સૂત્રોચ્ચાર સાથે વિરોધ:સોલા GMERSમાં આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓના પગારમાં મોટાપાયે ખાયકી કર્યાનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો - Divya Bhaskar
કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો
  • મહેસાણાની ડીબી એન્ટરપ્રાઈઝ સોલા GMERS હોસ્પિટલના આઉટસોર્સ કર્મીઓનો કોન્ટ્રાક્ટ સંભાળે છે

અમદાવાદની સોલા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલમાં આઉટસોર્સ દ્વારા કર્મચારીઓ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ ડી બી એન્ટરપ્રાઇઝ મહેસાણાને આપવામાં આવેલો છે. ડી બી એન્ટરપ્રાઇઝ મહેસાણા દ્વારા કર્મચારીઓને નિયત વેતન કરતાં ઓછું વેતન ચૂકવાતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગુજરાત જનતા જાગૃતિ મંચે વેતન ઓછું ચૂકવાતું હોવાનો આરોપ લગાવ્યો છે. તો કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

કમિશ્નર આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગરના 26/07/2021ના આદેશ મુજબ બોનસ, રજા પગાર અને સ્પેશ્યિલ એલાઉન્સ કર્મચારીના ખાતામાં જમા કરાવવા આદેશ કરેલો છે. જે સંદર્ભે વિભાગીય નાયબ નિયામક દ્વારા 26/10/2021ના પત્રથી પૃથ્થકરણ પત્રક જાહેર કરી એ મુજબ ચૂકવણા કરવા આદેશ કરેલો છે. છતાં ડીન સહિતના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓના આદેશનું ઉલ્લંઘન કરી 05/05/2021ના જૂના પૃથ્થકરણ પત્રક મુજબ જ કર્મચારીની જગ્યાએ એજન્સીને જ બોનસ સહિતની રકમ ચૂકવી દઈ આ નાણામાં ભ્રષ્ટાચાર કરવા એજન્સીઓને પ્રોત્સાહન આપ્યાનો આક્ષેપ ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયએ કર્યો હતો.

આરોગ્ય વિભાગમાં આઉટસોર્સ કર્મચારીઓ પૂરા પાડવા નિયત કરેલા ભાવ મુજબની રકમ એજન્સીઓને ચૂકવવામાં આવતી હતી અને એજન્સીઓ દ્વારા કર્મચારીઓને પૂરતું વેતન ન મળતું હોવાની ફરિયાદોને પગલે ભૂતપુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પગારની રકમ સીધી આઉટસોર્સ કર્મચારીઓના બેન્ક ખાતામાં એસક્રો એકાઉન્ટ મારફતે જમા કરાવવા તેમજ એજન્સીઓને માત્ર સર્વિસ ચાર્જ ચૂકવવાની વિધાનસભામાં જાહેરાત કરી હતી.

વિધાનસભામાં જાહેરાત છતાં જીએમઈઆરએસ સોલા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અધિકારીઓની ઢીલી નીતિના કારણે એજન્સી દ્વારા છ વર્ષમાં પ્રતિ કર્મચારી એકથી દોઢ લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે અને આશરે પાંચ કરોડ કરતાં પણ મોટું કૌભાંડ એજન્સી ડી બી એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવતા રજનીકાંત ભારતીયે જણાવ્યું છે કે, આટલું મોટું કૌભાંડ અધિકારીઓની જાણ બહાર હોય એ શક્ય ન હોય. આ કૌભાંડમાં ડીન સહિતના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની સંભાવના નકારી શકાય નહી. આજે જ્યારે ગુજરાત જનતા જાગૃતિ મંચની ટીમ અને કર્મચારીઓ ડીનને ફરિયાદ કરવા ગયા ત્યારે રજૂઆત સાંભળવાની જગ્યાએ ડીન નીતિન વોરા હોસ્પિટલ છોડી ભાગી જતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...