AMC સ્ટે. ચેરમેન લાલઘૂમ:અમદાવાદના બોપલ અને ઘુમામાં સફાઈના પ્રશ્નનું ત્રણ દિવસમાં નિરાકરણ લાવો નહીં તો અમે ઉપવાસ પર ઉતરી જઈશું : સ્ટેન્ડિંગ ચેરમેન

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બે વર્ષ પહેલાં મેળવવામાં આવેલા બોપલ અને ઘુમા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી સફાઈનો પ્રશ્ન છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં અવારનવાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને બોપલ વિસ્તારમાં સફાઈ માટે વારંવાર સૂચના આપવામાં આવે છે છતાં પણ યોગ્ય રીતે સફાઈ અને સફાઈ કામદારોનો પ્રશ્નનો નિકાલ ન કરવામાં આવતા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન હિતેશ બારોટ નારાજ થયા હતા. તેઓએ અધિકારીને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, બોપલ અને ઘુમાં વિસ્તારમાં સફાઈના પ્રશ્નનું ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો ચેરમેન સહિત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બોપલમાં જ ઉપવાસ પર ઉતરશે.

સૂત્રો મુજબ બોપલ અને ઘુમા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની નબળી કામગીરીને લઈ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અધિકારી પર ગુસ્સે ભરાયા હતા અને તેઓએ અધિકારીઓને ખખડાવતા જણાવ્યું હતું કે, બોપલ અને ઘુમા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા અને રોડ પર સફાઈ મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં સુચના આપવામાં આવે છે.

સફાઈ માટેના કામદારોનો જે પ્રશ્ન છે તેને ઉકેલી અને ઝડપથી આ વિસ્તારમાં સફાઈ થાય તેના માટે અવારનવાર સૂચના આપવા છતાં પણ છેલ્લા એક વર્ષથી યોગ્ય રીતે કામગીરી થઈ નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં હિતેશ બારોટે અધિકારીઓને ખખડાવી અને જણાવ્યું હતું કે, જો ત્રણ દિવસની અંદર બોપલ અને ગુમા વિસ્તારમાં સફાઈના પ્રશ્નનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે તો મારા સહિત મારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બોપલ વિસ્તારમાં ઉપવાસ પર ઉતરી જશે.

ઉલ્લેખનીય છે કે બોપલ અને ઘુમા વિસ્તારમાં ગંદકી અને સફાઈને લઈ અને અવારનવાર લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવે છે છતાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે છેવટે ભાજપના સત્તાધીશોએ હવે અધિકારીઓ ને ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...