રિઝલ્ટ જાહેર:ધોરણ 12 સા.પ્ર.માં માત્ર 691 વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો,9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો, ધોરણ 10 પછી ધોરણ 12માં પણ A1 ગ્રેડમાં રાજકોટ પ્રથમ

અમદાવાદ3 મહિનો પહેલા
સ્કૂલોએ માર્કશીટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને આપી.
  • ધોરણ 12માં A1 ગ્રેડ મેળવવામાં સુરતનો બીજો અને અમદાવાદનો ત્રીજો નંબર.
  • રાજકોટમાં 24339 વિદ્યાર્થીઓમાંથી 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો.
  • સુરતમાં 44866 રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી 187 તથા અમદાવાદમાં 28932 વિદ્યાર્થીઓમાંથી 38 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો.

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટની કોપી કાઢીને આપવામાં આવી રહી છે. સવારથી જ સ્કૂલમાં પરિણામ લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થી છે.

ધોરણ 10 પછી ધોરણ 12માં A1 ગ્રેડમાં રાજકોટ પ્રથમ
ધોરણ 10ની પરીક્ષામાં પણ રાજકોટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પણ રાજકોટના રેગ્યુલર વિદ્યાર્થીઓએ ફરીવાર A1 ગ્રેડ મેળવવામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રાજકોટમાં 24 હજાર 339 રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 12માં A1 ગ્રેડ મેળવવામાં સુરતનો બીજો નંબર છે. સુરતમાં 44 હજાર 866 રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે અમદાવાદમાં 28 હજાર 932 વિદ્યાર્થીઓમાંથી 38 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

આ પણ વાંચોઃ અમે તનતોડ મહેનત કરી હતી, પરીક્ષા લેવાઈ હોત તો 95 ટકા આવ્યા હોત, માસ પ્રમોશનને કારણે 81 ટકા જ આવ્યા

નારણપુરાની વિજયનગર સ્કૂલમાં ધોરણ 12નું પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ પહોંચ્યા.
નારણપુરાની વિજયનગર સ્કૂલમાં ધોરણ 12નું પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ પહોંચ્યા.

કુલ 4 લાખ વિદ્યાર્થીઓનાં પરિણામ જાહેર
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 લાખ 10 હજાર 375 વિદ્યાર્થી અને 1 લાખ 89 હજાર 752 વિદ્યાર્થિની નોંધાયાં છે. ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ 4 લાખ 127 રેગ્યુલર વિદ્યાર્થીનાં પરિણામ આજે જાહેર કરવામાં આવ્યાં છે. પરિણામ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલ પર પહોંચ્યા છે,વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી પરિણામ સાથે લિવિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.

વાંચો સંપૂર્ણ પરિણામઃ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

જુઓ માર્કશીટ સૌપ્રથમ દિવ્ય ભાસ્કર પર.
જુઓ માર્કશીટ સૌપ્રથમ દિવ્ય ભાસ્કર પર.

અત્યારે માત્ર કાચી માર્કશીટ આપવામાં આવી ​​​​​
નારણપુરાની વિજયનગર સ્કૂલના આચાર્ય ધવલભાઈ પાઠકે જણાવ્યું હતું કે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યું છે. હવે તેમને સ્કૂલમાં સહી-સિક્કા સાથે પરિણામ આપવામાં આવી રહ્યાં છે. પરિણામની માત્ર અત્યારે પ્રિન્ટ કાઢવામાં આવી રહી છે. સ્કૂલના સહીસિક્કા કર્યા બાદ જ પ્રિન્ટ કરેલી માર્કશીટ આગળ પ્રવેશ માટે માન્ય ગણાશે. અત્યારે માત્ર કાચી માર્કશીટ આપવામાં આવી છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ આપવામાં આવે એ બાદ વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવશે

વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ.
વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ.

સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટની પ્રિન્ટ કાઢીને આપવામાં આવી
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ધોરણ 10ના 50 ટકા, ધોરણ 11ના 25 ટકા અને ધોરણ 12ની સ્કૂલની પરીક્ષાના 25 ટકા ગુણના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. હાલ પરિણામને લઈને ઉત્સાહિત વિદ્યાર્થીઓ સ્કૂલમાં પરિણામ લેવા માટે પહોંચ્યા છે. સ્કૂલમાં GSEBની વેબસાઈટ પરથી સ્કૂલ દ્વારા જ વિદ્યાર્થીઓને માર્કશીટની પ્રિન્ટ કાઢીને આપવામાં આવી રહી છે.

સ્કૂલમાંથી માર્કશીટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને આપવામાં આવી.
સ્કૂલમાંથી માર્કશીટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને આપવામાં આવી.

પરિણામથી શિક્ષણ વિભાગની નીતિ ખુલ્લી પડીઃ કોંગ્રેસ
ધોરણ 12ના પરિણામ અંગે કોંગ્રેસ પ્રવકતા અને શિક્ષણ વિદ મનીષ દોશીએ જણાવ્યું હતું કે પરિણામ બદલ વિદ્યાથીઓને અભિનદન પાઠવું છું. પરંતુ આ વર્ષનું પરિણામ બોર્ડના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિણામ છે. 4 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેસન આપવામાં આવ્યું છે. તેમાંથી માત્ર 691 વિદ્યાર્થીઓએ જ A 1 ગ્રેડ મેળવ્યો છે.સરકારના માસ પ્રોગ્રેશનના નિર્ણયથી 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ ગ્રેડ પ્રમાણે પરિણામ નીચું છે.પરિણામથી શિક્ષણ વિભાગની નીતિ ખુલ્લી પડી છે.માસ પ્રોગ્રેશનનો નિર્ણય યોગ્ય છે પરંતુ તેમાં માર્કસની ગણતરી કરવામાં આવી તે ખોટી સાબિત થઈ છે.

CBSEમાં પણ 100 ટકા પરિણામ આવ્યું
ગુજરાત બોર્ડ બાદ હવે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ) બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બપોરે 2 વાગ્યાથી જ વિદ્યાર્થીઓ સ્કૂલ પર ભેગા મળીને પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામથી અનેક વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઓફલાઈન પરીક્ષા લીધી હોત તો હજી સારું પરિણામ આવ્યું હોત, પરંતુ વાલીઓમાં પરિણામથી ખુશી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...