જગતનિયંતા ભગવાન શ્રીકૃષ્ણના 5248મા જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. એમાં પણ જન્માષ્ટમીએ ગુજરાતમાં ભગવાન દ્વારકાધીશ, ડાકોરના ઠાકોર એવા શ્રીરણછોડરાયજી તેમજ શામળિયા શેઠ એવા ભગવાન શામળાજીનાં દર્શનનો વિશેષ મહિમા છે, પરંતુ બહુ ઓછા લોકોને આ ત્રણેય મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની બનાવટ અને તેની વિશેષતાઓમાં રહેલી ભિન્નતાનો ખ્યાલ છે. દ્વારિકાધીશની મૂર્તિમાં કેમ એક આંખ બંધ અને બીજી અડધી ખુલ્લી છે, ડાકોરના ઠાકોરના ચતુર્ભુજમાંથી એક જ હસ્ત કેમ નીચેની તરફ છે અને શામળાજી મંદિરમાં કેમ લક્ષ્મીજી બિરાજમાન નથી? આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે અહીં દિવ્ય ભાસ્કર દ્વારા આ ત્રણેય પ્રસિદ્ધ તીર્થધામોમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓ ઉપરાંત મંદિરો પર ફરકતી ધજાજીની વિશેષતાઓ પણ જણાવવામાં આવે છે.
દ્વારિકાધીશ: કૌસ્તુભમણિવાળા દ્વારિકાધીશની મૂર્તિ પર 16 ચિહન
ગૂગળી બ્રાહ્મણ 505 સમસ્ત દ્વારકાના પરિવારના પૂજારી સન્ની પુરોહિતે ભગવાન દ્વારકાધીશની મૂર્તિનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે દ્વારિકાધીશની મૂર્તિના શરીર પર 16 પ્રકારનાં ચિહન છે. આમાં ડાબા પગ પાસે 2 અને જમણા પગ પાસે 2 એમ કુલ 4 સનત સનાદિકુમારો બિરાજે છે. અત્યારની પ્રતિમામાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ચતુર્ભુજ સ્વરૂપમાં અંકિત છે, જ્યારે ભગવાનની છાતી પર ભૃગુલાંછનનું ચિહન છે. ભગવાન વિષ્ણુને જગાડવા ભૃગુ ઋષિએ તેમની છાતી પર લાત મારી હતી, એ પ્રસંગના ચિહનરૂપે આ નિશાન છે, જ્યારે દ્વારકાધીશના મસ્તકમાં કૌસ્તુભ નામનો મણિ તેમજ સપ્તરૂપી પાતાળ બિરાજમાન છે. આ સાત પાતાળમાં અતળ, વિતળ, સુતળ, તળતળ, રસાતળ, મહાતળ, પાતાધાળ સામેલ છે. જ્યારે ભગવાનની જમણી આંખ બંધ છે અને ડાબી અડધી ખૂલવા જઈ રહી છે.
સાવિત્રી વાવમાં મૂર્તિ સંતાડાઈ, પ્રસ્થાપનામાં એક આંખ અડધી જ ખૂલી
હુમલાખોર બાદશાહ મોહંમદ શાહ દ્વારકાના પાદર સુધી પહોંચી ગયો હતો, એમ જણાવી સન્નીભાઈએ ઉમેર્યું હતું કે આ સમયે ગૂગળી બ્રાહ્મણોએ તથા અન્ય સમાજના આગેવાનોએ આ મૂર્તિને દ્વારકાધીશ જગતમંદિરથી અડધો કિ.મી. દૂર સિદ્ધનાથ મહાદેવના મંદિરની સામે સાવિત્રી વાવ પાસે રામવાડીમાં છુપાવી હતી અને વિધર્મી યોદ્ધાઓ દ્વારકામાં ઘૂસી ગયા ત્યારે આ મૂર્તિને સાવિત્રી વાવમાં છુપાવાઈ હતી. બેગડાના આક્રમણ દરમિયાન 14 વર્ષ સુધી મંદિર મૂર્તિવિહોણું રહ્યું હતું. દ્વારકામાંથી વિધર્મીઓને હાંકી કાઢ્યા બાદ આ મૂર્તિને ફરીથી જગતમંદિરમાં બિરાજમાન કરાઈ છે. બીજી વાયકા મુજબ આ મૂર્તિ સાવિત્રી વાવમાંથી સ્વયંભૂ ઉત્પન્ન થઈ હતી, પરંતુ હકીકતમાં આ મૂર્તિને ત્યાં સંતાડાઈ હતી અને મૂર્તિ ત્યાંથી અહીં મંદિરમાં લવાઈ ત્યારે એક આંખ બંધ રહી અને બીજી અડધી જ ખુલ્લી રહી એવી લોકવાયકા છે.
