વેક્સિનની વ્યથા:એસ.ટીના કર્મચારીઓને પહેલો ડોઝ આપીને સરકાર ભૂલી ગઈ? ડેડલાઈન જતી રહી છતાં બીજા ડોઝ નથી મળ્યો, ઓનલાઈન સ્લોટ મળતા નથી

અમદાવાદએક વર્ષ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • 50 ટકા કર્મચારીઓને વેક્સિનનો પહેલો ડોઝ પણ નથી મળ્યો, ડેપો પર રસી ઉપલબ્ધ થાય તેવી અપીલ
  • કર્મચારીઓને રસીના રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સ્લોટ નથી મળતા, સ્લોટ મળે તો ફરજ પરથી ગેરહાજર રહેવું પડે

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે આ કોરોના સામે લોકોને રક્ષણ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વેક્સિનેશન અભિયાનમાં તબક્કાવાર વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં પહેલા ફ્રન્ટલાઇન વર્કસ, મેડીકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ ત્યારબાદ 45થી વધુ વયના લોકો અને હવે 18થી 44 વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ વેક્સિનને લઈને ઘણા ડૉક્ટર અને વૈજ્ઞાનિક તજજ્ઞોનું માનવું છે કે વેક્સિન લીધા પછી કોરોનાથી સંક્રમિત થવાની શકયતાઓ ઓછી છે. જેથી અત્યારે વેકસીન લેવા માટે યુવાનોથી માંડીને તમામ વયના લોકોમાં વેક્સિનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ વેક્સિનને લઈને એસ.ટી વિભાગના કર્મચારીઓ બસ ડેપો પર વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે. એસ.ટી વિભાગના 50 ટકા કર્મચારીઓને જ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે અને હવે બીજા ડોઝ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સાથે 50 ટકા જેટલા કર્મચારીઓને હજી પણ વેક્સિન અપાઈ નથી.

વેક્સિનના બીજા ડોઝ માટે કોઈ વ્યવસ્થા નહીં
રાજ્યભરમાં વેક્સિન અભિયાનની શરૂઆતમાં જ એસ.ટી ડેપો પરના કર્મચારીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 50 ટકા કર્મચારીઓએ તેનો લાભ લઈને વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. જે દરમિયાન તેઓને માત્ર સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન અપાતી હતી. જેથી જાહેર સેવામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ઝડપી વેક્સિન આપી શકાય. પરંતુ હવે તેઓને બીજો ડોઝ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને એમાં પણ જ્યાં સુધી સ્લોટ ન મળે ત્યાં સીધું વેક્સિન માટે રાહ જોવી પડે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વેક્સિન લેવા ફરજ પર ગેરહાજર રહેવું પડે છે
વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારે 30 દિવસના અંતરે બીજો ડોઝ લેવાનો નિયમ હતો. પહેલો ડોઝ લેનારા ઘણા કર્મચારીઓની બીજા ડોઝની વેક્સિન લેવાની ડેડલાઈન પણ જતી રહે છે. છતાં ઓનલાઈન સ્લોટ મળતા નથી. જો ઓનલાઈન સ્લોટ મળે તો પણ તેઓ એ વેક્સિનેશન સેન્ટરે લાઈનમાં ઉભા રહીને ફરજ પરથી ગેરહાજર રહેવું પડે છે. સાથે એસ.ટી કર્મચારીઓમાં મોટાભાગના કર્મચારીઓ જેમાં ડ્રાઈવર, કંડક્ટર અને મેકેનિક ટીમને દરરોજ ફરજ પર અલગ અલગ સ્થળ પર જવાનું હોય છે. તેઓની ડ્યૂટી દરરોજ રોટેટ થતી હોય છે. જેથી તેઓને વેક્સિનેશનમાં ઘણી તકલીફ પડી રહી છે.

2000 એસ.ટી કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત
એસ.ટી કર્મચારી મહામંડળના પ્રમુખે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારે વેક્સિન લેવાની ઉતાવળ એટલે છે કે અમાઈ દરરોજ લોકોની વચ્ચે રહીને જાહેર જ્ગ્યા એ કામ કરવાનું હોય છે. ઘણા કિસ્સામાં અમે ગામડામાંથી કેટલાક દર્દીઓને સારવાર માટે બસમાં શહેરમાં લાવતા હોય છીએ. તેઓને કોરોનાના લક્ષણ હોય છે અને તેઓને બીજું વાહન ન મળતા આખરે તેઓ બસમાં બેસીને શહેરમાં આવે છે, છતાં અમે અમારા જીવના જોખમે તેઓની મદદ કરીએ છીએ. અત્યાર સુધી અમારા 2000 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા, 147 અવસાન પામ્યા એટલે હવે બીજા કર્મચારીઓમાં પણ આના કારણે ભયનું મોજું ફરી વળ્યું છે. અમારી સરકારને અપીલ છે કે પહેલાની જેમ બસ ડેપો અને વર્ક શોપ પર વેક્સિનેશનની વ્યવસ્થા કરાવવામાં આવે.