રાજ્યમાં આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠ બનાવવા માટે ગુજરાત સરકાર વર્લ્ડ બેંક પાસે 350 મિલિયન ડોલરની લોન લેશે. આ માટે હાલ વર્લ્ડ બેંકની ટીમ સાથે રાજ્યના આરોગ્ય વિભાગના એસીએસ તથા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ રહી છે. 17મી મે સુધી વર્લ્ડ બેંકની ટીમ સાથે મિશન બેઠક યોજાશે. 'શ્રેષ્ઠ ગુજરાત' પ્રોજેક્ટ 500 મિલિયન ડોલરનો આંકવામાં આવ્યો છે.
'શ્રેષ્ઠ ગુજરાત' પ્રોજેક્ટની ગુજરાત સરકારની દરખાસ્ત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાતમાં ટ્રાન્સફોર્મ્ડ હેલ્થ આઉટકમ્સ માટે (સિસ્ટમ રિફોર્મ એન્ડેવર્સ ફોર ટ્રાન્સફોર્મ્ડ હેલ્થ આઉટકમ્સ ઈન ગુજરાત) "SRESTHA ગુજરાત" પ્રોજેક્ટની દરખાસ્ત કરવામાં આવી છે. વર્લ્ડ બેંક તરફથી 'શ્રેષ્ઠ ગુજરાત' પ્રોજેક્ટ 350 મિલિયન ડોલરની સહાય સાથે 500 મિલિયન ડોલરનો પ્રોજેક્ટ હશે, જે આરોગ્ય વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં અને 'શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી'નું નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.
2021ની 15 ડિસેમ્બરે મુખ્યમંત્રી અને 30 જાન્યુ.એ નાણા વિભાગની પ્રોજેક્ટને મંજૂરી
15મી ડિસેમ્બર, 2021ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરફથી 'શ્રેષ્ઠ ગુજરાત' પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટને નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને 30મી જાન્યુઆરી, 2022ના રોજ તેને મંજૂરી આપવામાં આવી હતી.
પ્રોજેક્ટનું નેતૃત્વ પંકજ કુમાર કરશે
'શ્રેષ્ઠ ગુજરાત' પ્રોજેક્ટનું નેતૃત્વ અને તેનું માર્ગદર્શન રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર કરશે તથા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ આ પ્રોજેક્ટનું એકંદર સંકલન કરશે. આરોગ્ય કમિશનર અને મિશન ડિરેક્ટર દ્વારા 'શ્રેષ્ઠ ગુજરાત' પ્રોજેક્ટના સંપૂર્ણ અમલીકરણ પર ધ્યાન આપવામાં આવશે. આ પ્રોજેકટ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, નાણાં વિભાગ, શિક્ષણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ સંકલિત કાર્યયોજના બનાવશે.
વર્લ્ડ બેંકની ટીમની આરોગ્યના ACS- અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
વર્લ્ડ બેંકની ટીમ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે આયોજન - સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. વર્લ્ડ બેંકની નિષ્ણાત ટીમ દ્વારા તા. 11થી 17મી મે, 2022 સુધી પ્રારંભિક મિશન બેઠકો યોજવામાં આવી રહી છે. વર્લ્ડ બેંકની આ ટીમની ઉપસ્થિતિમાં 7મી માર્ચ, 2022ના રોજ 'શ્રેષ્ઠ ગુજરાત' પ્રોજેક્ટ માટે પ્રથમ મુલાકાત થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.