અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ, લાંભા, અને રામોલમાં કરોડોના ખર્ચે બનાવેલા ટેનિસ કોર્ટ રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે દ્વારા કોન્ટ્રાક્ટરને રોજના 65 રૂપિયાના ભાડા પેટે પાંચ વર્ષ માટે ચલાવવાની દરખાસ્ત મંજૂર કરી દીધી હતી. જેને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવા આવી હતી. જો કે આજે આ કોન્ટ્રાકટરોને સસ્તા ભાવે ટેનિસ કોર્ટ ભાડે આપવાની દરખાસ્ત ફગાવી અને રિટેન્ડર કરવા કમિટીએ નિર્ણય લીધો છે.
3 વિસ્તારમાં ટેનિસ કોર્ટ પીપીપી ધોરણે ચલાવવા નિર્ણય લેવાયો હતો
રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીએ 3 વિસ્તારમાં ટેનિસ કોર્ટની હરાજીથી પીપીપી ધોરણે ચલાવવા આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં લાંભાના 2, રામોલના 2 અને નિકોલના 2 ટેનિસ કોર્ટનો સમાવેશ થાય છે. લાંભાનો ટેનિસ કોર્ટ હસમુખ વેગડાને પાંચ વર્ષ માટે રૂ.1.15 લાખ લેખે અપાયો હતો. રામોલનો સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાતને રૂ. 1.25 લાખ તો નિકોલ ટેનિસ કોર્ટ અનિલ રાજેશભાઇને રૂ. 1.30 લાખમાં ભાડે આપવાનો ઠરાવ કરાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્તને મૂકવામાં આવી હતી. જેના પર આજે ચર્ચા કરી અને અન્ય કોન્ટ્રાક્ટરો વધુ ભાવ આપે તેના માટે ફરીથી ટેન્ડર કરવા માટે જણાવવામાં આવ્યું છે.
રિક્રિએશન કમિટીના ચેરમેને દરખાસ્ત મંજૂર કરી હતી
ટેનિસ કોર્ટમાં આવતાં લોકો પાસેથી કોન્ટ્રાક્ટર શીખાઉ પાસેથી એક મહિનાના 500, શીખેલી વ્યક્તિ પાસેથી રૂ. હજાર ફી વસૂલશે. જ્યારે 6 મહિનાના 5 હજાર અને વર્ષના રૂ.9 હજાર લેશે. આમ બે શીખાઉ વ્યક્તિ ટેનિસ કોર્ટમાં આવે તો કોન્ટ્રાક્ટરનો આખા મહિનાનો ખર્ચો નીકળી જાય તેવી રિક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવે દરખાસ્ત મંજૂર કરી દીધી હતી. પરંતુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને યોગ્ય રીતે આનો નિર્ણય લઇ અને દરખાસ્ત ફગાવી રીટેન્ડર કરી છે
સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રિ-મોન્સૂનની કામગીરીની ચર્ચા
રાજ્યમાં આગામી 15 જૂનથી ચોમાસુ બેસી જાય તેવી શક્યતા છે. જેના પગલે શહેરમાં પ્રિમોન્સુન કામગીરી ઝડપથી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રિ-મોન્સૂનની કામગીરીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શહેરમાં જે પણ મોટા અને ભરાવદાર ઝાડ હોય તેને ટ્રીમીગ કરવા માટે અધિકારીઓને સૂચના અપાઇ હતી. શહેરમાં ગટરની કેચપીટની સફાઈનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે જેને ઝડપથી પૂર્ણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.