વુમન્સ ડે સ્પેશિયલ:181 અભયમ હેલ્પલાઈનને 6 વર્ષ પૂરા થયા, રેસ્ક્યુ ટીમે એકલા અમદાવાદમાં જ 1.66 લાખ મહિલાઓને મદદ કરી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
181 અભયમ મહિલા હેલ્પલાઈનના 6 વર્ષ પૂરા થયા - Divya Bhaskar
181 અભયમ મહિલા હેલ્પલાઈનના 6 વર્ષ પૂરા થયા
  • 8 માર્ચ 2015ના રોજ શરૂ કરાયેલી 181 અભયમ હેલ્પલાઈનના 6 વર્ષ પૂરા થયા
  • 24 કલાક અને 365 દિવસ કાર્યરત રહેતી અભયમને 6 વર્ષમાં અમદાવાદમાં 1.19 લાખ ફોન મળ્યા
  • દહેજ, ઘરેલુ હિંસા, દુર્વ્યવહાર, છેડતીના કિસ્સામાં મહિલાઓને મદદ રૂપ બને છે

રાજયમાં મહિલાઓની સુરક્ષા માટે સરકાર 181 અભયમ મહિલા હેલ્પલાઇનની શરૂઆત 8 માર્ચ 2015ના રોજ કરવામાં આવી છે. સોમવારે મહિલા દિવસે હેલ્પલાઇનને 6 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે અભયમ હેલ્પલાઇનની ટીમે 6 વર્ષમાં 8.25 લાખ જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે. 6 વર્ષમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાંથી 1.19 લાખ જેટલીઓ મહિલાઓએ ફોન કરી મદદ મેળવી છે. તાત્કાલિક મદદ માટે અભયમ હેલ્પલાઇનની રેસ્ક્યુ ટીમે સ્થળ પર કાઉન્સેલર સાથે જઈ 1.66 લાખ મહિલાઓને મદદ પુરી પાડી છે, જ્યારે 1.15 લાખ મહિલાઓને સ્થળ પર જ સમસ્યાનો ઉકેલ લાવી સમાધાન કરાવ્યું છે. 50451 જેટલી મહિલાઓને હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ માટે અન્ય સંસ્થાઓમાં પહોંચાડી છે.

24 કલાક અને 365 દિવસ કાર્યરત રહેતી અભયમ હેલ્પલાઇન
GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 24 કલાક અને 365 દિવસ કાર્યરત એવી મહિલા હેલ્પલાઇન મહિલાઓની સુરક્ષા માટે અભિનવ હેલ્પલાઇન સાબિત થઈ છે. મહિલાઓ દહેજ, ઘરેલુ હિંસા, દુર્વ્યવહાર, છેડતીના કિસ્સામાં મદદ રૂપ બને છે, અને અભયમ લાંબા અને ટૂંકાગાળાનું તેઓને કાઉન્સેલિંગ કરીને મદદ પૂરી પાડે છે. તેમને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવે છે. મુશ્કેલીમાં મહિલાઓને ઝડપી મદદ મળી રહે તેના માટે 181 અભયમ હેલ્પલાઇનની એપ્લિકેશન બનાવવામાં આવી છે. છેલ્લા 6 વર્ષમાં અભયમ હેલ્પલાઇનની ટીમને સૌથી વધુ કોલ રાજયના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાંથી મળ્યા છે.

6 વર્ષમાં અભયમ હેલ્પલાઈનને મળેલા કોલની જિલ્લાવાર માહિતી
6 વર્ષમાં અભયમ હેલ્પલાઈનને મળેલા કોલની જિલ્લાવાર માહિતી

અમદાવાદમાંથી 1,19,872 જેટલા કોલ મળ્યા હતા જેમાંથી 21819 જેટલા કોલમાં જ્યારે વડોદરામાં 73382માંથી 15765, સુરતમાં 62921માંથી 13345 અને રાજકોટમાં 59341માંથી 14444 જેટલા કોલમાં રેસ્ક્યુવાને જઈ મદદ કરી હતી.

