જીવલેણ હુમલાના CCTV:વસ્ત્રાલમાં સ્પા સંચાલકે વ્યાજે લીધેલા નાણા પરત ન કરતાં વ્યાજખોરે ધક્કો માર્યો, 12 ફૂટ નીચે પટકાયો

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યાજખોરોએ વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત નહીં આપતા વ્યાજખોરો દ્વારા સ્પા ચલાવતા સંચાલકે ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી 12 ફૂટ નીચે પાડી દેવાની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયા હતા. આ મામલે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

વ્યાજે લીધેલા નાણા ન ચૂકવતાં હુમલો
અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો આતંક વધવા માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરમાં વ્યાજે લીધેલા રૂપિયા ન ચૂકવતા યુવકને વ્યાજખોરોએ ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝ મેન્ટમાં પાડી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મણિનગરમાં સરોજબેન શાહ પતિ અમિતભાઈ સહિતના પરિવાર સાથે રહે છે. પતિ અમિતભાઈ વસ્ત્રાલ ખાતે ભાડે દુકાન રાખીને સ્પાનો વેપાર કરે છે. ચાર વર્ષ પહેલા અમિતભાઈએ તેમના મિત્ર કાંચા ઉર્ફે મીર પાસેથી વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ વેપાર સારો ચાલતો ન હોવાથી વ્યાજ ચુકવી શક્યા ન હતા. જેથી કાંચો ઉર્ફે મીર અવારનવાર વ્યાજની માંગણી કરી ધાકધમકી આપતો હતો.

બેભાન સ્પા સંચાલકને સારવારાર્થે ખસેડાયા
અમિતભાઈએ દુકાનના માલિક કનુભાઈ અને રાજભા પાસેથી 20 હજારની ચોપડી ફડાવી હતી. જો કે આ ત્રણેયને પૈસા ચૂકવી શક્યા ન હતા. જેથી બુધવારે સાંજના સમયે અમિતભાઈ વસ્ત્રાલ તેમની દુકાન પાસે ગ્રાઉન્ડ ફ્લોરની રેલિંગ પાસે ઉભા હતા, ત્યારે કાંચો ઉર્ફે મીરે અમિતભાઈને જાનથી મારવાના ઈરાદે તેમને ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝ મેન્ટમાં પાડી દીધા હતા. જેથી તેઓ બેભાન થઈ ગયા હોવાથી સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા.

સ્પા સંચાલકની પત્નીએ ફરિયાદ નોંધાવી
આ મામલે અમિતભાઈની પત્ની સરજોબહેને કનુભાઈ અને રાજભાના કહેવાથી કાંચો ઉર્ફે રાણાએ પતિને જાનથી મારવાના ઈરાદે ગ્રાઉન્ડ ફ્લોરથી મુક્કો મારીને નીચે પાડી દીધા હોવાના આક્ષેપો કરતી ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમા નોંધાવતા પોલીસે ત્રણેયના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા પર અમદાવાદના અમરાઈવાડી, ખોખરામાં હત્યાનાં પ્રયાસનો ગુનો, ખોખરામાં રાયોટિંગ તેમજ પાલડીમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો છે. નિકોલ પોલીસે મિર રાણાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...