રાહત:કેન્દ્ર સરકારે ખેડૂતોના ટૂંકી મુદ્દતના પાક ધિરાણની રકમ ભરવા 3 મહિના મુદ્દત વધારી, 24 લાખ ખેડૂતોને સીધો ફાયદો

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરકારે ત્રણ મહિના મુદ્દત વધારી 31મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો
  • રાજ્ય સરકારે આ માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી

મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તેમણે ટૂંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવા માટેની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે તેવું જણાવ્યું છે. ભારત સરકારે આ તારીખ વધારીને 31મી ઓગસ્ટ સુધી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ભારત સરકારને આ માટે રજૂઆત કરી હતી. જેને સંવેદનશીલ પ્રતિસાદ મળ્યો છે.

પહેલા આ મુદ્દત 31 મે હતી
મુખ્યમંત્રીએ કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતોના પાક વેચાણને પડેલી અસરથી બેન્કોમાંથી લીધેલી ટૂંકી મુદ્દતનું ધિરાણ 31મી માર્ચ સુધી ભરી શકે તેમ ન હોવાથી આ મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કરી 31મી મે કરી હતી. ત્યારબાદ લોકડાઉનમાં વધારો થતા હજુ પરિસ્થિતિ તેવી જ હતી જેને કારણે સરકારે આ સમય 31મી ઓગસ્ટ સુધી આ ધિરાણ ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે ભારત સરકારે મંજૂર કરી છે.

રાજ્યના 24 લાખ ખેડૂતોને લાભ
ખેડૂતોને 7 ટકા દરે પાક ધિરાણને બદલે ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપીને ત્રણ ટકા ભારત સરકાર અને ચાર ટકા રાજ્ય સરકાર ભોગવે છે. ત્યારે મુખ્યમંત્રીએ કરેલી રજૂઆતથી ભારત સરકારે પહેલા બે મહિનાની મુદ્દત વધારી હતી. જેનાથી રાજ્યના 24 લાખ ખેડૂતોને લાભ થયો હતો. આ સમયમાં વધારાના સમયના વ્યાજનું અંદાજે 160 કરોડનું ભારણ પણ રાજ્ય સરકારે સહન કરેલું છે અને મોટાભાગના ખેડૂતોએ આ સમયગાળામાં પોતાની પાક ધિરાણ રકમ ભરપાઈ પણ કરી દીધી છે. 

ખેડૂતોએ મુદ્દત વધારવા રજૂઆત કરી હતી
મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના કિસાન અગ્રણીઓ તથા ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, આવા પાક ધિરાણ લોન ભરપાઈ કરવાની મુદ્દત જો વધુ ત્રણ માસ લંબાવી આપવામાં આવે તો બાકી રહી ગયેલા ખેડૂતો પણ ધિરાણ ભરપાઈ કરી શકે અને આગામી ખરીફ ઋતુ માટે પાક ધિરાણનો લાભ મેળવી શકે. ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતોના હિતમાં આ રજૂઆત ભારત સરકાર સમક્ષ કરી હતી. ત્યારે સરકારે ખેડૂતોના ધિરાણની ભરપાઈ કરવા માટેનો મોરેટોરિયમ પિરિયડ વધુ ત્રણ માસ એટલે કે આગામી 31મી ઓગસ્ટ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો
મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હોવાથી કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના પરિણામે લોકડાઉનમાં આર્થિક રીતે વિપરીત સ્થિતિમાં મૂકાઈ ગયેલા ધરતીપુત્રોને કેન્દ્ર સરકારે અગાઉ બે મહિના માટે મુદ્દત વધારો આપીને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ ભરપાઈ કરવાની સુવિધા કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...