સત્તાની સેમિફાઈનલ:ગુજરાતમાં 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર, આજથી 60% ગામડાંમાં આચારસંહિતા, 19 ડિસે.એ મતદાન અને 21મીએ મતગણતરી

અમદાવાદએક વર્ષ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • આજથી 10,879 ગામમાં આચારસંહિતાનો અમલ
  • 1.6 કરોડ પુરૂષો અને અને 1 કરોડ મહિલા મતદારો
  • રાજ્યભરમાં કુલ 27 હજારથી વધુ મતદાન મથકોમાં ચૂંટણી યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં, એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી આવી રહી છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી તમામ પક્ષો માટે સત્તાની સેમિફાઈનલ સમાન બની રહેશે. રાજ્યની 10,879 ગ્રામ પંચાયતોમાં 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બર(રવિવાર) મતગણતરી યોજાશે. 19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.

આમ, આ સાથે જ રાજ્યનાં કુલ 18000 ગામડાંમાંથી 10,879 ગામમાં, એટલે કે 60 ટકા જેટલાં ગામોમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે.

કયા જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અને કાર્યક્રમની વિગતો વાંચવા અહીં ક્લિક કરો

2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો
આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ રહેશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે. જેમાં 1 કરોડ 6 લાખ 46 હજાર પુરૂષો અને અને 1 કરોડ 6850 મહિલા મતદારનો સમાવેશ થાય છે.

ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે
અંદાજિત 10,879 ગ્રામપંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. આ સિવાયની જે ગ્રામપંચાયતોની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે એવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતાં વધુ સમય બાકી હોય એમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે, સાથે સાથે વિભાજનવાળી અને મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામપંચાયતોની પણ ચૂંટણીઓ યોજાશે.

10,117 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી
કુલ 10,117 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે વિભાજીત અને વિસર્જીત થયેલી 65 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવામાં આવશે. તેમજ 697 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાશે.

ગ્રામપંચાયતોની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ.
ગ્રામપંચાયતોની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ.

ભાજપની તૈયારી પુરજોશમાં, AAP-કોંગ્રેસ અટવાયેલી
ગ્રામપંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલી છે. ગુજરાતના ગ્રાસ રૂટ લેવલની ગ્રામપંચાયતની ચૂંટણી લિટમસ ટેસ્ટ પુરવાર થઈ શકે છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી, જેને પગલે પંચાયતોની ચૂંટણીને લઈ કોંગ્રેસ તો અટવાયેલી છે.

ચૂંટણી ભલે સિમ્બોલ પર ના લડાઈ, સરપંચો પક્ષોના સમર્થક
કેન્દ્ર સરકારના મહત્ત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મૂકવા માટે થઈને કલેક્ટર અને ડીડીઓ(જિલ્લા વિકાસ અધિકારી)ને સૂચના આપવામાં આવી રહી છે. તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગ્રામપંચાયતની ચૂંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ પર લડાતી નથી, પરંતુ ચૂંટાયેલા સરપંચો જે-તે રાજકીય પક્ષોના સમર્થક હોય છે.

ભાજપ પેજ પ્રમુખ-પેજ સમિતિની કામગીરી ઝડપભેર કરશે
10,315 ગ્રામપંચાયતની ચૂંટણીમાં મોટા ભાગની ગ્રામપંચાયતો સમરસ જાહેર થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ભાજપ સંગઠને પણ ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોની સાથે પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે, સાથે સાથે સંગઠનના પદાધિકારીઓને દરેક જિલ્લા તાલુકાનો પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.

AAP ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધે છે
ગ્રામપંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે, ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે, જેની સાથે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે. આમ છતાં કેટલાક નેતાઓ પોતાની મેળે કાર્યક્રમો કરી રહ્યા છે અને સંગઠનમાં પણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.