કોન્સ્ટેબલ પરિવારનો આપઘાત:પપ્પા-મમ્મી સોરી, આકાંક્ષા રાત્રે બહું રમી એટલે એને મારી સાથે લઈ જઉં છું, રિદ્ધિ પણ જોડે આવે છે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12મા માળેથી પહેલાં પત્ની રિદ્ધિની છલાંગ, 12 સેકન્ડ પછી કુલદીપસિંહ 2 વર્ષની દીકરી આકાંક્ષાને બાથમાં લઈ કૂદી ગયો
  • ગોતાની દિવા હાઇટ્સની ઘટના, મૃત્યુ પહેલાં કુલદીપસિંહે માતાપિતા, મિત્રો, ભાઈ-બહેન, સંબંધીને વોટ્સએપ મેસેજ કર્યો

ગોતામાં વિશ્વાસ સિટી-10ની બાજુમાં આવેલી દીવા હાઇટ્સમાં રહેતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવ (ઉં.35)એ પત્ની રિદ્ધિ (ઉં.28) અને 2 વર્ષની દીકરી આકાંક્ષા સાથે ફ્લેટની બાલ્કનીમાંથી પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. મોડી રાતે 1.45 વાગ્યાની આસપાસ પહેલાં રિદ્ધિબહેને ત્યાર બાદ 10થી 12 સેકન્ડ પછી કુલદીપસિંહે દીકરી આકાંક્ષાને સાથે રાખી મોતની છલાંગ લગાવી દીધી હતી.

પોલીસ કર્મચારીઓને વોટ્સએપ પર સુસાઇડ નોટ મોકલી
આત્મહત્યા કરતા પહેલાં કુલદીપસિંહે ભાવનગરના તેના મિત્રો તેમ જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા કેટલાક પોલીસ કર્મચારીઓને વોટ્સએપ પર સુસાઇડ નોટ મોકલી હતી, જેમાં તેણે મિત્રો, માતાપિતા, ભાઈ-ભાભી, બહેન અને બનેવીને સંબોધીને મેસેજ કર્યો હતો, જેમાં કુલદીપસિંહે તેમના જીવનમાં આવેલા તમામનો દિલથી આભાર માન્યો હતો.

પોલીસનો ગ્રેડ પે વધે તે તેની અંતિમ ઈચ્છા
માતાપિતા, મિત્રોને જીવ નહીં બાળવા તેમ જ હવે સહન નહીં થતું હોવાનું લખ્યું હતું. જોકે આત્મહત્યા માટે તેમને કોઈને પણ જવાબદાર ઠેરવ્યા ન હતા. જ્યારે મેસેજમાં છેલ્લે લખ્યું હતું કે, પોલીસનો ગ્રેડ પે વધે તે તેની અંતિમ ઈચ્છા છે અને આઈપીએસ પૈસા બહુ ખાય છે અને એ જ પગાર વધારવા નથી દેવા તેવો મેસેજ કર્યો હતો.પોલીસનું કહેવું છે કે, કુલદીપે કયા કારણથી આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, પરંતુ કુલદીપે જે રીતે વોટ્સએપ મેસેજમાં સુસાઇડ નોટ લખી હતી. તે જોતા કુલદીપે પારિવારિક કંકાસ અથવા તો આર્થિક સંકડામણના કારણે પત્ની અને દીકરી સાથે આત્મહત્યા કરી લીધી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

ત્રણેયના મૃતદેહને અંતિમક્રિયા માટે વતન ભાવનગરના સિહોર લઈ જવામાં આવ્યા
કુલદીપસિંહનાં માતાપિતા, ભાઈ-ભાભી ભાવનગરના સિહોર ખાતે રહે છે. તેમના ભાઈ સિહોરની સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. જ્યારે કુલદીપનાં બહેન પારુલ પતિ વિક્રમસિંહ ચાવડા સાથે કુલદીપસિંહની બાજુના ફ્લેટમાં રહે છે. કુલદીપસિંહના બનેવી વિક્રમસિંહ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં છે. જ્યારે પીએમ સહિતની વિધિ પૂરી કરી ત્રણેયના મૃતદેહ વતન લઈ જવાયા હતા.

રાતે પરિવાર સાથે સહ કર્મચારીના ઘરે જમવા ગયા હતા, છેલ્લે મિત્રો સાથે ફોન પર વાત કરી
કુલદીપસિંહે પત્ની, દીકરી સાથે આત્મહત્યા કરી તે પહેલાં પરિવાર સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીના ઘરે જમવા ગયા હતા. ત્યાંથી 11થી 11.30 વાગ્યે ત્રણેય ઘરે આવ્યા હતા. જ્યારે ભારત-શ્રીલંકાની મેચ પૂરી થઈ ત્યારે પણ કુલદીપસિંહને ઘણા પોલીસ મિત્રો સાથે ફોન પર વાત થઈ હતી.

પત્નીની સાથે ઝઘડા થતા હોવાની પણ ચર્ચા
કુલદીપસિંહના અમુક મિત્રોનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા, પરંતુ જો તેવું હોત તો રિદ્ધિ શા માટે આત્મહત્યા માટે તૈયાર થાય. કુલદીપ પહેલાં રિદ્ધિએ પડતું મૂક્યું હોવાથી તે બંને સાથે જ જીવવા અને મરવા માગતા હોવાનું ફલિત થઈ રહ્યું છે.

