પરીક્ષા ખંડ CCTVની નજર હેઠળ:ધો. 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતી રોકવા બોર્ડે અલગથી સેન્ટર બનાવ્યું, અમદાવાદની 300 બિલ્ડિંગો CCTV લગાવ્યા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થવાની છે. પરીક્ષામાં કોપી કરતા વિદ્યાર્થીને પકડી પાડવા બોર્ડ દ્વારા અલગ અલગ રીતે નજર રાખવામાં આવશ. જેમાં પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે તે પરીક્ષા ખંડના સીસીટીવી કેમેરાની પણ પરિક્ષાર્થીઓ પર નજર રહેશે. આ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી જોવા માટે અલગથી સેન્ટર તૈયાર કરાયા છે.

1.90 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં આ વર્ષે રાજ્યભરમાંથી 16 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ મળીને અંદાજે 1.90 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદમાં અંદાજે 300 બિલ્ડિગમાં બોર્ડની પરીક્ષા યોજવાની છે. દરેક બિલ્ડિંગના પરીક્ષા ખંડમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. એટલે પરીક્ષાને લઈને અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ચોરી કરતા કે કાપલી સાથે પકડી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઝેરોક્ષની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે બોર્ડની પરીક્ષાને લઈ જે તે પરીક્ષા સ્થળ આસપાસ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર 144ની કલમ તો લાગુ કરવામાં આવતી જ હોય છે. સાથે જ ચોરી કે ગેરરીતીને અટકાવવા પરીક્ષા સ્થળની આસપાસની ઝેરોક્ષની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે બિલ્ડિંગમાં પરીક્ષા યોજાઈ રહી છે તે બિલ્ડિંગમાં પણ જો ઝેરોક્ષ મશીન અલગથી હોય તો તેને પણ એક રૂમમાં બંધ કરી તે રૂમ સીલ કરવા જણાવાયું છે.

પરીક્ષા ખંડની અંદર લગાવ્યા સીસીટીવી
આ ઉપરાંત પરીક્ષા યોજાઈ રહી હોય તે બિલ્ડિંગમાં પરીક્ષાના બ્લોક સિવાય વધારાના રૂમો કે જેનો કોઈ ઉપયોગ નથી થવાનો તે રૂમ પણ સીલ કરી દેવાની સુચના સ્થળ સંચાલકોને આપવામાં આવી છે. આ વ્યવસ્થા છતાં પણ જો વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરે કે કાપલી કે ગેરરીતી કરે તો તે દ્રશ્યો પણ પરીક્ષા ખંડની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જશે.

ચોરી કરનાર વિદ્યાર્થી સામે કાર્યવાહી
આ પરીક્ષા શરૂ થયાના બે દિવસમાં પરીક્ષા કેન્દ્રો પરથી આવતા સીસીટીવી તપાસવા માટે બેથી ત્રણ અલગ અલગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં તપાસ કર્મીઓ પરીક્ષાના બિલ્ડિંગમાંથી આવેલી સીસીટીવીની ડીવીડીઓ તપાસવાનું કામ કરશે. આ સીસીટીવીમાં પણ જો કોઈ વિદ્યાર્થી ચોરી કે ગેરરીતી કરતો જણાય તો જે તે ચોરી કરનાર વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...