તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસું:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 70 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ18 દિવસ પહેલા
રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 20.09 ટકા વરસાદ નોંધાયો છે.
  • આજે સવારે ગીર-સોમનાથમાં વેરાવળમાં 2 મિમી, સુત્રાપાડામાં 3 મિમી અને સાબરકાંઠાના વિજયનગરમાં 2 મિમી વરસાદ થયો

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 70 તાલુકામાં મેઘમહેર થઈ છે. એ ઉપરાંત આજે સવારે ગીર-સોમનાથમાં વેરાવળમાં 2 મિમી, સુત્રાપાડામાં 3 મિમી અને સાબરકાંઠાના વિજયનગરમાં 2 મિમી વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી તથા સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી.

છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં વરસાદ
સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 20.09 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં થયેલા વરસાદને લીધે ગલીઓ અને રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં.
અમદાવાદમાં થયેલા વરસાદને લીધે ગલીઓ અને રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં.

રાજ્યમાં સીઝનનો 20.09 ટકા વરસાદ
સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો ગઈકાલ સુધીમાં કુલ 19.31 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 23.29 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 17.87 ટકા, મધ્ય ગુજરાતમાં 18.86 ઈંચ, સૌરાષ્ટ્રમાં 19.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 19.46 ટકા જેટલો વરસાદ થયો છે.