કેસ વધતા સરકાર એલર્ટ:7 જાન્યુઆરીએ 15થી 18 વર્ષના બાળકો માટે રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની સ્પેશિયલ ડ્રાઇવ થશે: જીતુ વાઘાણી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15થી 18 વર્ષના બાળકોને આઇડેન્ટીફાઇ કરવા માટે ખાસ એક્સન પ્લાન બનશે
  • આગામી સમયમાં ગ્રામ સ્થાપના દિવસની ઉજવણી કરવા મુખ્યમંત્રીની સૂચના

રાજ્યમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજીતરફ સ્કૂલ જતા વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. જેથી આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આગામી 7 જાન્યુઆરીએ 15થી 18 વર્ષના બાળક માટે રાજ્યભરમાં સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, આગામી 7 જાન્યુઆરીએ 15થી 18 વર્ષના બાળક માટે રાજ્યભરમાં કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 30થી 32 લાખ બાળકો 15થી 18 વર્ષની વયના
આ માટે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના સહયોગથી 20 લાખ જેટલા વેક્સિનના ડોઝ ગુજરાતને પ્રાપ્ત થશે. રાજ્યના 30થી 32 લાખ બાળકો 15થી 18 વર્ષની વયના હોવાનો અંદાજ છે. તે તમામને રસીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. એટલુ જ નહિ. 15થી 18 વર્ષના બાળકોને આઇડેન્ટીફાઇ કરવા માટે ખાસ એક્સન પ્લાન બનાવી ઉચ્ચ અધિકારીઓની કમિટિને ડેટા કલેક્શનની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે.

ગ્રામ સ્થાપના દિવસની ઉજવણી કરવા સીએમની સૂચના
પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યના છેવાડાના નાગરિકને પણ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારની યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી અને સત્વરે મળે તે માટે મુખ્યમંત્રીએ દરેક વિભાગના મંત્રીઓ અને અધિકારીઓને સૂચના આપી છે. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ આગામી સમયમાં ગ્રામ સ્થાપના દિવસની ઉજવણી કરવા સૂચન કર્યુ છે. હવે રાજ્યના વિવિધ ગામોના સ્થાપના દિવસની સામૂહિક ઉજવણી કરવમાં આવશે. તે ઉપરાંત કોરોનાના કેસો પર નિયંત્રણ લાવવા ટેસ્ટીંગ અને કોન્ટેકટ ટ્રેસીંગ વધારવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને સમગ્ર સ્થિતિનું મોનીટરીંગ કરશે અને રાજ્યના નાગરિકોને કોરોનાથી સુરક્ષિત રાખવા તમામ જરૂરી પગલા લેવાશે.

વાપીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાને 4 લાખની સહાય મંત્રીએ ઉમેર્યું હતું કે, વાપી ખાતે યોજાયેલ જુડો સ્પર્ધામાં ભાગ લઇ પરત ફરતા ખેલાડી-કોચને નડેલા અકસ્માતની ઘટના અંગે રાજ્ય સરકારે સંવેદના વ્યકત કરી છે. અકસ્માતમાં ઇજા પામેલ વ્યક્તિઓની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે તેમ જણાવી અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 વ્યક્તિઓને પ્રત્યેકને રૂ.4 લાખની સહાય આપવાની તથા ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને વ્યક્તિ દીઠ રૂ. 50 હજારની સહાય આપવાની સંવેદનાસભર જાહેરાત પણ કરી છે. મંત્રીએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પૂર્વ ઘડાયેલ કાયદાઓમાં જરૂરી ફેરફાર કરવા પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...