શિક્ષિત સિટીના 'અર્ધશિક્ષિત' ઉમેદવાર:અમદાવાદ-રાજકોટ-સુરતના 13 ઉમેદવારો 12મું ધોરણ જ પાસ, વડોદરાના ઉમેદવારો પોસ્ટ ગ્રેજ્યુએટ

અમદાવાદએક મહિનો પહેલા
  • 5 ઉમેદવાર ધો. 9થી આગળ વધ્યા જ નથી

વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા 160 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી સુરત, અમદાવાદ અને રાજકોટના ઉમેદવારો પૈકી 10 ઉમેદવાર માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો છે. આ ત્રણેય શિક્ષિત સિટીમાં સૌથી ઓછું 7 ચોપડી ભણેલા ઉમેદવાર કાંતિ બલ્લરને સુરત નોર્થની ટિકિટ આપવામાં આવી છે. શિક્ષિત સિટીમાં ઓછું ભણેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જોકે, સંસ્કારી નગરી વડોદરામાં તમામ ઉમેદવાર હાઈલી એજ્યુકેટેડ છે.

સુરતમાં 8 ઉમેદવારોનો ધો. 7થી 12 સુધીનો અભ્યાસ
સુરતની 16 પૈકી 15 અને શહેરની 12 પૈકી 11 બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ચોર્યાસી સિવાય તમામ બેઠક પર અટકળોનો અંત લાવી દેવામાં આવ્યો હતો. 9 બેઠક પર ઉમેદવારો રિપીટ કરાયા છે, જ્યારે ઉધના અને કામરેજમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે. સુરત સિટીના 8 ઉમેદવારોએ ધો. 7થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે 3 ઉમેદવારે બીએ, બીકોમ, એમએ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.

વરાછા, કતારગામ અને સુરત પૂર્વ બેઠક પર ઉમેદવારો રિપીટ
હોટ સીટ ગણાતી વરાછા, કતારગામ અને સુરત પૂર્વ બેઠક પર ઉમેદવારો રિપીટ કરાયા છે. વરાછા પાટીદાર અનામત આંદોલનને લીધે સૌથી ચર્ચાસ્પદ બેઠક રહી છે. અહીં આપે અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે જેથી સૌની નજર છે. કતારગામ બેઠક પણ ઈટાલિયાની એન્ટ્રીને લીધે હોટ બની છે. પૂર્વ બેઠક ભાજપ માટે મહત્ત્વની છે અહીં કોંગ્રેસની શક્યતા છે. ભાજપને 13347ના માર્જિનથી જ જીત મળી હતી. અહીં અરવિંદ રાણાને રિપીટ કરતા ત્રણેય સીટો પર કાંટાની ટક્કર થશે.

અમદાવાદમાં 5 ઉમેદવારોનો ધો. 8થી 12 સુધીનો અભ્યાસ
અમદાવાદ શહેરની 16માંથી માત્ર 2 બેઠક પર ભાજપે ઉમેદવારો રિપીટ કર્યા છે, જ્યારે 2017માં ચૂંટણી લડેલા 13 ઉમેદવારની ટિકિટ કાપી નાખવામાં આવી છે. વટવા બેઠક પર ઉમેદવાર હજુ જાહેર થવાનો બાકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માને જ રિપીટ કરાયા છે. અમદાવાદ સિટીના પાંચ ઉમેદવારોએ ધો. 8થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે અન્ય ઉમેદવારો અન્જિનિયર, ડોક્ટર, પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે.

જીતેન્દ્ર પટેલે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે
અમદાવાદની 16 બેઠકોમાંથી ભાજપે પેથોલોજિસ્ટ ડૉ.હસમુખ પટેલ, એનેસ્થેટિસ ડૉ. પાયલ કુકરાણી, પીએચડી ડૉ. હર્ષદ પટેલને ટિકિટ આપી છે. ઠક્કરબાપાનગર બેઠકથી કંચનબેન રાદડિયાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે જ્યારે નારણપુરાના ઉમેદવાર જીતેન્દ્ર પટેલે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. અન્ય ઉમેદવારો સ્નાતક અને અનુસ્નાતક છે.

રાજકોટમાં 3 ઉમેદવારનો 8થી 12 સુધીનો અભ્યાસ
રાજકોટના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર ગત ચૂંટણીના સંદર્ભમાં ચારેય નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68માં ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટના 3 ઉમેદવાર 8થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ડો. દર્શિતા પેથોલેજી, ભાનુબેન બાબરિયા બીએ એલએલબી, કુંવરજી બાવળિયા બીએસ અને જયેશ રાદડિયા બીઈ સિવિલ કર્યું છે.