સિક્યોરિટી ગાર્ડે કહ્યું, પહેલાં રિદ્ધિબહેન પડ્યાં
ઘટના સમયે સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ જાગતા હતા. 1.45 વાગ્યે પડવાનો અવાજ આવતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને જોયું તો રિદ્ધિબહેન પડ્યાં હતાં. તેની 12 જ સેકન્ડ બાદ કુલદીપસિંહે પણ આકાંક્ષા સાથે પડતું મૂક્યું હતું.

ફ્લેટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે પુરાવા મળ્યા નથી
કુદલદીપસિંહે પત્ની અને દીકરી સાથે આત્મહત્યા કરી લેતા સોલા પોલીસ તેમના ઘરે પહોંચી હતી ત્યારે ફ્લેટનો દરવાજો બંધ હતો. એફએસએલની ટીમને સાથે રાખીને ફ્લેટમાં સર્ચ કર્યું હતું, પરંતુ ફ્લેટમાંથી અન્ય કોઈ પુરાવા, સુસાઇડ નોટ કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી. > એન. આર. વાઘેલા, પીઆઈ, સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન

આપઘાતનું કારણ અકબંધ
કુલદીપસિંહે પરિવાર સાથે આપઘાત કર્યા પાછળનું કોઈ કારણ પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું નથી. જોકે આર્થિક તણાવ અને પારિવારિક કંકાસ કારણભૂત હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે, પરંતુ જે રીતે પત્નીએ પહેલાં અને ત્યાર પછી પતિએ આપઘાત કર્યા તે મુજબ બંને સહમત હોવાનું મનાય છે.

IPS બહુ પૈસા ખાય છે, પોલીસનો ગ્રેડ પે વધે એ જ મારી અંતિમ ઇચ્છા
પોલીસ -
પીઆઈ ખાંભલા માટે કહ્યું કે, તમારી સાથે મજા આવી, તમારો સ્વભાવ સારો છે. પોલીસ સ્ટેશનમાં તમામ લોકો સારા હતા. જીવ ન બાળતા, તહેવારમાં યાદ કરજો. જલસા કરજો પણ સરને તકલીફ ન પડે એમ. અગ્નાબેન એકાઉન્ટ સાચવજો ભગવાન તમારું સારું કરશે. મારે તમને 1 હજાર આપવાના છે તે મારા જીજાજી પાસેથી લઈ લેજો. કપલા આવજે અને નોકરી કરજે, અમદાવાદમાં જ રહેજે. પોલીસનો ગ્રેડ પે વધે એ અંતિમ ઈચ્છા. આઈપીએસ પૈસા બહુ ખાય છે અને એ જ પગાર વધારવા દેતા નથી.

મિત્રો - મારા ફ્રેન્ડ પણ બહુ સારા હતા. મિત્રો ઘણા બધા છે જો લખું તો જીવન વધારે જીવાઈ જાય. સિહોરવાળા ફ્રેન્ડને સોરી યાર, સહન ન થયું, તમે કાચા પડ્યા યાર મને સાચવવામાં. જે કોઈને પૈસા આપ્યા છે એ મારા ભાઈને આપજો અને ના આપો તોય કંઈ નહીં, જલસા કરજો. માધુરીવાળા ફ્રેન્ડને બહુ મિસ કરીશ. મારા જીવનમાં આવેલા તમામનો દિલથી આભાર અને સોરી.

માતાપિતા - પપ્પા સોરી મમ્મીને સાચવજો.હવે પ્લોટનું સમાધન કરીને નિવૃત્ત જીવન ગાળો, ભગવાનનું કામ કરજો, પપ્પા તમે બહુ સારા હતા, તમને મળવું હતું પણ જીવન ઓછું પડ્યું. મમ્મી સોરી તમારો કુલી હવે હિતાર્થ છે. લાસ્ટ મન્ડે ફોનમાં વાત થઈ એટલે ચાલશે અને મમ્મી તમને બહુ હેરાન કર્યા અત્યાર સુધી પણ આ લાસ્ટ ટાઇમ. આકાંક્ષા આજે રાતે બહુ રમી મારી સાથે એટલે લઈ જઉં છું, રિદ્ધિને એકલી ના મૂકંુ એટલે એ પણ આવે છે સાથે.

ભાઈ-ભાભી - ભાઈ અને ભાભી જલસાથી જીવજો, બાકી હંુ છંુ અને એક સારી ગાડી લઈ લેજો. ભૂરા અને ઢેબાને સાચવજો, ભૂરાના વાળ ન કપાવતા. બેન જીજાજી મિસ યુ, સોરી તમને હું બહુ હેરાન કરતો હતો. બેન રાખડી મને પણ બાંધજે. તારા ભાઈમાં હવે સહન શક્તિ નથી એ તું પણ જાણે છે.

પત્ની વિશે -‘ખુદા સે મેને દુઆ માગી દુઆ મેં અપની મોત માગી, ખુદા ને કહા મોત મેં તુજે દુંગા પર ઉસે ક્યા કહું જિસને તેરી લંબી ઉંમર કી દુઓ માગી’ મારી દુઆ માગવાવાળી મારી સાથે લઈ જાવ છું. બીજા કોઈએ દુઆ નહીં માગી હોય. આજે હું બહુ જ ખુશ છું કે આ દિવસ આવી ગયો.

અન્ય સમાચારો પણ છે...