કેમ દ્વારકાધીશને 52 (બાવન) ગજની ધજા ચઢે છે?
દ્વારકાધીશના પૂજારી સન્નીભાઈએ ધજાનું પણ મહાત્મ્ય સમજાવતાં દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અહીં જન્માષ્ટમીએ ભગવાનને 52 (બાવન) ગજની ધ્વજા ચઢે છે. ધર્મપુરાણ અનુસારના અંકો જોડાયેલા 52 ગજના ગણિતના ઇતિહાસને સમજાવતાં તેમણે ઉમેર્યું હતું કે જૂના સમયમાં રાજાઓ શક્તિનું પ્રદર્શન પોતાના ધ્વજનાં કદ અને ચિહન દ્વારા કરતા હતા. વિશ્વનાં તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટો ધ્વજ દ્વારકાધીશના મંદિર પર લાગે છે. ગજ એ માપદંડ છે અને બાવન ગજ એટલે આશરે 41 મીટર કપડું થાય, જેની ધજા અહીં લાગે છે. આ 52 ગજના હિસાબમાં 27 નક્ષત્ર, જેનો આધિપતિ ચંદ્ર છે, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા તથા 9 મુખ્ય ગ્રહોનો સમાવેશ થાય છે. આનું ટોટલ 52 થાય એટલે 52 ગજની ધ્વજા આના થકી પ્રદર્શિત થાય છે અને એની પર સૂર્ય અને ચંદ્રનાં નિશાન છે.
ડાકોર: તમને ખબર છે રણછોડજીની મૂર્તિ શાલિગ્રામમાંથી બનેલી છે?
ડાકોર રણછોડરાયજી મહારાજ મંદિર ખાતેના પૂજારી વિરેનભાઈએ ડાકોરના ઠાકોરની અતિપ્રાચીન મૂર્તિની વિશેષતા દિવ્ય ભાસ્કરને જણાવી હતી. તેમણે કહ્યું હતું કે શાલિગ્રામના પથ્થરથી બનેલી હોવાથી રણછોડરાયજીને તુલસીજી ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે. આમેય શાલિગ્રામ પર તુલસી ચઢે છે. અહીં બિરાજમાન રણછોડરાયજીની મૂર્તિને ચાર હસ્ત છે. સમસ્ત ભારતવર્ષમાં આ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ભગવાનના ચાર હસ્તમાંથી ત્રણ ઉપર છે અને એક નીચે છે. નીચે જે હાથ છે એ શંખનો છે. ભગવાન રણછોડ એ રણ છોડીને આવ્યા હતા અને યુદ્ધમાં શંખ ફૂંકાય ત્યારે એનો પ્રારંભ થાય છે, માટે શંખવાળો હાથ નીચે રાખ્યો છે, જ્યારે ચક્ર, ગદા અને પદ્મનો હાથ ઉપર છે. ભગવાનનો ત્રીજો હાથ પદ્મનો ઉપર રાખેલો છે. અહીં ભગવાન રણછોડની સાથે ઋણછોડ પણ છે, જે ભક્તોને તેમના ઋણમાંથી મુક્ત કરાવે છે અને માટે જ એટલે ભગવાન ભક્તોને ઋણમાંથી મુક્ત કરાવવા ડાકોર પધાર્યા હતા. બોડાણાજીને આશીર્વાદ આપ્યા હતા.
રણછોડરાયજીની મૂર્તિ ત્રિસ્વરૂપી- બ્રહ્મા અને શિવ પણ સાથે જ!
ભગવાન રણછોડરાયજીનાં ચરણમાં સનકાદિક ચાર ઋષિકુમાર છે, જે ભગવાન મહાવિષ્ણુના ચાર બાહુમાંથી ઉત્પન્ન થયા હતા. આ ચારેય ઋષિકુમારને ચાર વેદના ઉત્થાન માટે ભગવાને ચારે દિશામાં મોકલ્યા હતા, તે સનક સનકાદિક ચાર ઋષિકુમાર ચરણમાં છે. અહીં ભગવાન ત્રિસ્વરૂપી છે, જેમાં મૂર્તિની એક તરફ બ્રહ્માજી અને બીજી તરફ શિવ અને વચ્ચે સ્વયં વિષ્ણુ છે. નીચે ચાર ઋષિકુમારો સહિત ચાર હસ્તવાળા ભગવાનનું સુંદર સ્વરૂપ છે. આખા ભારતવર્ષમાં અહીં ખુલ્લા દ્વારે જ ભગવાનને સ્નાન અને શૃંગાર થાય એવું આ એકમાત્ર મંદિર છે, જેને નિહાળીને ભક્તો ધન્ય થાય છે.
ડાકોરના ઠાકોરના શિખરે ધોળી ધજા જ કેમ ફરકાવાય છે?
