SITએ વધુ એક સોગંદનામામાં સાક્ષીના નિવેદનને ટાંક્યું:શ્રીકુમારે કહ્યું હતું, આપણે અંદરોઅંદર લડીશું તો તેનો સીધો લાભ મોદીને થશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરા કાંડ પછીનાં તોફાનો વખતે ગુજરાતને બદનામ કરવા અને તત્કાલીન મુખ્યમંત્રી સહિતના નિર્દોષોને સજા કરાવવાના ઇરાદે કરાયેલા ષડ્યંત્રમાં નિવૃત્ત પોલીસ અધિકારી આર. બી. શ્રીકુમાર શરૂઆતથી સામેલ હોવાનો ઘટસ્ફોટ સીટે કોર્ટમાં કરલા બીજા સોગંદનામામાં કર્યો છે.

શ્રીકુમાર ઉચ્ચ અધિકારી હોવા છતાં ગુજરાતના ચૂંટાયેલા નેતા, પોલીસ અને અધિકારીઓની છબિ ખરડવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હતો. સીટની તપાસમાં આવેલા પુરાવા પરથી શ્રીકુમારે શરૂઆતથી તીસ્તા સેતલવાડ અને સંજીવ ભટ્ટ સાથે મળી ષડ્યંત્ર કર્યંુ હતું. કોગ્રેંસના તત્કાલીન રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના ઇશારે તીસ્તા, સંજીવ ભટ્ટ અને શ્રીકુમારે ભેગા મળી લાર્જર કોન્સપિરન્સી કરી હતી. શ્રીકુમારે ગોધરા કાંડના થોડા દિવસો પછી તીસ્તા સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ તીસ્તાએ અહેમદ પટેલ સાથે બેઠકો કરી 30 લાખ લીધા હતા. એક સાક્ષીએ આપેલા નિવેદન મુજબ મહિસાગરના પાંડરવાડા નરકંકાલ પ્રકરણમાં તીસ્તા સાથે શ્રીકુમાર પણ મીડિયાકર્મીઓને લઈ ગયા હતા.

એક સાક્ષીના નિવેદન મુજબ શ્રીકુમારે તેને ફોન કર્યો હતો અને તીસ્તા સાથે સમાધાન કરવા દબાણ કરતા હતા. ફોન પર શ્રીકુમારે કહ્યું હતું કે, આપણે સાથે મળી કામ કરવું જોઈએ. જો આપણે જ અંદરોઅંદર લડીશું તો દુશ્મનોને ફાયદો થશે, જેનો સીધો લાભ નરેન્દ્ર મોદીને થશે.

અન્ય સમાચારો પણ છે...