્મ
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ ચલચિત્ર પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવનના સાહસ, શૌર્ય અને મોહંમદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરે છે. એટલું જ નહિ, આપણા સાંસ્કૃતિક વારસાના દર્શન અને ધરોહરને જીવંત રાખતી આ ફિલ્મ છે.
ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ખ્યાતનામ અભિનેત્રી ખુશી શાહ એ રાણી નાયિકા દેવીનું પાત્ર ભજવ્યું છે અને બોલીવુડના નામી અભિનેતા ચંકી પાંડેએ મોહમ્મદ ઘોરીનું પાત્ર નિભાવ્યું છે. મલ્ટી સ્ટારર આ ફિલ્મમાં મનોજ જોશી, ચિરાગ જાની, જયેશ મોરે, ચેતન દૈયા, આકાશ ઝાલા, ઓજસ રાવલ, મમતા સોની, બ્રિન્દા ત્રિવેદી, બિન્દા રાવલ, કૌશામ્બી ભટ્ટ તથા રાગી જાનીએ અગત્યના પાત્રો ભજવ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી ઐતિહાસિક ફિલ્મ જેનું નિર્દેશન નીતિન જી.એ કર્યું છે. ફિલ્મની વાર્તાને જે સરળતાથી સ્ક્રીન પર રજુ કરવામાં આવી છે એ જોતા તો એવું જ લાગે કે કોઈ પરિપક્વ નિર્દેશક જ આ ફિલ્મને આટલી હદે સુંદરતાથી બનાવી શકે. દરેક કલાકારો પોતાના પાત્રોમાં ડૂબીને આપણને ચોક્કસથી 12મી સદીની એ અનન્ય યાદો તરફ લઇ જાય છે.
પાર્થ ઠક્કરનું સંગીત અને ચિરાગ ત્રિપાઠી દ્વારા લખાયેલા શબ્દો અદ્દભુત છે. કૈલાશ ખેર દ્વારા ગવાયેલું ગીત "શંભુ શંકરા"એ દર્શકોના દિલમાં પહેલાથી જ સ્થાન બનાવી લીધું છે. ઉપરાંત ગરબા ગીત "પાટણ ની પટરાણી", દેશભક્તિ ગીત "આજ કરો કેસરિયા" ના શબ્દો આપણા રૂંવાડા ઊભા કરી નાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.