નિર્ણય:ચેક બાઉન્સના કેસ માટે ખાસ કોર્ટ શરૂ, 6500 કેસ ટ્રાન્સફર કરાયા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સુપ્રીમના આદેશને પગલે ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં વ્યવસ્થા
  • ચેક બાઉન્સની 12 કોર્ટમાં 2 લાખ કેસનું ભારણ હોવાથી લેવાયેલો નિર્ણય

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ઘી કાંટા ખાતે આવેલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક બાઉન્સના કેસોનું ભારણ ઘટાડવા માટે 1 ખાસ કોર્ટ શરૂ કરાઇ છે. જેમાં ચેક બાઉન્સની 12 કોર્ટમાંથી 6500 કેસ આ ખાસ કોર્ટમાં ખસેડવામાં આવ્યા છે. જયાં 1 લી સપ્ટેમ્બરના રોજ થી આ કોર્ટમાં કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસોનું ભારણ ઘટાડવા માટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 1 સપ્ટેમ્બરથી 1 ખાસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ 5 મા માળે શરૂ કરાઇ રહી છે. જેમાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ ડી.જી.વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, ચેક બાઉન્સની ખાસ 12 કોર્ટમાં 2 લાખથી વધુ કેસોનું ભારણ છે. જે ભારણ ઘટાડવા માટે 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી ખાસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક બાઉન્સની 12 કોર્ટમાંથી 6500 કેસ ખસેડવામાં આવ્યા છે.

જે તમામ તેસો હાલમાં પુરાવાના તબક્કે છે. જેની કાનૂની કાર્યવાહી આ ખાસ કોર્ટમાં હાથ ધરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચીફ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી બાર એસોસિયેશનને આ ખાસ નવી કોર્ટ અંગે જાણ કરતો પત્ર તેમજ ટ્રાન્સફર કરાયેલા કેસોની યાદી મોકલવામાં આવી છે. પરંતુ આ ખાસ કોર્ટનો હેતુ શું છે. તે અંગે કોઇ ખુલાસો કરાયો નથી.

જેથી પક્ષકારોના વકીલો અસંમજસ પરિસ્થિતિમાં મુકાયા છે. આ ખાસ કોર્ટનું મોનિટરિંગ લીગલ સર્વિસ કમિટીના સેક્રેટરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.કે.મોઢ કરશે. સુપ્રીમ કોર્ટે માર્ચ 2020 માં ચેક બાઉન્સના કેસોના મોટા પ્રમાણમાં ભરાવા અંગે સુઓ મોટો લીધા પછી ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ખાસ 5 કોર્ટની સ્થાપના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...