નમસ્કાર,
આજે શનિવાર છે, તારીખ 11 જૂન, જેઠ સુદ-બારસ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદ સહિત મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
2) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દીવની મુલાકાતે, જંગી સભાને સંબોધન કરશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) જુમ્માની નમાઝ બાદ વિરોધ:અમદાવાદના નૂપુર શર્માની ધરપકડની માગ સાથે હજારોની રેલી, સરદાર બાગ ખાતે 'ફાંસી દો'ના નારા લાગ્યા
ભાજપનાં નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા વડોદરા અને સુરત સાથે અમદાવાદમાં પણ પડ્યા છે. મિર્ઝાપુરમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. પોલીસે લોકોને સમજાવીને લોકોને ઘરે પાછા મોકલવાનો પ્રયાસો કર્યા હતા. સાથે જ મુસ્લિમ આગેવાનોને બોલાવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લાલ દરવાજા સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઇ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ રેલી ખાનપુર ભાજપ કાર્યાલય તરફ આગળ વધતા તેને રોકવામાં આવી હતી. પોલીસે ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જતો માર્ગ બંધ કર્યો હતો.
2) નવસારીમાં PM મોદી બોલ્યાઃ અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યા છીએ, ચૂંટણી તો લોકોના આશીર્વાદથી જીતીએ છીએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ગુજરાતની યાત્રાઓ વધવા લાગી છે. આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધી હતી અને અહીંથી જ નવસારી જિલ્લાનાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી આવી એટલે કામ થાય એવું નથી, આ ચુનૌતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઇ કામ ન કર્યું હોય. અમારા માટે સત્તામાં બેસવું એ સેવાનો અવસર છે.નવસારીની મુલાકાત દરમિયાન વડાપ્રધાને તેમના શિક્ષક સાથે પણ મુલાકાત કરી હતી. જેની તસવીર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી હતી.
3) ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાયું:ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી, નદી-નાળા બે કાંઠે વહ્યા
આજે ભીમ અગિયારસનો તહેવાર છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અને પદ્ધતિ મુજબ આજના દિવસે ખેડૂત આખા વર્ષની કૃષિ સીઝનનો પ્રારંભ કરતો હોય છે ત્યારે ખેડૂતો માટે મુહૂર્ત સચવાયું હોય તેમ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જેને પગલે ખેતરો પાણી પાણી થયા છે. જયારે નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
4) નૂપુર શર્મા સામે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન, રાંચીમાં નમાઝ પછી હિંસા, મંદિર પર પથ્થરમારા પછી પોલીસ ફાયરિંગમાં 1નું મોત; 7 ઈજાગ્રસ્ત
પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી પછી BJPથી નિષ્કાસિત નેતા નૂપુર શર્મા વિરૂદ્ધ શુક્રવારે દેશભરમાં પ્રદર્શન શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, બંગાળના ઘણા શહેરોમાં જુમ્માની નમાઝ પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને નૂપુર શર્મા વિરૂદ્ધ નારા લગાડવા લાગ્યા હતા. ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. પ્રયાગરાજમાં પ્રદર્શનકારીઓએ PACના ટ્રક પણ ફૂંકી માર્યા છે. જ્યારે કર્ણાટકમાં નુપુરનું પૂતળું ટિંગાડી દેવાયું છે.
5) રાજ્યસભાની ચૂંટણીનું મતદાન,રાજસ્થાનમાં મતદાન બાબતે વિવાદ, BJPના 2 મત રદ્દ થઈ શકે છે; હરિયાણા, કર્ણાટકમાં પણ ક્રોસ વોટિંગ
ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં રાજસ્થાનમાં 4, હરિયાણામાં 2, મહારાષ્ટ્રમાં 6 અને કર્ણાટકમાં 4 બેઠકોનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે સૌથી પહેલા મતદાન કર્યું હતુ. જ્યારે, મહારાષ્ટ્રમાં દોઢ કલાકમાં 50% મતદાન થઈ ગયું છે. 143 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. તેમાં ભાજપના 60 અને કોંગ્રેસના 20 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
6) પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધનની અફવા ફેલાઈ, પરિવારે કહ્યું- દુઆ કરો
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની સ્થિતિ ખૂબ નાજૂક છે. આજે તેમનું નિધન થયું હોય તેવી અફવા ફેલાઈ હતી. જોકે ત્યારપછી પરિવારે ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે કે, હવે તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની રિકવરી મુશ્કેલ છે. પરવેઝ મુશર્રફના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તેમના પરિવારે માહિતી આપી છે કે, હવે તેઓ વેન્ટિલેટર પર નથી. તેમની બીમારી એમાઈલોયડોસિસના કારણે તેઓ છેલ્લાં 3 સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ ગંભીર છે. તેમની રિકવરી મુશ્કેલ છે. તેમના એક એક અંગ ફેઈલ થઈ રહ્યા છે. તેમના માટે દુઆ કરો.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અમદાવાદ સિવિલના ડોકટરોને કોઈ કહેનાર નથી, સાઇલન્ટ ઝોનમાં બીજા દિવસે પણ ગરબા પાર્ટી કરી, સુપરિન્ટેન્ડેન્ટનો લૂલો બચાવ
2) અમદાવાદના બોપલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના IN-SPACe સેન્ટર ઉદ્ઘાટન કર્યું
3) વડોદરામાં નુપૂર શર્મા સામે રોષ, નમાઝ બાદ વિરોધ પ્રદર્શન, રસ્તા પર પોસ્ટર લગાવીને ધરપકડની માંગ
4) એક જ પરિવારના 18 મુસ્લિમ બન્યા હિન્દુ,ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરીને કર્યું ધર્મપરિવર્તન; 3 પેઢી પછી સનાતન ધર્મમાં પાછા ફર્યા
5) સેન્સેક્સ 1017 અંક ઘટ્યો, નિફ્ટી 16201 પર બંધ; કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા
6) લોરેન્સે જ ધમકીભર્યો પત્ર લખ્યો હતો, ધરપકડ કરાયેલ શૂટર સૌરભ મહાકાલનો દાવો
આજનો ઈતિહાસ
વર્ષ 1866માં આજના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. આ અગાઉ તે આગ્રા હાઈકોર્ટના નામથી ઓળખાતી હતી.
અને આજનો સુવિચાર
તમે પ્રગતિ કરી શકો છો અથવા બહાના બનાવી શકો છો, પરંતુ બંને નથી કરી શકતા.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.