• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Starting Today, AMTS BRTS Will Have Only 50% Seating Capacity, 3350 Cases Of Corona And 50 New Cases Of Omicron In 24 Hours In The State.

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:​​​​​​​આજથી AMTS-BRTSમાં 50 ટકા જ સિટીંગ કેપેસિટી, રાજ્યમાં 24 કલાકમાં જ કોરોનાના 3350 અને ઓમિક્રોનના 50 નવા કેસ

19 દિવસ પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 6 જાન્યુઆરી, પોષ સુદ ચોથ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજથી AMTS અને BRTSમાં 50 ટકા જ સિટીંગ કેપેસિટી સાથે મુસાફરી કરી શકાશે 2) સી.આર.પાટીલ ગોંડલમાં, તાલુકાના નવા ચુંટાયેલા 77 સરપંચોનું સન્માન કરાશે 3) ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

* કોરોના ગુજરાત LIVE: ગુજરાતમાં ડિસેમ્બર આખામાં 4256 સામે જાન્યુ.ના 5 દિવસમાં જ 8911 કેસ, 24 કલાકમાં જ કોરોનાના 3350 અને ઓમિક્રોનના 50 નવા કેસ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ગઈકાલે 7 મહિના બાદ પહેલીવાર 3000થી વધારે કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 નવા કેસ નોંધાયા હતા. એ પહેલા 29 મેના રોજ 2230 કેસ હતા. અમદાવાદમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1660 કેસ નોઁધાયા હતા. બીજીતરફ આજે ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. આજે રાજ્યમાં 50 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જેમા 34 કેસ તો માત્ર અમદાવાદના જ છે.

વાંચો સમાચાર વિગતવાર

* વાઈબ્રન્ટમાં વિવાદ:અધિકારીઓને વાઈબ્રન્ટનો ડર અને સરકારે પકડી છે જીદ, સરકાર અને બાબુઓ આમને-સામને, ઉદ્યોગપતિઓ સરકારને ચોખ્ખી ના પાડી શકતા નથી

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. એવામાં સંજોગોમાં પણ સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજવાની જીદ સાથે આગળ વધી રહી છે. જેની સામે સરકારના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓ નારાજગી સાથે મુખ્યમંત્રી સહિત મંત્રીઓને વાઈબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલી કરવા માટે દબાણ કરી રહ્યા છે. પરંતુ સરકારે કોઈપણ ભોગે વાઈબ્રન્ટ સમિટ યોજવા મક્કમ રહેતા અધિકારીઓ અંદર ખાને સરકાર સામે નારાજ છે પણ બોલી શકતા નથી. એટલું જ નહીં કોરોનાના કહેર વચ્ચે પણ રાજ્યના આરોગ્ય કમિશનર અને સચિવ સહિતના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી જતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

વાંચો સમાચાર વિગતવાર

* ડર કે આગે વેક્સિન હૈ:જો કોરોના વેક્સિનનો બીજો ડોઝ નહીં લીધો હોય તો પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે, AMCએ પોલીસને લિસ્ટ સોંપ્યું

રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે, કોરોનાથી બચવા માટે વેક્સિનેશન એક જ ઉપાય છે ત્યારે લોકો વ્યક્તિના બંને ડોઝ લે, તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ અને લોકોને બીજો ડોઝ લેવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂબ પ્રયત્નો પછી પણ લોકો વેક્સિન લેતા નહોતા. જેને પગલે લોકો ડરીને વેક્સિન લે તેના માટે કોર્પોરેશને પોલીસનો સહારો લીધો છે. કોરોના વેક્સિન લેવા માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે. કોર્પોરેશને પોલીસને લિસ્ટ પણ સોંપી દીધું છે.

વાંચો સમાચાર વિગતવાર

* કોરોના વધ્યો, નિયંત્રણો આવ્યા:ગુજરાત હાઇકોર્ટમાં માત્ર વકીલોને જ પ્રવેશ, એક ગેટ પરથી જ એન્ટ્રી, સિટી-સિવિલ કોર્ટમાં પણ અરજદારને હાજર ન રાખવા સૂચના

રાજ્યમાં અને અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતાં ગુજરાત હાઇકોર્ટમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. આજથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવાયા છે. તેમજ માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે અમદાવાદની નીચલી કોર્ટમાં પણ સતર્કતા માટે સૂચનો જારી કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, મહામારીને કારણે આ પહેલા 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

* ત્રણ મોટાં શાક માર્કેટનો ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં શાકભાજી વેચનારા અને દુકાનદારો સુપર સ્પ્રેડર, માસ્ક વગર બેફામ રીતે લોકો સાથે સીધા સંપર્કમાં

રાજ્યમાં કોરોના બેફામ ગતિએ આગળ વધી રહ્યા છે, એક જ દિવસમાં કેસો ડબલ થઇ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસો 1200ને પાર પહોંચી ગયા છે. બે ગણા ઝડપથી ફેલાતા કોરોના વચ્ચે હજી પણ અમદાવાદીઓ બેદરકાર છે. કોરોનાનું સંક્રમણ વધુ ઝડપથી ફેલાવવામાં સુપર સ્પ્રેડર શાકભાજી વેચનારા અને દુકાનદારો છે, કારણ કે તેઓ લોકોના સીધા સંપર્કમાં આવે છે. શાકભાજી વેચનાર અને દુકાનદારો પણ માસ્ક વગર વેચાણ કરે છે, જેને કારણે કોરોના ઝડપથી ફેલાઈ શકે છે. અમદાવાદના મોટા શાકભાજી બજાર અને માર્કેટમાં માસ્ક તથા કોરોનાની ગાઈડલાઈન્સના પાલન અંગે DivyaBhaskarએ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