રાજકોટની ચારેય બેઠક પર નવા ઉમેદવાર ઉતાર્યા
બુધવારે રાત્રે નાટ્યાત્મક રીતે વિજય રૂપાણીએ પોતે ચૂંટણી લડવા ઇચ્છતા નથી તેવી જાહેરાત સામે ચાલીને કરી હતી, બુધવારે ભાજપે યાદી જાહેર કરતાં જ ભાજપના કાર્યકરો ચોંકી ઊઠ્યા હતા. રાજકોટના ઇતિહાસમાં અત્યાર સુધી ભાજપે 1975થી 2012 સુધી રાજકોટની બે બેઠક હતી ત્યારે એક બેઠક પર નવું નામ જાહેર કર્યું હોય પરંતુ બીજી બેઠક પર અગાઉનું નામ રિપીટ કર્યું હોય તેવું બનતું હતું. 2012 પછી રાજકોટ શહેર ગ્રામ્યની મળી ચાર બેઠક મળી તો પણ રાજકોટ પશ્ચિમમાં વજુભાઇ વાળા અડીખમ ઉમેદવાર સાબિત થયા હતા, પરંતુ 2022માં ચારેય બેઠક પર નવા ઉમેદવાર ઉતાર્યા છે.

વડોદરામાં બીએથી લઈને સોફ્ટવેર એન્જિનિયર ઉમેદવાર
વડોદરાની 10 બેઠકમાંથી 8નાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં 2 પાટીદાર, 2 બ્રાહ્મણ, 1 SC, 1 ક્ષત્રિય, 1 મરાઠી 1 ઓબીસીને ટિકિટ આપી તમામ વર્ગો સાચવ્યા છે. તમામ નામોને બાજુ પર મૂકી ખુદ નરેન્દ્ર મોદીએ પૂર્વ ઊર્જા મંત્રી મકરંદ દેસાઈના પુત્ર અને બે ટર્મ કાઉન્સિલર રહી ચૂકેલા ચૈતન્ય દેસાઈના નામની પસંદગી કરી છે. વડોદરાના તમામ ઉમેદવારો હાઈલી એજ્યુકેટેડ છે. જેમાં બીએથી લઈને સોફ્ટવેર એન્જિનિયરનો સમાવેશ થાય છે.

વડોદરામાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો
વડોદરા શહેરની ત્રણ બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર થતાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપે શહેર વિધાનસભા પર બે ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલાં મનીષાબેન વકીલને રિપીટ કર્યાં છે. તો રાવપુરા બેઠક પરથી કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તું કાપી તેમની જગ્યાએ વર્ષ 2009માં સાંસદ બન્યા બાદ હાલમાં પ્રદેશના કાર્યકારિણી સદસ્ય અને મહીસાગર જિલ્લાના સંગઠન પ્રભારી બાળકૃષ્ણ શુક્લ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. અકોટા બેઠક પર સીમા મોહિલે કપાયાં છે.

સૌરાષ્ટ્રમાં નવા ચહેરાઓને સ્થાન
સૌરાષ્ટ્રમાં ભાજપે મોટાભાગના નવા ચહેરા જાહેર કર્યા છે. રાજકોટમાં તમામ સીટ પર નવા ચહેરા છે. ભાજપે આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. રિવાબાને લાવી માડમને સાચવી લીધાં છે.

દક્ષિણ ગુજરાતમાં ઝાઝો ફેર નહીં
દક્ષિણ ગુજરાતમાં ભાજપે મોટાભાગની સીટો પર ઉમેદવારોને રિપીટ કરાયા છે. ઉધનાને બાદ કરતાં તમામ 10 બેઠકો પર ઉમેદવારો રિપીટ છે. વલસાડની તમામ બેઠકો ઉપર રિપીટ કરાયા છે. નવસારીમાં બે નવા ચહેરા છે. તાપીમાં બે નવા ઉમેદવારો છે.

વડોદરામાં મધ્યમવર્તી માર્ગ
વડોદરા શહેરની બેઠક ઉપર મંત્રી મનીષા વકીલ સામે સ્થાનિક વિરોધ છતાં રિપીટ કરાયાં છે. રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તું કપાયું છે. વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. કરજણમાં કોંગ્રેસી ગોત્રના અક્ષય પટેલને પક્ષપલટો કરવાના ઈનામરૂપે ટિકિટ અપાઈ છે. અકોટા બેઠક પર સીમા મોહિલેની ટિકિટ કાપીને ચૈતન્ય દેસાઈને ટિકિટ અપાઈ છે.

અમદાવાદના ધારાસભ્યો વેતરાયા
અમદાવાદ શહેરની 16માંથી 15 બેઠક પરના ઉમેદવારો જાહેર કરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નિકોલમાંથી જગદીશ પંચાલને રિપીટ કરાયા છે. ઘણા ચાલુ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. પ્રદીપ પરમારને રિપીટ કરાયા નથી. અમરાઈવાડી વિધાનસભામાં પણ આ વખતે ભાજપે નવો ચહેરો લાવ્યા છે. નરોડા વિસ્તારમાં પણ મહિલા તબીબને ટિકિટ આપવામાં આવી છે. ચાલુ ધારાસભ્યને કાપી વેજલપુરમાં અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...