ધોળી ધજામાંનો સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે, એટલે અહીં રણછોડજીને ધોળી ધજાવાળા તરીકે ઉલ્લેખ છે. સફેદ ધજાનું ખાસ મહત્ત્વ છે, કારણ કે સફેદ રંગમાં બધા રંગો મળેલા હોય છે, પરંતુ મૂળ રંગ સફેદ છે. આમેય સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને બધા રંગોમાં ઉમેરાય એવો રંગ છે, માટે ભગવાને તેને સ્વીકાર્યો છે. ભક્તો પર રંગ ભગવાનનો ચઢવો જોઈએ, એટલે ભગવાનની ધજાએ સફેદ રંગ ધારણ કર્યો છે. ભક્તોના મનમાં શ્વેતરંગી ઠાકોરજી પ્રવેશે એવા ભાવથી ભગવાને ધોળી ધજા ધારણ કરી છે, માટે અહીં ધોળી ધજાવાળો ઠાકોરજી કહેવાય છે, એમ વિરેનભાઈ પૂજારીએ ઉમેર્યું હતું.
શામળાજી: લક્ષ્મીજીનો ત્યાગ કર્યો હોય એવું એકમાત્ર વિષ્ણુજીનું મંદિર
શામળાજી મંદિરના પૂજારી પરેશ રણાએ દિવ્ય ભાસ્કરને મંદિર અને મૂર્તિનો મહિમા જણાવતાં કહ્યું હતું કે પૂર્વ સમયમાં બ્રહ્માજીના તપથી આ દેવપ્રયાગની ઉત્પત્તિ થઈ અને એનાથી ભગવાન ગદાધરનિયનની ખૂબ ઉપાસના કરી. આના પ્રતાપે ભગવાન શામળાજી અહીં પ્રગટ થયા અને સ્વયં વિષ્ણુજી શંખ, ચક્ર, ગદા તથા પદ્મ એમ પૂર્ણ સ્વરૂપમાં અહીં બિરાજમાન થયા. બ્રહ્માજીએ તેમને નિવેદન કર્યું હતું કે યાવદ ચંદ્ર-દિવાકરો.... સુધી અહીં બિરાજમાન રહેવું. આશરે 2000 વર્ષ પૂર્વે મંદિર બંધાયું હોવાનું મનાય છે પણ ઇતિહાસ લેખિતમાં નથી. આ મંદિરમાં લક્ષ્મીજીનો ત્યાગ કરીને નારાયણ સ્વરૂપે અહીં ભગવાન બિરાજેલા છે. અહીંની મૂર્તિ પારેવાના પથ્થરમાંથી બનાવેલી છે અને એક જ પથ્થરમાંથી પ્રતિમાનું નિર્માણ થયેલું છે.
ભગવાન વિષ્ણુના ભાલે ચંદનનું સહસ્ત્રાર તિલક થાય છે
શામળાજી મંદિરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમાને ચંદનનું સહસ્ત્રાર તિલક કરવામાં આવે છે. બહુ ઓછા વિષ્ણુ મંદિરોમાં ભગવાનને ચંદનનું સમસ્ત ભાલ પર તિલક કરાય છે. પરેશભાઈએ ઉમેર્યું કે શામળાજી તીર્થને માતૃગયા અને પિતૃગયા પણ કહેવાય છે. ભગવાનની મૂર્તિને પૂર્વસમયમાં બાબર-હુમાયુ વખતે હિન્દુ ધર્મની મૂર્તિઓને નષ્ટ કરતા હતા ત્યારે કર્માબાઈના તળાવમાં લઈ જઈને સંતાડી દેવામાં આવી હતી. અમુક સમય પછી ખેડૂતોને આ મૂર્તિ મળતાં ભગવાનની અહીં પુનઃસ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના પહેલાં એવો નિર્ધાર કરાયો કે જે મૂર્તિ ઓમકાર સંભળાય તો જ બિરાજમાન કરવી. ભગવાનના શ્રીમુખે ઓમકાર સંભળાતાં આ મૂર્તિને અહીં બિરાજમાન કરાઈ અને અવિરત અહીં બિરાજમાન છે.
બ્રહ્મા-વિષ્ણુ-મહેશના પ્રતીકરુપે ત્રિધજા ફરકે છે
શામળાજી મંદિરના શિખર પર ભગવાનને બ્રહ્માજી, ભગવાન શંકર અને વિષ્ણુ ભગવાનના પ્રતીકરૂપી ત્રિધજા ફરકે છે. અહીં ધજાનો રંગ મોટા ભાગે સફેદ જ હોય છે. આમ છતાં તહેવારને અનુરૂપ યથાયોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.
(ઈનપુટઃ સુભાષસિંહ-દ્વારકા, તેજસ શાહ-ડાકોર, કૌશિક સોની-શામળાજી)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.