મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજથી ચારધામયાત્રાનો પ્રારંભ, ગુજરાતના નવા મંત્રીઓને 15 દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ, દેશમાં 9 કલાકમાં 2 કરોડ લોકોને વેક્સિન અપાઈ

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,
આજે શનિવાર છે, તારીખ 18 સપ્ટેમ્બર, ભાદરવા સુદ બારશ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ચારધામયાત્રાનો પ્રારંભ, યાત્રાળુઓએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અને વેક્સિનના બન્ને ડોઝનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે.
2) રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાની શક્યતા.
3) રેશનકાર્ડધારકોને 17 દિવસ બાદ આજથી અનાજ મળશે, રાજ્ય સરકારના નિયમિત અનાજના જથ્થા સાથે પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળનું અનાજ પણ મળશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગુજરાતના નવા મંત્રીઓ સોમવારે 12.39ના વિજય મુહૂર્તમાં સંભાળશે કાર્યભાર, 15 દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ
ગુજરાતના નવા મંત્રીઓ સોમવારે એટલે કે 20 સપ્ટેમ્બરે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તે તેમના કાર્યાલયમાં પ્રવેશ કરી કાર્યભાર સંભાળશે. નવા મુખ્યમંત્રીના પ્રધાનમંડળના સભ્યોને 15 દિવસ ગાંધીનગર નહીં છોડવા આદેશ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમને ફાળવેલા વિભાગો બાબતે જ કામગીરી કરવાની રહેશે. બિનજરૂરી પ્રવાસ ન કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) 1250 લોકોએ 24 કલાકમાં તૈયાર કર્યો ભરૂચમાંથી પસાર થતો 2 કિમીનો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે, 4 વિશ્વ રેકોર્ડ નોંધાયા
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેનું હાલ નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતના ભરૂચમાં માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાર રેકોર્ડ નોંધાયા છે. ભરૂચના મનુબર-સાંપા-પાદરા રોડના ભાગ પર 24 કલાકમાં 2 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરાતાં 4 વિશ્વ રેકોર્ડ નોંધાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) પાટણમાં ગળામાં છરી ફેરવી પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિનો પણ આપઘાત, પલભરમાં ત્રણ બાળકે સર્વસ્વ ગુમાવ્યું
પાટણમાં ઘરકંકાસને કારણે એક પરિવારનો માળો વિખેરાયો છે. ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની હત્યા નીપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતાં ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રચાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) સરકારમાંથી પડતાં મુકાયેલા એક કેબિનેટ મંત્રીએ રાજપથ ક્લબ પાછળ રૂ. 112 કરોડમાં જમીન વેચી
છેલ્લા એક સપ્તાહથી ગુજરાતનાં રાજકારણમાં ભારે ઊથલપાથલ જોવા મળી છે. રાજ્યમાં અચાનક જ નવી સરકાર બની અને સાથે જ જૂના તમામ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. આવા જ એક પડતાં મુકાયેલા કેબિનેટ મંત્રીએ અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલી પોતાની જમીન રૂ. 112 કરોડથી વધુમાં વેચી નાખી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) મોદીના બર્થ-ડે પર રેકોર્ડબ્રેક વેક્સિનેશન, દેશમાં માત્ર 9 કલાકમાં 2 કરોડ લોકોને વેક્સિન આપી ઈતિહાસ રચ્યો
ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શુક્રવારે માત્ર 9 કલાકમાં જ કોકોના વાઈયરસ સામે 2 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. અત્યારે પણ વેક્સિનેશન ચાલુ છે. એટલે કે આ આંકડો હજી પણ વધી શકે છે.આ પહેલાં બપોરે દોઢ વાગ્યા સુધી એક કરોડથી વધારે ડોઝ લગાવવામાં આવ્યા છે. વેક્સિનેશન પ્રોગ્રામની સ્પીડથી અંદાજ લગાવી શકાય છે કે, દરેક સેકન્ડે 527થી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. દર કલાકે 19 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

6) પેટ્રોલ-ડિઝલ સસ્તુ નહીં થાય, પેટ્રોલ-ડિઝલ GST હેઠળ લાવવા મુદ્દે કાઉન્સિલની બેઠકમાં કોઈ ચર્ચા થઈ નહીં; 6 રાજ્યોએ વિરોધ કરેલો
લખનઉમાં GST (ગુડ્સ એન્ડ સવિસિસ ટેક્સ) કાઉન્સિલની 45મી બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠકમાં પેટ્રોલ-ડિઝલને GST અંતર્ગત લાવવાની કોઈ જ દરખાસ્ત રજૂ કરવામાં આવી નથી, એટલું જ નહીં આ મુદ્દે કોઈ ચર્ચા પણ થઈ ન હતી. આ સાથે એવી પણ માહિતી મળી છે કે બાયોડિઝલ પર GST ઘટાડી 5 ટકા કરવાની મંજૂરી મળી છે. મેટલ પર GST 5 ટકાથી વધારી 18 ટકા કરવાનો પણ નિર્ણય કરાયો છે.
વાંચો સમાચાર વિગતવાર

7) હક્કાની નેટવર્કે ભારત પ્રત્યે વ્યક્ત કરી નારાજગી, અનસ હક્કાનીએ કહ્યું- ભારત અફઘાનિસ્તાનનો સાચો મિત્ર નથી
તાલિબાન સરકારમાં સામેલ આતંકી સંગઠન હક્કાની નેટવર્કની ભારત વિશેની વિચારસરણી સામે આવી રહી છે. હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાઝુદ્દિન હક્કાનીના ભાઈ અનસ હક્કાનીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકો ભારતને સાચો મિત્ર નથી માનતા. એ સાથે જ તેણે કહ્યું હતું કે અફઘાનિસ્તાન વિશે ભારતે તેમની નીતિ બદલવાની જરૂર છે. ન્યૂઝ ચેનલ WION સાથેની વાતચીતમાં અનસ હક્કાનીએ તાલિબાનરાજમાં અફઘાનિસ્તાનના ભવિષ્ય અને ભારત-અમેરિકાના સંબંઘો વિશે ચર્ચા કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અમદાવાદમાં કાંકરિયા સહિતનાં સ્થળોએ ફરવા માટે વેક્સિન ફરજિયાત, AMTS-BRTSમાં પણ વેક્સિન વિનાના મુસાફરોને નો એન્ટ્રી
2) રાજ્યમાં સાંજ સુધીમાં જ 18 લાખ લોકોએ વેક્સિન લીધી, 7500 ગામડાંમાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક
3) ‘ઈ કરી’ને વજુભાઇએ કહ્યું- 'નવી જવાબદારી સોંપે તો ભલે, ન સોંપે તો પણ ભલે... કરીએ છીએ તેમ કામ કરીશું' રૂપાણી બોલ્યા ‘હા... બરોબર છે’
4) રાજકોટના પડધરીમાં 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સિવિલમાં દાખલ, તબિયત સારી
5) ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો, ન્યૂઝીલેન્ડ સરકારે સુરક્ષાનાં કારણોને ધ્યાનમાં રાખી નિર્ણય લીધો.
6) ભાજપ-શિવસેના વચ્ચે વધી રહી છે નિકટતા, ઔરંગાબાદમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ગણાવ્યું ભાવિ સહયોગી

આજનો ઈતિહાસ
વર્ષ 2016મા આજના દિવસે 4 આતંકવાદીએ ઉરીમાં સેનાના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, 19 જવાન શહીદ થયા હતા. ભારતે 10 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરી બદલો લીધો હતો.

અને આજનો સુવિચાર
ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...