• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Son in law Forced By Father in law To Buy House In Ahmedabad, Came To Live With Brother in law For Rupees, Son in law Drank Medicine After Quarrel

સાસરિયાંના ત્રાસથી જમાઈનો આપઘાત:અમદાવાદમાં સસરા જમાઈને મકાન ખરીદવા દબાણ કરતા, રૂપિયા માટે સાળો સાથે રહેવા આવ્યો; ઝઘડો થતાં જમાઈએ ઝેર પીધું

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદમાં સાસરિયાંના ત્રાસની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવતી હોય છે, પરંતુ એવી કેટલીય ઘટનાઓ હોય છે, જેમાં જમાઈ ભોગ બનતો હોય છે. શહેરમાં રહેતા જમાઈને સાસરિયાંએ મકાન લેવા માટે દબાણ કરતાં જમાઈએ ઝેરી દવા પીને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. સસરા અને સાસરિયાંએ મકાન લેવા માટે જમાઈ પાસે રૂપિયાની માગણી કરતા હતા. રોજરોજ વધી રહેલા માનસિક ત્રાસને કારણે જમાઈએ આત્મહત્યા કરી લેતાં નારોલ પોલીસે દુષ્પેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોસ્ટમોર્ટમ બાદ પિતા દીકરાની લાશને દિલ્હી લઈ ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ઓમ શાંતિ નગરમાં રહેતા વિપનકુમાર શર્માએ પોતાના ઘરે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હોવાની જાણ થઈ હતી. આ અંગેની જાણ તેમના પિતાને દિલ્હીમાં હતા ત્યાં થઈ હતી. ત્યાંથી તેઓ તાત્કાલિક અમદાવાદ આવી ગયા હતા. તેમણે દીકરા વિપનના પોસ્ટમોર્ટમ બાદ તેની લાશને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં તેમના અંતિમસંસ્કાર કર્યા હતા.

નારોલ પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ( ફાઈલ ફોટો)
નારોલ પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ( ફાઈલ ફોટો)

સાસરિયાંના દબાણને કારણે દવા પીધી
થોડા સમય બાદ તેમને જાણ થઈ કે તેમના દીકરા વિપનને તેનાં સસરા, સાસુ, પત્ની, સાળો તેમજ સાસરી પક્ષના લોકો પરેશાન કરતાં હતાં. એ ઘટના બાદ તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે વિપનનો સાળો તેમના ઘરે જ રહેવા આવી ગયો હતો. અમદાવાદમાં મકાન લેવાનું હોવાથી સાસુ-સસરા તેમજ અન્ય લોકો રૂપિયા માટે દબાણ કરતાં હતાં. વિપન તેમને રૂપિયા આપી શકે એવી પરિસ્થિતિમાં નહોતો, જેના કારણે સતત દબાણમાં રહેતો હતો.

પત્ની અને સાસુ-સસરાએ ઝઘડો કર્યો હતો
વિપન ઘરે હતો ત્યારે તેની પત્ની અને સાસુ-સસરાએ ઝઘડો કર્યો હતો, જેને કારણે તે અંદરના રૂમમાં જઈને અનાજમાં નાખવાની દવા ખાઈ ગયો હતો. એને કારણે તેની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે નારોલ પોલીસે હાલ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

યુવકે સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
યુવકે સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

ચાર દિવસ પહેલાં પત્નીની કંટાળી યુવકે આપઘાત કર્યો હતો
ચાર દિવસ પહેલાં જ એક યુવકે પત્નીની કંટાળીને આપઘાત કર્યો હતો. એક વીડિયો બનાવીને તેણે કહ્યું હતું કે હું કંટાળી ગયો છું, સુસાઇડ કરું છું, તેની જવાબદારી મારી પત્નીની રહેશે. આટલો વીડિયો ઉતાર્યા બાદ યુવકે સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જે મોબાઇલથી વીડિયો બનાવ્યો હતો એ પણ યુવક પાસે જ હોવાથી ભીનો થઇ જતાં ફોન બંધ થઇ ગયો હતો. જોકે ત્યાર બાદ ફોન રિપેર થતાં વીડિયો સામે આવ્યો હતો, જેથી આ મામલે પત્ની સામે ફરિયાદ નોંધાતાં સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ આદરી છે. 2016માં લગ્ન થયા બાદ પત્ની મંજુએ દીકરીને જન્મ આપ્યો હતો. લગ્નનાં બે વર્ષ બાદ મંજુ પિતા અને ભાઇની ચઢામણીએ આવી જતાં મનસ્વી વર્તન કરવા લાગી હતી અને પતિ સહિતનાં સાસરિયાં સાથે ઝઘડો કરતી હતી. ઉપરાંત આર્થિક મદદ કરવા દબાણ કરતી હતી.