'પ્રસાદ' વાયા પોસ્ટ:સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘર બેઠા ટપાલી પહોંચાડશે, કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને સોમનાથ ટ્રસ્ટને મની ઓર્ડર કરવો પડશે

અમદાવાદ5 મહિનો પહેલા
સોમનાથ પ્રભાસ-પાટણની ઓફિસ દેશભરમાં ગમે તે સ્થળે પ્રસાદ મોકલશે - Divya Bhaskar
સોમનાથ પ્રભાસ-પાટણની ઓફિસ દેશભરમાં ગમે તે સ્થળે પ્રસાદ મોકલશે
  • 251 રૂપિયાના મની ઓર્ડર કરનાર ભક્તના ઘરે સોમનાથ મહાદેવની પ્રસાદી પોસ્ટ પહોંચાડશે
  • સોમનાથ મહાદેવની પ્રસાદ માટે પોસ્ટ વિભાગ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે MOU કરાયા

પોસ્ટ વિભાગ હવે ઘર બેઠા ગુજરાતના સોમનાથ મહાદેવનું પ્રસાદ પહોંચાડવાનું કામ કરશે. જે માટે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈ સોમનાથ ટ્રસ્ટના નામે મની ઓર્ડર કરવાનો રહેશે. જેના 3-4 દિવસ દરમિયાન આ પ્રસાદ ઘરે પહોંચશે.

સોમનાથ ટ્રસ્ટે વધુ એક સુવિધા આપી
દેશના મોટા મોટા મંદિરોમાં અત્યાર સુધી ઓનલાઇન દર્શનની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે કેટલાંક મંદિરોમા ભક્તજનો ઓનલાઇન પૂજા-અર્ચના પણ કરી શકે છે. જેમાં સોમનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોની સુવિધા માટે એક નવી સેવાની શરૂઆત કરી છે. જેમાં પોસ્ટ ઓફિસની મદદથી દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર મારફતે સોમનાથ મહાદેવની પ્રસાદી ઘર બેઠા મેળવી શકશે. 251 રૂપિયાની કિંમતના મની ઓર્ડર થકી આ પ્રસાદી લોકોને પહોંચાડવામાં આવશે.

સોમનાથ મંદિર ટ્રસ્ટે પોસ્ટ સાથે MOU કર્યા
આ માટે પોસ્ટ વિભાગ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા MOU કરવામાં આવ્યા છે. ગુજરાત સહિત દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડરનું ફોર્મ ભરી શકાશે. જે પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઈન સબમિટ કરવામાં આવશે અને તેની રસીદ અપવામાં આવશે. જે બાદ સોમનાથ પ્રભાસ-પાટણની ઓફિસ દ્વારા ભગવાન સોમનાથની પ્રસાદી મોકલવામાં આવશે.

હાલ પોસ્ટ દ્વારા ગંગાજળનું વિતરણ કરાય છે
પોસ્ટ વિભાગ દ્વારા તેની મુખ્ય કામગીરી સિવાય અલગ અલગ પ્રકારની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં ગંગાજળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અલગ-અલગ સોસાયટીમાં જઈને પોસ્ટ સંબંધિત સેવા અને આધાર કાર્ડ સંદર્ભેની કામગીરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...