તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેસેન્જરોને હાલાકી:‘કેટલીક ટ્રેનો દોડતી હોય ત્યારે કોચ હલતા હોવાથી ઊંઘી શકાતું નથી’ રેલવે GMને ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસી કોચના દરેક કમ્પાર્ટમેન્ટમાં એસી વધારવા-ઘટાડવાની પણ સુવિધા હોવી જોઈઅે

તમામ એસી કોચમાં સેન્ટ્રલ એસી હોય છે. ઘણીવાર કોઈ કમ્પાર્ટમેન્ટમાં એસી વધારે કે ઓછું રાખવાની જરૂર હોય ત્યારે કુલિંગ વધારી કે ઘટાડી શકાય તે માટે વ્યવસ્થા હોવી જોઈએ. કેટલીક ટ્રેનો દોડતી હોય ત્યારે તે ખૂબ જ હલતી હોવાથી તેમાં ઉંઘી શકાતું નથી. તેમ ઓખાથી મુંબઈ જતી સુપરફાસ્ટ ટ્રેનના પેસેન્જરોએ પશ્ચિમ રેલવેના જનલર મેનેજર આલોક કંસલ સમક્ષ પોતાના અનુભવ અને સૂચનો આપતા જણાવ્યું હતું. કંસલે ટ્રેનમાં સુવિધા વધારવા શું પગલા લઈ શકાય છે તે અંગે ઓખા - મુંબઈ સુપરફાસ્ટ ટ્રેનમાં પેસેન્જરોની મુલાકાત લઈ તેમની પ્રતિક્રિયા જાણી હતી. આ ઉપરાંત તેમણે અમદાવાદ સ્ટેશન પર તત્કાલ બુકિંગ કાઉન્ટરની મુલાકાત પણ લીધી હતી.

રાજકોટથી અમદાવાદની મુસાફરી દરમિયાન પહેલા કંસલે એસી કોચમાં પેસેન્જરોની મુલાકાત લીધી ત્યારે મોટાભાગના પેસેન્જરોએ કોરોના બાદ ટ્રેનમાં સફાઈની સાથે સમય પાલનમાં સુધારો થયો હોવા અંગે પોતાનો મંતવ્ય આપ્યો હતો. જો કે કેટલાક પેસેન્જરોએ લોકલ ટ્રેનો પણ વહેલીતકે શરૂ કરવાની રજુઆત કરી હતી. એ સમયે કંસલે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત સહિત દેશમાં 80 ટકાથી વધુ મેલ એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે એકાદ મહિનામાં કોરોનાની થર્ડવેવ નહીં આવે તો આગામી દિવસોમાં લોકલ ટ્રેનો પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. તમામ પેસેન્જરોને ખાણીપીણીના સ્ટોલ કે માન્ય વેન્ડર પાસેથી જ પ્રિન્ટેડ ભાવ પેક્ડ ફૂડ કે પાણીની બોટલ સહિતની વસ્તુ ખરીદવા કહ્યું હતું.

ફરિયાદ હોય તો 139 પર ફોન કરો
ટ્રેનમાં મુસાફરી દરમિયાન સફાઈ, ખાણી પીણી, સુવિધા, એસી કે સુરક્ષા સહિત અન્ય કોઈ પણ સમસ્યા હોય તો તે અંગે પેસેન્જર હેલ્પલાઈન નંબર 139 પર ફોન કરી જાણ કરી શકાય છે. આ દરેક કોચમાં રેલ મદદ એપ અંગે સ્ટિકર પણ લગાવ્યા છે. આ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે. પેસેન્જરની ફરિયાદ મળ્યાના 15 મિનિટમાં કે આગળના સ્ટેશન પર શક્ય તેટલી ઝડપથી મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...