સજ્જડ સુરક્ષા ગોઠવવા બેઠકોનો ધમધમાટ:રાજસ્થાનનો કનૈયા મર્ડર કેસ અને રથયાત્રાને લઈ રાજ્ય સરકાર એલર્ટ, ઉચ્ચ અધિકારીઓની બેઠકનો દોર, CM કોરોનાગ્રસ્ત

અમદાવાદએક મહિનો પહેલા
મુખ્યમંત્રીની બેઠકની ફાઈલ તસવીર

રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કરપીણ હત્યાને પગલે ઊભી થયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ એલર્ટ બની ગઈ છે. આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહા રાજ્યમંત્રી અને પોલીસ વડાએ તમામ જિલ્લાના પોલીસ વડા અને પોલીસ કમિશનર સાથેની એક બેઠક યોજવામાં આવી છે. જેમાં રાજસ્થાનની ઘટના અને રથયાત્રા અંગેની પોલીસ વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજસ્થાનની ઘટનાથી ગુજરાત પોલીસ એલર્ટ
ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના ઉદેપુરમાં નૂપુર શર્માના સમર્થકની કરપીણ હત્યાને પગલે સમગ્ર રાજસ્થાનમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે તેના પડઘા ગુજરાતમાં ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત સરકારે પણ ગઈકાલ રાતથી અગમચેતીના પગલાં રૂપે પોલીસને એલર્ટ કરી દીધી છે.

CM અને પોલીસવડા સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક
ત્યારબાદ આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ગુજરાતના જિલ્લા પોલીસવડા અને શહેર પોલીસ કમિશનરો સાથે ગુજરાતની વર્તમાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરશે. આ ઉપરાંત 1લી તારીખે યોજાનારી રથયાત્રા સંદર્ભે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગે પણ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા ગૃહ રાજ્યમંત્રીની તસવીર
રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા ગૃહ રાજ્યમંત્રીની તસવીર

રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ સાથે નીકળશે. આ પ્રસંગે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળવાની હોવાથી, તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.

ધાર્મિક આસ્થા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આ રથયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના બનવા ન પામે અને મોટી સંખ્યામાં ભાવિકો નિશ્ચિંત થઈ, ભગવાનને વિહાર કરતા નિહાળી શકે તે માટે ગૃહ રાજ્યમંત્રી સતત સંકલન કરી રહ્યા છે. રાજ્યભરની વ્યવસ્થા અને સુરક્ષા બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા યોજાનાર બેઠક અગાઉ ગૃહમંત્રીએ સમીક્ષા કરી સમગ્ર આયોજનની જાણકારી મેળવી હતી. બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ATS, IB સહિત તમામ એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજ્યમાં અષાઢી બીજના દિવસે 180 જગ્યાએ રથયાત્રા નીકળશે
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. તે ઉપરાંત રાજ્યમાં અલગ અલગ 180 જગ્યાઓ પર રથયાત્રા યોજાશે. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવી દીધો છે. સોમવારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાના બંદોબસ્તની સમીક્ષા કરીને પોલીસવડાએ જરૂરી સૂચનાઓ આપી હતી.

રથયાત્રાના રૂટ તથા એલર્ટને લઈને ખાસ ચર્ચાઓ કરાઈ
અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસવડા આશિષ ભાટીયાએ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, IBના વડા તથા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાના રૂટ તથા એલર્ટને લઈને ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ રથયાત્રામાં રાખવાની તકેદારી અંગે પણ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ વર્ષે રાજ્યમાં 180 રથયાત્રા યોજાશે. જેમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદની રહેશે જેમાં 10 લાખ લોકો ભાગ લેશે અને 19 કિમીનો રૂટ રહેશે.

25 પેરા મિલિટરી ફોર્સની કંપની બહારથી બોલાવાઈ
રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં 25 પેરા મિલિટરી ફોર્સની કંપની બહારથી બંદોબસ્તમાં આવી છે જેમાંથી 22 કંપની અમદાવાદના રથયાત્રાના બંદોબસ્ટમાં રહેશે.આ ઉપરાંત અમદાવાદના બંદોબસ્ત માટે અમદાવાદ બહારથી 4 DIG/IG ,20 SP,60 DYSP,150 PI,300 PSI,2000 પોલીસકર્મીઓ,21 SRP કંપની બોલાવવામાં આવી છે. ડ્રોન કેમેરા,બોડી ઓન કેમેરા તથા સોશિયલ મીડિયાથી સાયબર ક્રાઈમ અને CID ક્રાઈમમાં આવેલ સાયબરની ટીમ નજર રાખશે. તમામ કેમેરા ગાંધીનગર આવેલ ત્રીનેત્ર કંટ્રોલ રૂમમાં દેખાશે જ્યાંથી રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...