તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:અમદાવાદની કોલેજોમાં વેક્સિનેશન માટે કોર્પોરેશનની ટીમ પહોંચી જ નહીં, જ્યારે ગુજરાત યુનિવર્સિટીએ રસ્તે જનારા લોકોને પણ વેક્સિન આપવી પડી

અમદાવાદ3 મહિનો પહેલા
કોલેજોમાં કોર્પોરેશનની ટીમ વેક્સિનેશન માટે પહોંચી જ નહીં.
  • અમદાવાદની કોલેજો અને યુનિવર્સિટીમાં વેક્સિનેશનનો ફિયાસ્કો થયો
  • અમદાવાદમાં બુધવારે 42 હજાર લોકોને વેક્સિન મૂકવામાં આવી
  • GTUમાં 14 વિદેશી વિદ્યાર્થીએ રસીનો બીજો ડોઝ લીધો

અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. હવે લોકોને વેક્સિન આપવા માટે મહાઅભિયાનનો આરંભ થયો છે. ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીમાં વેક્સિનેશન શરૂ થયું હતું, જેમાં યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજે અલગ અલગ કોલેજોમાં પણ રસીકરણ શરૂ થવાનું હતું, આ માટે કોલેજો દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશનનની ટીમ જ રસીકરણ માટે પહોંચી નથી.

12 વાગ્યા સુધી કોર્પોરેશનની ટીમ પહોંચી જ નહીં
યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, લો ગાર્ડન પાસે આવેલી એચ.એ.કોમર્સ કોલેજ, ઇન્કમટેક્સ પાસે આવેલી સી.યુ.શાહ કોલેજ, આશ્રમ રોડની એચ,કે.કોમર્સ કોલેજ, નવરંગપુરાની એચ.એલ. કોમર્સમાં રિયાલિટી ચેક કરતાં તમામ કોલેજમાં વેક્સિનેશન શરૂ જ નથી થયું. કેટલીક કોલેજમાં રસી માટે કેટલાક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સવારે આવીને પરત જતા રહ્યા હતા. 10થી 02 વાગ્યા સુધી વેક્સિન આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ 12 વાગ્યા સુધી કોલેજનો તમામ સ્ટાફ રસી માટે રાહ જ જોતા રહ્યો હતો.

યુનિવર્સિટીમાં રસ્તે પસાર થનાર લોકોને પણ વેક્સિન આપવી પડી.
યુનિવર્સિટીમાં રસ્તે પસાર થનાર લોકોને પણ વેક્સિન આપવી પડી.

યુનિવર્સિટીમાં રસ્તે જતા લોકો વેક્સિન લઈ રહ્યા છે
ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગોમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પહેલા દિવસે અલગ અલગ વિભાગ પ્રમાણે વેક્સિનેશન કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય પ્રતિસાદ ના મળતાં તમામ વિભાગોનું વેક્સિનેશન એક જ જગ્યાએ સેનેટ હોલમાં કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં મોટા ભાગના કર્મચારીઓનું અગાઉ વેક્સિનેશન થઇ ચૂક્યું છે, જેથી હવે વેક્સિન લેવા સ્ટાફના કર્મચારીઓ પણ આવતા નથી. અત્યારે યુનિવર્સિટીમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ સિવાય રસ્તે જતા લોકો વેક્સિન લેવા આવી રહ્યા છે.

બુધવારે 42 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી.
બુધવારે 42 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી.

બુધવારે 42 હજાર લોકોને વેક્સિન મુકાઈ
સોમવાર 21 જૂનથી 18થી 44 વયજૂથના લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર વેક્સિન આપવા કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. એના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારીને 400 કરાઈ હતી અને વેક્સિનેશન મહાભિયાનનો પ્રારંભ કર્યો હતો. મ્યુનિ.એ રોજ એક લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ બનાવ્યો હતો. જોકે પહેલા દિવસે ટાર્ગેટ પૂરો થઈ શક્યો નહોતો અને ફકત 38 હજાર 311 લોકોનું વેક્સિનેશન થયું હતું. ફકત 38 ટકા ટાર્ગેટ પૂરો થયો હોવાથી મ્યુનિ. કમિશનરે મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીઓને ઠપકો આપ્યો હતો અને વેક્સિનેશન ઘટવા અંગે સ્પષ્ટતા માગી હતી, પરંતુ આજે બુધવારે ત્રીજા દિવસે થયેલા વેક્સિનેશનમાં 41 હજાર 887 લોકોએ વેક્સિન લીધી હતી.

18થી 44 વયજૂથના 27 હજારે લોકોએ રસી લીધી
કોવિડ વેક્સિનેશન મહાભિયાનના ત્રીજા દિવસે શહેરમાં 48 હજાર 887 લોકોએ વેક્સિન લીધી હતી, જેમાં 24 હજાર 384 પુરુષ અને 17 હજાર 503 મહિલાનો સમાવેશ થાય છે. બુધવારે 18થી 44 વયજૂથના 27 હજાર 359 અને 45 વર્ષ ઉપરના વયજૂથના 10 હજાર 313 લોકોએ વેક્સિન લીધી હતી. શહેરમાં 13 પ્રાઈવેટ હોસ્પિટલોમાં વેક્સિનેશન આપવામાં આવી રહી છે. ત્યારે ટાર્ગેટમાં કચાશ રહી જતાં પ્રથમ દિવસે જ મ્યુનિ. કમિશનરે મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. આ ટાર્ગેટમાં આજે આંશિક વધારો જોવા મળ્યો છે.

GTUમાં 14 વિદેશી વિદ્યાર્થીએ રસીનો બીજો ડોઝ લીધો
ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં પણ રસીકરણ ચાલી રહ્યું છે. તેમાં 14 વિદેશી વિદ્યાર્થી સહિત કુલ 300 વ્યક્તિએ આજે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં માત્ર અમદાવાદ જ નહિ, પરંતુ સમગ્ર રાજ્યના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ અમદાવાદ બહારથી પણ આવતા હોવાથી વેક્સિન માટે આવ્યા નથી. જેથી આજે સ્ટાફ સહિત 300 વ્યક્તિનું રસીકરણ પૂર્ણ થયું છે.

GTUના કુલપતિ નવીન શેઠે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે GTU કેમ્પસમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે, જેમાં અનેક લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. આજે 300 વ્યક્તિનો બીજો ડોઝ પૂર્ણ થયો છે. GTUમાં કામ કરતા કર્મચારીઓ સહિત 14 વિદેશી વિદ્યાર્થીને કોવિશીલ્ડ વેક્સિનનો આજે બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...