• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • State Administration On Stand by Tapi, Navsari, Surat, Dang And Valsad Districts Still On Red Alert, Closure Of Traffic On 15 State Highways, Blackout In 105 Villages

હાશ! વરસાદનું જોર ઘટ્યું:રાજ્યમાં વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય, 18 ડેમ હાઇએલર્ટ પર, 28 હજારનું સ્થળાંતર, 15 સ્ટેટ હાઇવે બંધ, 105 ગામમાં અંધારપટ

2 મહિનો પહેલા

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલ કરતાં આજે ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટ્યું છે. જો કે, રાજ્યનું વહીવટી તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સજ્જ છે. ત્યારે અત્યાર સુધી 28 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. તો 15 સ્ટેટ હાઈવ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને 105 ગામોમાં અંધારપટ છવાયો છે.

ભારે વરસાદની સંભાવનાવાળા જિલ્લામાં સ્થળાંતરની કામગીરી કરાશે
ગાંધીનગર ખાતે આજે રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. રાહત કમિશનરે કહ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી મુજબ 13થી 17 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.

44.36 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર
રાહત કમિશનરે કહ્યું હતું કે, ચાલુ વર્ષે 11 જુલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત 44,36,980 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ વાવણી ચાલુ છે. રાહત કમિશનરે વરસાદ પ્રભાવિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સફાઇની કામગીરી, પાણી ભરાયેલા વિસ્તારમાં ડિવોટરિંગ પં૫ની વ્યવસ્થા, તૂટેલા રોડ તાત્કાલિક રીપેર થાય તેમજ આરોગ્યલક્ષી કાળજી લેવા જરૂરી સૂચનાઓ આપી હતી.

રાજ્યના 11 જળાશય વોર્નિંગ પર છે
રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 159404 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 47.71% છે. જેમાં પાણીની આવક થતાં ગત સપ્તાહ કરતાં 7% જેટલો વઘારો થયો છે. રાજ્યનાં 206 જળાશયોમાં 251209 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 33.61% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ - 18 જળાશય, એલર્ટ ૫ર કુલ- 8 જળાશય તેમજ વોર્નિંગ ૫ર કુલ 11 જળાશય છે.

PM- HM દ્વારા કેન્દ્રની સહાયની તત્પરતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં પડી રહેલા વરસાદની સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરીને તંત્રને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પણ મુખ્યમંત્રીને કેન્દ્રની સહાય માટે તત્પરતા દર્શાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં.

8 જિલ્લા રેડ એલર્ટ ઝોનમાંથી બહાર
મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યના આઠ જિલ્લાઓ પૈકી ત્રણ જિલ્લાઓ ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા રેડ એલર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે. જ્યારે હજુ પણ પાંચ જિલ્લાઓ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.

અત્યાર સુધી 69 લોકોના મોત
મંત્રીએ કહ્યું, કે રાજ્યમાં અત્યાર સુધીમાં 69 માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી. રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરીમાં પણ નાગરિકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. સરકારના આદેશો અને અપીલને નાગરિકો માન આપી તે મુજબ સહયોગ આપી રહ્યા છે, તે અભિનંદનને પાત્ર છે. હજુ પણ આવો સહયોગ નાગરિકો તરફથી મળતો રહે તેવી અપેક્ષા છે.

21 લોકોનું નર્મદામાં રેસ્ક્યૂ કરાયું
21 લોકોનું નર્મદામાં રેસ્ક્યૂ કરાયું

NDRF અને SDRFની 18-18 પ્લાટુન
ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 18 એનડીઆરએફની ટીમ અને 18 એસડીઆરએફની પ્લાટુન ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા નર્મદા જિલ્લામાં કરાયેલું સફળ રેસ્ક્યૂ ઓપરેશન અભિનંદનને પાત્ર છે. ગઈકાલે નર્મદા જિલ્લાના કરજણ નદીના પટ પર રાજપીપળા સ્મશાન ઘાટ નજીક એક સાથે 21 વ્યક્તિઓ પાણીના વહેણમાં ફસાયા હતા અને રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની માંગણી કરાઈ હતી. જો કે વહીવટી તંત્રએ સમય સૂચકતા દાખવીને એનડીઆરએફ અને એસટીઆરએફની ટીમોની મદદ લઈને ફસાયેલા તમામ લોકોને શૌર્ય અને વીરતા દાખવીને બચાવી લેવાયા છે. આ માટે સમગ્ર ટીમને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

28 હજાર જેટલાં લોકોનું સ્થળાંતરણ
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 27,896 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી 18,225 નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે. જ્યારે 9,671 નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.

રાજકોટમાં પણ માર્ગો બંધ કરાયા
રાજકોટમાં પણ માર્ગો બંધ કરાયા

એસટી બસના 73 ગામોના બંધ રૂટ પૈકી 11 પૂર્વવત
તેમણે ઉમેર્યું કે, રાજ્યના ગામોમાં કાર્યરત 14,610 એસટી બસના રૂટમાંથી માત્ર 73 ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે, તેમાં પણ 11 રૂટ પૂર્વવત થઈ ગયા છે. જ્યારે 62 રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. તેવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી માત્ર 124 ગામોમાં વીજ પૂરવઠો બંધ થયો હતો. તેમાં પણ આજ સાંજ સુધીમાં 105 ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત થઈ જશે. માત્ર 19 ગામમાં વીજ પૂરવઠો પૂર્વવત થતા બે દિવસ લાગે તેવી શક્યતા છે. આ માટે પણ ઉર્જા વિભાગ અને તેના અધિકારીઓને મંત્રીએ અભિનંદન આપ્યા હતા.

15 સ્ટેટ, 12 પંચાયત કે અન્ય 439 માર્ગો પર વાહનવ્યવહાર બંધ
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે 15 સ્ટેટ હાઈવે, 12 પંચાયત કે અન્ય માર્ગો તેમજ 439 માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે કચ્છમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે બંધ કરાયો છે, તે આજ સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે.

ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં 1 જુનથી 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ હોય છે, તેમ છતાં માછીમારો ફિશિંગ પ્રવૃત્તિ માટે દરિયામાં જતાં હોવાનું ધ્યાને આવે છે. જોકે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા માછીમારોને એલર્ટ આપી દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત લાવવાની કામગીરી અગાઉથી જ કરી દેવાઈ છે. હજુ પણ ભારે વરસાદની આગાહીના પરિણામે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. એટલું જ નહીં, વરસાદનું જોર ઘટતાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

ભારે વરસાદની આગાહીને પગલે સૂચનાનું પાલન કરવા અપીલ
મંત્રીએ રાજ્યના નાગરિકોને ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ તંત્રની સૂચનાનું પાલન કરવા તેમજ પૂરતો સહયોગ આપવા અપીલ કરી વિનંતી કરી છે કે, પાણીના વહેણ તરફ વાહન લઈને કે ચાલીને જવું નહીં કે તેને ઓળંગવાનો પ્રયત્ન પણ કરવો નહીં. પાણી સાથેની રમત ભારે પડી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યભરમાં વરસાદી માહોલ
રાજ્યભરમાં વરસાદી માહોલ
અન્ય સમાચારો પણ છે...