રાજ્યમાં કોરોના મહામારીને કારણે સવા વર્ષ કરતા વધુ સમયથી ઓફલાઈન શિક્ષણ બંધ છે. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી ગયા હોવાથી રાજ્ય સરકારે ધોરણ 12ની સ્કૂલો, કોલેજો અને ટેકનિકલ સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં 15મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. આમ કુલ 18 લાખ 46 હજાર 51 વિદ્યાર્થીનું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે.
2,931 શિક્ષણ સંસ્થાઓમાં ઓફ લાઈન અભ્યાસ શરૂ થશે
રાજ્યમાં ધોરણ-12 ઉચ્ચત્તર માધ્યમિકની 833 સ્કૂલોના 6 લાખ 82 હજાર વિદ્યાર્થીઓ, સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાયનાન્સ અને યુનિવર્સિટીઓની કુલ 1609, ઉચ્ચશિક્ષણ સંસ્થાનોમાં 8 લાખ 85 હજાર 206 વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી, ફાર્મસી અને પોલિટેકનિક કોલેજ મળીને કુલ 489 ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં 2 લાખ 78 હજાર 845 વિદ્યાર્થીઓ છે
કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.
12થી 18 વર્ષના બાળકો માટે સપ્ટેમ્બરમાં વેક્સિન આવી શકે
ભારતમાં 12થી 18 વર્ષનાં બાળકોની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન સપ્ટેમ્બરથી મળવાની શરૂ થઈ શકે છે. વેક્સિન બાબતો પર બનેલી એક્સપર્ટ કમિટીના પ્રમુખે આ વાત જણાવી છે. ઝાયડસ કેડિલાની વેક્સિનની બાળકો પર કરવામાં આવેલી ટ્રાયલનાં પરિણામ સપ્ટેમ્બર પહેલાં જ ઉપલબ્ધ થઈ જવાની આશા છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિનના પ્રમુખ ડો. એન.કે.અરોરાએ એક જાણીતા મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝાયડસની કોરોનાની વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે કેટલાંક સપ્તાહની અંદર જ લીલી ઝંડી મળી શકે છે.
કોરોના વકરતા માર્ચમાં સ્કૂલો બંધ કરી
ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
બરાબર એક વર્ષ બાદ ફરી સ્કૂલ-કોલેજો બંધ કરી હતી
ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.
ધો.1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું
રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારેધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના હતી. ત્યાર બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
સ્કૂલ, કોલેજો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.