ફાસ્ટ્રેક પર ગુજરાત:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચે રૂ. 2440 કરોડના ખર્ચે 135 કિમી લાંબો કોસ્ટલ હાઈવે બનશે, ભાવનગર સુધીનું અંતર 70-80 કિમી ઘટશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક 135 કિ.મી.નો કોસ્ટલ હાઇવે નવી લીંક સાથે બનશે
  • રાજ્ય સરકાર ચાલુ વર્ષે કુલ 1000 નવી આધુનિક બસો ખરીદશે

રાજ્યમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે દરિયાકાંઠે પ્રવાસન સ્થળો વિકસાવવા અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર વચ્ચે અંદાજે રૂ. 2440 કરોડના ખર્ચે 135 કિલોમીટર લાંબા કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરાશે. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામ સુધી પણ 218 કિ.મીનો નવો કોરિડોર તૈયાર કરાશે. આ માટે અંદાજે રૂ.1670 કરોડનો ખર્ચ કરાશે.

135 કિમી લાંબો કોસ્ટલ હાઈવે ગુજરાતમાં બનશે
મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યમાં આવેલ 1600 કિ.મી.ના દરિયાકાંઠાના નાગરિકોને માળખાગત સવલતોનો લાભ મળે અને પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે 135 કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે.

ભાવનગર સુધીનું અંતર 70-80 કિમી સુધી ઘટશે
જેમાં ખાસ કરીને ભાવનગર-સૌરાષ્ટ્ર તરફના ટ્રાફિક અત્યારે બોરસદ, તારાપુર, વટામણ ચોકડી, ધોલેરા થઈને ભાવનગર જાય છે, તેના સ્થાને ખંભાત, કામતલાવ, આંબલી, પાટીયા સુધીની નવી લિંક બનાવાશે. જેનાથી ભાવનગર-સૌરાષ્ટ્ર જતો ટ્રાફિક વટામણ ચોકડી સુધી જવાના બદલે આ નવી લિંકનો ઉપયોગ કરીને જશે અને 70 થી 80 કિ.મી. અંતર ઘટશે.

તેમણે ઉમેર્યું કે, આ કોસ્ટલ હાઇવે નિર્માણ થશે તેમાં ભીલાડથી વલસાડ, વલસાડથી નવસારી, નવસારીથી સુરત, સુરતથી ભરૂચ અને ભરૂચથી ખંભાતના દરિયાકિનારાને સાંકળીને બનાવાશે. આ કોસ્ટલ હાઇવેના નિર્માણ માટે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના સાંસદઓ, ધારાસભ્યઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો થતાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નવો કોરિડોર બનશે
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, ડાંગના પ્રખ્યાત શબરીધામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડવા માટે અંદાજે રૂ.1670 કરોડના ખર્ચે અંદાજિત 218 કિ.મી.નો નવો કોરિડોર વિકસાવવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં હાલના રસ્તાને પહોળા કરીને તેમજ મીસીંગ લિંકમાં નવા રસ્તા બનાવવાનું આયોજન છે. જે સાપુતારા-શબરીધામ-સોનગઢ-ઉકાઇ-દેવમોગરા-માથાસર-ઝરવાણી થઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડશે. જેના પરિણામે સહેલાણીઓને ટુરિસ્ટ સર્કિટમાં જોડવાનો પ્રયાસ છે જેના પરિણામે પ્રવાસન સ્થળો પર આવતા નાગરિકોની સુવિધામાં વધારો થશે.

નર્મદા નદી પર રૂ.300 કરોડના ખર્ચે પુલ બનશે
જીતુ વાઘાણીએ કહ્યું કે, હાલમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નર્મદા નદી પરનો હયાત પુલ ભરૂચ ખાતે કાર્યરત છે, જેનો મોટાભાગના વાહનો ઉપયોગ કરે છે. નર્મદા નદી પર આવેલ યાત્રાધામ માલસર ખાતે નવા પુલની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી સમયમાં પૂર્ણ થનાર છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર તરફ જતા તેમજ બારડોલી-માંડવી તેમજ સાપુતારા તરફ જતા ટ્રાફિકને લાંબુ અંતર કાપવું ન પડે અને સીધા સાપુતારા પ્રવાસન સ્થળનો લાભ લઇ શકે તે માટે મોટી કોરલ-નારેશ્વર નજીક નર્મદા નદી પર એક નવો પુલ અંદાજિત રૂ. 300 કરોડના ખર્ચે બનાવી કરજણ-નારેશ્વર-મોટી કોરલ-ભાલોદ-નેત્રંગ-માંડવીનો એક નવો કોરીડોર નિર્માણ કરવામાં આવશે.

જેનો લાભ દક્ષિણ ગુજરાતની તાપી, સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જતાં વાહનો કે અત્યારે નેશનલ હાઇવે પર વાયા સુરત-ચીખલી જવાને બદલે આ રસ્તાનો ઉપયોગ કરીને ઝડપથી પોતાના ગંતવ્યસ્થાને પહોંચી શકાશે. તેમજ સાપુતારા પ્રવાસન સ્થળનો પણ લોકો લાભ લઇ શકશે.

સુરતમાં નેશનલ હાઇવે-8 પર ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ માટે પુલ બનશે
નેશનલ હાઇવે-8 પર ખાસ કરીને વડોદરા-સુરત નજીક ઉભેણ ગામ પાસે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉભેણ ખાતે અંદાજે રૂ. 27 કરોડના ખર્ચે એક નવો પુલ તેમજ સર્વિસ રોડ બનાવવામાં આવશે. જેનાથી આ સ્થળે ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને રાહત મળી શકશે.

સરકાર 1000 નવી આધુનિક બસો ખરીદશે
મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણય મુજબ ચાલુ વર્ષે વધુ 1000 નવી બસો ખરીદાશે. જેમાં ગ્રામ્ય રૂટ માટે બાવન બેઠકની ક્ષમતા ધરાવતી AIS-052 નોર્મ્સ વાળી આકર્ષક લુક વાળી કુલ 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવામાં આવશે. આ ઉપરાંત બેઠક દીઠ મોબાઇલ ચાર્જર, રીડિંગ લાઇટ, બોટલ હોલ્ડર, મેગેઝિન પાઉચની આધુનિક સગવડ ધરાવતી 2x2ની 41 બેઠકોવાળી 300 લક્ઝરી બસો ફાળવવામાં આવશે. જ્યારે રાત્રિ મુસાફરી કરનાર વર્ગને ધ્યાને રાખીને AIS-119 નોર્મ્સ મુજબની આકર્ષક લુકવાળી 200 સ્લીપર કોચ બસો મળી ગુજરાતમાં કુલ 1000 બસો ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...