* સુરક્ષા કારણોથી પંજાબના ફિરોજપુરમાં PM મોદીની રેલી રદ્દ થઈ, સર્જાયો ભારે રાજકીય વિવાદ

પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી જે અંગે હવે રાજકારણ પણ શરુ થઈ ગયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ CM ચરણજીત સિંહ ચન્ની સામે ગંભીર આરોપ લાગ્યા છે. નડ્ડાએ દાવો કર્યો છે કે જ્યારે PM મોદીનો કાફલો ફસાયો હતો ત્યારે CM ચન્નીએ ફોન પર વાત કરવાનો અને મુદ્દાના સમાધાનનો ઈનકાર કરી દીધો. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, 'મને ખેદ છે કે વડાપ્રધાન મોદીને આજે ફિરોઝપુર જિલ્લાની મુલાકાત દરમિયાન અધવચ્ચેથી જ પરત ફરવું પડ્યું. અમે અમારા વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. મને આજે ભઠિંડામાં PM મોદીના સ્વાગત માટે જવાનું હતું પરંતુ જે લોકોને મારી સાથે આવવાનું હતું તેઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા તેથી હું વડાપ્રધાનને રિસીવ કરવા ન જઈ શક્યો કેમકે હું કોરોના પોઝિટિવ આવેલા કેટલાંક લોકોના સંપર્કમાં હતો.'

વાંચો સમાચાર વિગતવાર

* ઝારખંડમાં ગેસ-સિલિન્ડરથી ભરેલી ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માતમાં 15નાં મોત, મુસાફરોને બહાર કાઢવા કટરનો ઉપયોગ કરાયો

ઝારખંડના પાકુડમાં બુધવારે સવારે એક ભયાનક રોડ એક્સિડન્ડ થયો છે, જેમાં 15નાં મોત થયાં છે. પાકુડથી દુમકા જતી લિટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા પાસે ગેસ-સિલિન્ડરથી ભરેલી એક ટ્રક બસ સાથે અથડાઈ છે. બસમાં 40થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા, તેમાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીના ફુરચા ઊડી ગયા છે. બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા છે. ક્રેનની મદદથી બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કૃષ્ણા રજત બસ અને LPG સિલિન્ડર્સ ભરેલી ટ્રક એટલી જોરથી અથડાઈ હતી કે બંને ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નછી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

* મુંબઈમાં કોરોનાનું રૌદ્ર રૂપ, છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 15000થી વધારે કેસ આવ્યા, 3 લોકોએ જીવ ગુમાવ્યો

મુંબઈમાં આજે કોરોનાની બીજી લહેર તેની ચરમસીમાએ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 15166 કેસ આવ્યા છે અને 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. એપ્રિલ,2021માં બીજી લહેર સમયે મુંબઈમાં એક દિવસમાં 11206 કેસ આવતા હતા. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 653 દર્દી સામે આવી ચુક્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોનાના કેસ વિક્રમજનક આવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે મુંબઈમાં ઓમિક્રોન વેરિયન્ટનું કમ્યુનિટી સ્પેડ થઈ ગયો છે. તેનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી રહ્યો નથી અને ન તો કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી શકાયો છે. હવે આ જોખમ વચ્ચે BMCએ કહ્યું છે કે જો મુંબઈમાં કોરોનાના એક દિવસમાં 20000થી વધારે કેસ આવશે તો પછી લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ રોકવા એક્શન પ્લાન ઘડવા કલેક્ટર અને કમિશ્નરને મુખ્ય સચિવનો આદેશ 2) ઊર્જા વિભાગનું ભરતીકૌભાંડ:યુવરાજસિંહનું ટ્વીટ- 'પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત..', 'વ્યાપમ નહીં, મહાવ્યાપક' નામથી સોશિયલ મીડિયામાં કેમ્પેન 3) નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી વધુ 5 વર્ષ માટે અમલમાં મુકાઈ, વિદ્યાર્થીઓને ઈનોવેશન માટે 5 કરોડની સહાય મળશે 4) ગુજરાતમાં બે દિવસમાં જ 15થી 18 વર્ષનાં 11 લાખ બાળકોને કોરોના વેક્સિન અપાઈ, કચ્છ-બનાસકાંઠામાં ધમાકેદાર શરૂઆત 5) WHOની ચેતવણી -ઓમિક્રોન જેટલો ઝડપથી ફેલાશે એટલા જ નવા ખતરનાક વેરિયન્ટ આવશે અને એ જીવલેણ બની શકે છે 6) શેરબજારમાં સતત તેજીની આગેકૂચ, સેન્સેક્સ વધુ 367 પોઇન્ટ ઉછળી 60 હજારને પાર

આજનો ઈતિહાસ
વર્ષ 1989માં આજના દિવસે ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના હત્યાના દોષિત સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસી આપવામાં આવી હતી.

અને આજનો સુવિચાર
જીવનમાં શાંત રહો, સત્ય પર ચાલો, દઢ રહો, મનમાંથી હિંમતપૂર્વક ડરને મારી હટાવો. મન જ રાજા છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...