અમદાવાદમાં ડબલ મર્ડર:મણિનગરમાં માતા-કાકાની હત્યા કરી પુત્ર 2 દિવસ લાશ સાથે રહ્યો, પસ્તાવો થતાં 3 વખત આપઘાતનો પ્રયાસ કર્યો, પણ બચી ગયો

અમદાવાદ9 મહિનો પહેલા
ફાઇલ તસવીર
  • મણિનગરની સુમન સજની સોસાયટીની ઘટના, યુવકે માતા-કાકાને ફાંસો આપી મારી નાખ્યા
  • હત્યા કર્યા બાદ પંખે લટકી ગયો, પણ પાડોશીઓએ ઉતારી લીધો
  • બીજીવાર પંખો લઈ પડ્યો, ત્રીજી વાર ચપ્પું માર્યું, પણ બચી ગયો

મણિનગરમાં એક યુવકે માતા અને કાકાની ગળેફાંસો આપી હત્યા કરી બે દિવસ તેમની લાશ સાથે વિતાવ્યા બાદ પોતાની જાત પર શરમ આવતાં આત્મહત્યા કરવાના ત્રણ વખત પ્રયાસ કર્યા હતા. જોકે તેમ છતાં તેને મોત ન આવતાં તેણે અંતે પોતાના શરીર પર ચપ્પાના ઘા ઝીંકી મરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાંય બચી જતાં એક સંબંધીને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે ઈસનપુર પોલીસે યુવક સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે.

બે દિવસ પહેલાં કાકા-માતાને મારી નાખ્યાં
મણિનગરની સુમન સજની સોસાયટીમાં રહેતા રજની પંડ્યાનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયા બાદ તેમની પત્ની વંદનાબેન પુત્ર વરુણ તથા રજનીભાઈના ભાઈ અમૂલ પંડ્યા સાથે રહેતાં હતાં. અમૂલભાઈ મ્યુનિ.માં ફરજ પરથી નિવૃત્ત થયા હતા, જ્યારે વરુણ પંડ્યા કોઈ કામધંધો કરતો ન હતો. કોઈક કારણોસર વરુણ પંડ્યાએ બે દિવસ પહેલાં તેની માતા વંદનાબેન કાકા અમૂલ પંડ્યા બંનેને ગળેફાંસો આપી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ છેલ્લા બે દિવસથી વરુણ ઘરમાં બંને લાશની સાથે રહ્યો હતો. દરમિયાન તેને પોતાનાં કરતૂત પર શરમ આવતાં તેણે પોતાનો જીવ આપી દેવા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્રણ વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
બુધવારે વરુણ પોતાના ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે આસપાસના લોકોની નજર પડતાં તેને નીચે ઉતારી લેતાં તેનો બચાવ થયો હતો. થોડા કલાકો બાદ ફરી વરુણે પોતાની જાતને પંખા પર લટકાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે પંખો તેના વજનને કારણે નીચે પડતાં તે ફરી બચી ગયો હતો. ત્યાર બાદ વરુણે ઘરમાં ચપ્પુ વડે પોતાની જાતને ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એમાં પણ તેને સફળતા મળી ન હતી. અંતે, તેણે પોતાના એક સંબંધીને ફોન કરી બોલાવતાં તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ઘટનાની જાણ કરી હતી. દરમિયાન વરુણને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ અંગે ઈસનપુર પોલીસે વરુણ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આર્થિક કારણોસર હત્યા કરી હોવાનું અનુમાન
માતા અને કાકાની હત્યા કરવા પાછળ હાલના તબક્કે આર્થિક કારણ જવાબદાર હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આરોપી વરુણ કોઈ કામધંધો કરતો ન હોવાથી પરિવારમાં આર્થિક સંકડામણ રહેતાં તેને ઠપકો આપતાં તેણે આ કૃત્ય કર્યાનું અનુમાન છે. જોકે પોલીસે આ સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ એ દિશામાં તપાસ આદરી છે.