રાજ્યમાં ચોમાસું લાંબા વિરામ બાદ ફરી એકવાર સક્રિય થયું છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 26 જિલ્લાઓના 112 તાલુકાઓમાં ભારેથી લઈને સામાન્ય સુધીનો વરસાદ જોવા મળ્યો છે. જેમાં વલસાડ, વાપી, લીલીયા, ભાવનગર, અમરેલી, ધારીમાં 5 ઇંચ સુધી વરસાદ થયો હતો. રક્ષાબંધને પણ સવારે 6થી 8ના સમયમાં 16 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં નર્મદાના સાગબારામાં અડધો ઈંચ વરસાદ થયો છે, જ્યારે પોરબંદર, ધાનેરા, ડીસા, સુરતમાં પણ સવારથી વરસાદી માહોલ છે.
રાજ્યમાં સીઝનનો 41.42 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી કુલ સીઝનનો 41.42 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રવિવારે સવાર 8.30 કલાક સુધીમાં ગુજરાતમાં સરેરાશ 6.54 એમ.એમ વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, ધરમપુર તથા અમરેલીના લીલીયા, ધારી અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા 10 તાલુકા
જિલ્લો | તાલુકો | વરસાદ |
વલસાડ | ધરમપુર | 5.43 ઈંચ |
અમરેલી | લીલીયા | 4.76 ઈંચ |
વલસાડ | વલસાડ | 4.02 ઈંચ |
ભાવનગર | મહુવા | 3.34 ઈંચ |
અમરેલી | અમરેલી | 2.91 ઈંચ |
વલસાડ | વાપી | 2.08 ઈંચ |
વલસાડ | ઉમરગામ | 2 ઈંચ |
નવસારી | ખેરગામ | 1.81 ઈંચ |
નવસારી | ચીખલી | 1.57 ઈંચ |
આજે 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે રક્ષાબંધન પર ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મધ્ય ગુજરાતમાં મહીસાગર, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ તથા દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગામી 26 તારીખ સુધી રાજ્યભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.
કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી?
તારીખ | જિલ્લો |
22થી 23 ઓગસ્ટ | સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના |
23થી 24 ઓગસ્ટ | તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી તથા દમણ અને દાદરા નગર હવેલી, અરવલ્લી, સાબરકાંઠા અને મહિસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ તથા દીવમાં વરસાદની સંભાવના |
24થી 25 ઓગસ્ટ | વલસાડ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલી, કચ્છ, પોરબંદર, દ્વારકા |
25થી 26 ઓગસ્ટ | ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદર નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવ |
(24 કલાકનો સમયગાળો સવારે 8.30 કલાકથી બીજા દિવસે સવારના 8.30 કલાક સુધીનો છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.