સંવેદનશીલ રૂપાણી:'મુખ્યમંત્રીનો હોદ્દો છોડવો મારા માટે સહજ હતો, કશું શાશ્વત નથી ને ભાજપના વિજય માટે વિજય કામ કરતો રહેશે'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગળ એક સૈનિક તરીકે ગુજરાતના વિકાસમાં ભૂમિક ભજવીશ
  • વિજય રૂપાણીના રાજીનામાથી રાજ્યમાં ગરમાવો આવ્યો હતો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ગઈકાલે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે બપોરે 2:20 વાગે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના મંત્રી-ધારાસભ્યો હાજર રહ્યા હતા. શપથવિધિ પૂર્ણ થયા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પાર્ટીની પ્રશંસા કરી હતી અને આગળ એક સૈનિક તરીકે ગુજરાતના વિકાસમાં ભૂમિક ભજવવાની વાત કરી હતી.

પદ સાથે મારો એવો કોઈ લગાવ નથી
શપથવિધિ બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે મને પૂર્વ વિશ્વાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલી વિકાસયાત્રાને ભૂપેન્દ્રભાઈ પણ ખૂબ આગળ વધારશે અને ગુજરાતનો વિકાસ સોળેકળાએ ખીલશે. મારું પદ છોડવું એ સહજતા હતી, મુશ્કેલ નહિ, કારણ કે પદ શાશ્વત નથી અને એ સાથે મારો એવો કોઈ લગાવ પણ નથી. હું તો એવું માનું છું કે ક્યારે પણ કોઈ કામનો અંત હોતો નથી. દરેક વખતે નવી સફર હોય છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર.

મને મારી દીકરી પર ગર્વ છે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ મેં મારી દીકરીએ લખેલી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાંચી હતી. એ પોસ્ટમાં દીકરીએ પોતાની ભાવના વ્યક્ત કરી છે. મને ગર્વ છે કે મારી દીકરીના વિચારો ખૂબ જ સારા છે, એટલે મુખ્યમંત્રી બાદ પાર્ટી મને જે કઈ જવાબદારી સોંપશે એ હું એવી જ નિષ્ઠાથી કરીશ. જાહેર જીવનમાં પ્રજા સાથે એક કોમનમેન તરીકે હંમેશાં હું રહ્યો છું, હજી પણ મારી ભૂમિકા ભજવીશ અને આગામી 2022ની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા વિજયભાઈની ભૂમિકા એક સૈનિક તરીકે અવશ્ય રહેશે.

વિજય રૂપાણીના રાજીનામાએ સૌકોઈને ચોંકાવી દીધા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપી દેતાં રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. વિજય રૂપાણીએ રાજીનામું આપીને સૌકોઈને ચોંકાવી દીધા છે. શનિવારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. બાદમાં મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય એવી પણ અટકળો ચાલી રહી છે. દરમિયાન સીઆર પાટીલ અને નીતિન પટેલ કમલમ્ ખાતે મળ્યા હતા. દિવસભર રાષ્ટ્રીય નેતાઓ અને રાજ્યના નેતાઓની કમલમ્ ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો.

સીઆર પાટીલ અને રૂપાણી વચ્ચે વિવાદ ચાલતો હતો
ગુજરાત ભાજપના પ્રમુખપદે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નજીકના મનાતા સીઆર પાટીલની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખપદે આવ્યા બાદ સીઆરએ શરૂ કરેલી કવાયતોમાં ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ન હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો. પરિણામે, મુખ્યમંત્રી સાથે સંકલન કરવા પાટીલ અને સંગઠનના નેતાઓ સતત પ્રયત્નો કર્યા હતા, પરંતુ પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધ્યો હતો, જેને કારણે અનેક વખત રૂપાણી અને સીઆર આમને-સામને આવી ગયા હતા. સરકારના કેટલાક નિર્ણયોમાં સંગઠનનું મંતવ્ય પણ લેવામાં આવતું ન હોવાનું તેમજ સંગઠનની નિમણૂકોમાં પણ સરકારને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાની અનેક વિગતો બહાર આવી હતી. પરિણામે, ગુજરાત ભાજપના પ્રમુખ અને શાહ-મોદીના ખાસ પાટીલ સાથેના અણબનાવોને કારણે વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર.

કોરોનાની બીજી લહેરની કારગીરીમાં નિષ્ફળ
કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી પર અનેક સવાલો તેમજ વિરોધ ઊભા થયા હતા. ખાસ કરીને કોરોનાની દવાઓ, ઇન્જેક્શન અને ઓક્સિજનની કટોકટી જેવી સ્થિતિ ઊભી થતાં પ્રજા બિચારી બની આમતેમ ભટકી રહી હતી. આ સમયે સરકારની કામગીરી તો નિષ્ફળ ગઈ હતી. પરિણામે, જનતામાં ભારે રોષ ફેલાયો હતો, જેથી ભાજપ સામેનો વિરોધ વધી ગયો છે અને જેની અસર કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ અને જનસંવેદના યાત્રા દરમિયાન રાજ્ય સરકારની નિષ્ફળતા જનતાએ જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...