હાર્દિક પટેલનો ઇન્ટરવ્યુ:​​​​​​​પાટીદારો કોંગ્રેસની સાથે જ છે, PKને કામ સોંપ્યું છે એવું પાર્ટીમાં કોઈને ખબર નથી, હું CM પદનો ચહેરો નથી

એક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • મુખ્યમંત્રી બહુ સીધા માણસ છે અને કોઈ વિવાદમાં નથી એ સ્વીકારવું પડે: હાર્દિક પટેલ

રાજ્યમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને વીસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં બે વર્ષની સજા નીચલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી, એના પર સ્ટે આપવામાં આવ્યો છે, જેથી હવે હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ દિવ્યભાસ્કરે હાર્દિક પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી.

દિવ્યભાસ્કર: ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો, હવે ચૂંટણી ક્યાંથી લડશો?
હાર્દિક પટેલ: ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો એ સવાલ મહત્ત્વનો નથી. મહત્ત્વનું એ છે કે સુપ્રીમ કોર્ટે સજા પર બે વર્ષનો સ્ટે આપ્યો છે. સ્ટે આપ્યો એટલે ચૂંટણી પ્રક્રિયામાં હવે કોઈ ન્યાયિક અડચણ નહિ રહે. મારો ઉદ્દેશ ચૂંટણી લડવાનો નહિ, પરંતુ રાજ્યનું હિત અને લોકોનું કામ સારું કઈ રીતે કરી શકાય એ છે. રાજ્યના વિવિધ પ્રશ્નોને કઈ રીતે વિધાનસભા સુધી પહોંચાડી શકાય એનો આવનારા દિવસોમાં નિર્ણય કરવાનો હશે તો ચોક્કસ કરીશ.

દિવ્યભાસ્કર: વર્ષ 2022ની ચૂંટણી માટે કોંગ્રેસે PKને કામ સોંપ્યું છે?
હાર્દિક પટેલ: PKને કામ સોંપ્યું હોય એવું પાર્ટીમાં કોઈને ખબર નથી.

દિવ્યભાસ્કર: 2022માં પાટીદારો કોને સાથ આપશે?
હાર્દિક પટેલ: 2017માં પાટીદારોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો અને 2022માં પાટીદાર સમાજ હોય કે રાજ્યના અન્ય લોકો હોય, રાજ્યની જનતાનું હિત જે વિચારશે; સ્વાભાવિક છે કે જનતા તેની સાથે રહેશે.

દિવ્યભાસ્કર: આગામી વિધાનસભામાં કોંગ્રેસ હાર્દિક પટેલને મુખ્યમંત્રીનો ચહેરો બનાવે તો?
હાર્દિક પટેલ: અમારે લોકોનાં હિતનું કામ કરવું છે, ચહેરો નથી બનવું. લોકોનો અવાજ મજબૂતાઈથી ઉપાડવો છે અને અમે એ દિશામાં નિશ્ચિત રૂપે સારું કામ કરી રહ્યા છીએ. હું સ્પષ્ટ માનું છું કે ચહેરા કરતાં વિધાનસભામાં ઉમેદવારો સારા બને અને સારું કામ કરે. મુખ્યમંત્રી કરતાં વિધાનસભાનો સભ્ય કેમ સારો ન હોય. વિધાનસભામાં જો કામ થશે તો લોકો સીધા મુખ્યમંત્રી પાસે દોડી જશે. ધારાસભ્ય પાસે જ જશે, જેથી સ્પષ્ટ માનવું છે કે 182 ધારાસભ્ય સારા ચૂંટાય.

દિવ્યભાસ્કર: ભાજપ અથવા AAP પાર્ટીમાં જોડાવવા કહે તો?
હાર્દિક પટેલ: મારી સાથે કોઈ પ્રયાસ જ નથી થયો અને એ દિશામાં પ્રયાસ જ ન થઈ શકે.

દિવ્યભાસ્કર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરી વિશે શું કહેશો?
હાર્દિક પટેલ: મુખ્યમંત્રી બહુ સીધા માણસ છે અને કોઈ વિવાદમાં નથી એ સ્વીકારવું પડે. દુશ્મન હોય તોપણ તેની સારી વાત સ્વીકારવી પડે.

અન્ય સમાચારો પણ છે...