અભ્યમ હેલ્પલાઇનની મદદના કિસ્સા
1) અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને તેનાથી ડબલ ઉંમરના એટલે કે 42 વર્ષના યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી લીધાં હતાં. પહેલી પત્નીને છૂટાછેડા આપી લગ્ન કર્યા બાદ યુવકની પહેલી પત્ની ઘરે પરત આવી સાથે રહેવા લાગી હતી. બંને પતિ-પત્ની યુવતીને ઘરમાં નોકરાણીની રીતે રાખતા હતા. યુવક યુવતીને ગુપ્ત ભાગે કોઈને બતાવી ન શકે તેવા કાતરોના ઘા મારી ઇજા પહોંચાડી હતી. યુવતીને ઘરમાં ગોંધી રાખી તેની સાથે દુર્વ્યવહાર કરતાં હતા. યુવકે પ્રેમજાળમાં ફસાવી પત્ની સાથે મળી યુવતી સાથે ખરાબ રીતે વર્તન કરતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને બંનેના ચુંગાલમાંથી છોડાવી હાલમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપી હતી.

181 હેલ્પવાઈનને મળેલા વર્ષવાર કોલની સંખ્યા
181 હેલ્પવાઈનને મળેલા વર્ષવાર કોલની સંખ્યા

2) રાજસ્થાનથી અમદાવાદ ફેસબુક ફ્રેન્ડને મળવા આવેલી યુવતીને રાતે લેવા આવ્યો ન હોવાથી બસ સ્ટેન્ડ પર સુઈ રહેવું પડયું હતું અને અજાણ્યા શખ્સ પર વિશ્વાસ મુકવો ભારે પડ્યો હતો. ગીતામંદિર બસ સ્ટેન્ડ પર સુતેલી યુવતીને અજાણ્યા શખ્સે "તમે અહીંયા સુરક્ષિત નથી તમને નજીકના ગેસ્ટ હાઉસમાં રૂમ અપાવી દઉં" કહી તેને બાઈક પર બેસાડી અંધારામાં ખુણામાં લઈ ગયો હતો તેની સાથે છેડછાડ કરવા લાગ્યો હતો. નસીબ જોગે નજીકમાં હોમગાર્ડ પોઈન્ટ પર ચાર હોમગાર્ડ જવાનો બુમો સાંભળી દોડી આવતાં અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો અને યુવતી સાથે અજુગતું બનતા અટક્યું હતું. મહિલા હેલ્પલાઇનની મદદથી યુવતીને સહીસલામત બહેરામપુરા ખાતે તેના માસીના ઘરે પહોંચાડી હતી.

3) અમદાવાદના જમાલપુર વિસ્તારમાં વેપારીએ દુકાનની સામે ત્રણ કલાકથી બેઠેલી મહિલાની માનસિક પરિસ્થિતિ સમજી અને પૂછતાં પોતે ઘરેથી બહેન સાથે ખરીદી કરવા નીકળ્યા હતા, પરંતુ સરનામું યાદ નથી જેથી વેપારીએ મહિલા હેલ્પલાઇનની મદદ લીઘી હતી. માનસિક અસ્થિર બહેનને તેનું ઘર પૂછતા નજીકમાં મસ્જિદ હોવાનું કહેતા સરનામું શોધી મહિલાને સહીસલામત તેના પરિવારને સોંપી હતી. પરિવારજનો અને આસપાસના લોકોએ સહીસલામત પરત સોંપવા બદલ મહિલા હેલ્પલાઇનનો આભાર માન્યો હતો. ટીમે મહિલાની માનસિક પરિસ્થિતિ સારી ન હોય જેથી તેમનું ધ્યાન રાખવા અને એકલા ન મૂકવા સલાહ આપી અને મદદ કરી હતી.

અભયમ હેલ્પલાઈને રેસ્ક્યું કરીને અન્ય સંસ્થામાં રિફર કરી હોય તેવી મહિલાઓની સંખ્યા
અભયમ હેલ્પલાઈને રેસ્ક્યું કરીને અન્ય સંસ્થામાં રિફર કરી હોય તેવી મહિલાઓની સંખ્યા
અન્ય સમાચારો પણ છે...