શહેરમાં રોડ પર રઝળતા ઢોર નાગરિકોને અડફેટે લઇ રહ્યા છે, તે મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ઉઠેલા મામલા બાદ ચેરમેને સીએનસીડી વિભાગના અધિકારીને સ્પષ્ટ કહ્યું કે, તમારી કામગીરીથી અમને સંતોષ નથી. છેલ્લા કેટલાક સમયથી સીએનસીડી વિભાગે ખૂબ ઓછી માત્રામાં રઝળતા ઢોર પકડ્યા છે.
નિકોલમાં ગાયે યુવતી પર કરેલા હુમલાને કારણે તેને ગંભીર ઇજા પહોંચવાનો મામલો સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ગુંજ્યો હતો. પૂર્વ વિસ્તારમાં ગાયો ખુલ્લેઆમ ફરી રહી હોવાની તેમજ તેના પર પૂરતું મોનિટરિંગ નહીં હોવાની રજૂઆત સભ્યોએ કરી હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સીએનસીડીના એચઓડી નરેશ રાજપૂતને પૂછ્યું હતું કે, અત્યારે તમે કેટલા રખડતાં ઢોર પકડો છો? ત્યારે અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, રોજના લગભગ 50 જેટલાં ઢોર પકડાય છે.
આ બાબતે ચેરમેને ભારે અસંતોષ વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું કે, તમે લાંબા સમયથી યોગ્ય પ્રમાણમાં રખડતાં ઢોર પકડતા નથી. અધિકારીએ કહ્યું કે, હવે અમે ઝુંબેશ હાથ ધરીશું. ચેરમેને એવું પણ પૂછ્યું કે, તમે કૂતરાનું ખસીકરણ કરતા હોવાનું કહો છો, પરંતુ કૂતરાની સંખ્યામાં તો ઘટાડો જોવા મળતો જ નથી. તો તમે ખરેખર કામગીરી શું કરો છો? સભ્યોએ પણ રજૂઆત કરી હતી કે, સીએનસીડી વિભાગમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારને કારણે યોગ્ય સંખ્યામાં ઢોર પકડવામાં આવતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.