વિવાદ:સોલા સિવિલે જટિલ ઓપરેશન પહેલાં જ પોલીસમાં વર્દી લખાવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાની મહિલા સિઝેરિયન માટે આવી હતી
  • મહિલા કે બાળકને કશંુ થાય તો જવાબદારી ન રહે તે માટે વિવાદિત વર્દી લખાવી હોવાની ચર્ચા

‘સિઝેરિયન દરમિયાન મહિલાના શરીરમાંથી વધુ લોહી વહી જવાની સંભાવના હોવાથી તેને જીવનું જોખમ છે, પરંતુ સિઝેરિયન જરૂરી હોવાથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.’ સોલા સિવિલમાં સિઝેરિયન માટે દાખલ થયેલી રાજસ્થાનની મહિલા સીમાકુમારી પ્રજાપતિ (ઉં.29)નું ઓપરેશન કરતા પહેલા હોસ્પિટલે સોલા પોલીસને આ પ્રકારની વર્દી લખાવતા વિવાદ સર્જાયો છે. જોકે ઓપરેશનમાં મહિલા કે બાળકને કંશુ પણ થાય તો પોતાની કોઈ જવાબદારી ન રહે તે માટે આ પ્રકારની વર્દી લખાવી હોવાનું પોલીસનું માનવું છે.

ગાયનેક વોર્ડના ડો. નીલેશ ચૌહાણના જણાવવાથી સીએમઓ ડો. કિંજલ સોલંકીની સૂચનાથી પોલીસ ટેબલ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઘનશ્યામદાને મંગળવારે પીએસઓને આ વર્દી લખાવી હતી.

ડોકટરો પાસે ખુલાસો માગવામાં આવ્યો છે
સોલા સિવિલના આરએમઓ ડો.ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઓપરેશન પહેલાં મહિલાને જીવનું જોખમ હોવા અંગે પોલીસને શા માટે વર્દી લખાવાઈ તે સમજાતું નથી, પરંતુ આ ઘટનામાં જવાબદાર ડોક્ટોરની બેદરકારી બહાર આવી છે. આ અંગે તેમનો ખુલાસો મગાયો છે.

જવાબદારીથી બચવા પોલીસને હાથો બનાવી
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, ઓપરેશન પહેલાં હોસ્પિટલ દર્દીના પરિવારના સભ્યો પાસે ફોર્મ ભરાવે છે અને સહીઓ લે છે, પરંતુ જે રીતે વર્દી લખાવી તેના પરથી એવું ફલિત થાય છે કે પોતે ફસાય નહીં તે માટે વર્દી લખાવી હતી.

અન્ય સમાચારો પણ છે...