અમદાવાદ એસઓજીની ટીમે રામોલ જનતાનગર પાસેથી બે યુવકોને સાડા બાર લાખ રૂપિયાના એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. આ યુવાનો મુંબઇથી ડ્રગ્સ લાવતા હતા અન સીજી રોડ તથા આશ્રમ રોડના તથા જમાલપુર અને સરંગપુર વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સ વેચતા હતા. પોલીસે ડ્રગ્સનો જથ્થો આપવનાર અને તે ખરીદનાર તત્વોની તપાસ શરૂ કરી છે.
બે યુવાનો પાસે ડ્રગ્સનો જથ્થો
અમદાવાદ શહેરમાં પાનના ગલ્લા પર જેટલી સહજતાથી પાન મસાલા મળતા હોય છે. તેટલી સહજતાથી ઠેર ઠેર ડ્રગ્સ મળતું થઇ ગયું છે. જે ખુબ જ ચિંતાજનક બાબત છે. શહેરમાંથી ડ્રગ્સનું દુષણ દુર કરવા માટે ખુદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કડક વલણ અપનાવી રહ્યા છે. તમામ પોલીસ મથકના અધિકારીઓ અને એજન્સીઓને ડ્રગ્સ પેડલરોને ઝડપી લેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે જ એસઓજીના ઇન્સ્પેકટર એ.ડી.પરમારની ટીમને બામતી મળી હતી કે રામોલ જનતાનગર સ્થિત પાણીની ટાંકી પાસે બે યુવાનો ડ્રગ્સનો જથ્થો લઇને ફરી રહ્યા છે.
અમદાવાદમાં યુવાનોને ટાર્ગેટ કરીને ડ્રગ્સ આપતા
એસઓજીની ટીમે તરત જ દરોડા પાડીને અલ્લારખા ઉર્ફે અડુ ઇસ્માઇલ શેખ (ઉ.વ. 27, રહે. જનતાનગર રામોલ) તથા ઇકબાલખાન રિઝવાન ખાન પઠાણ (ઉ.વ. 26 રહે. ફરીદાબાદ સોસાયટી, રામોલ)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસને એમ.ડી ડ્રગ્સનો 124.460 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત લગભગ સાડા બાર લાખ રૂપિયા થાય છે. પોલીસે અલ્લારખા અને ઇકબાલની પૂછપરછ કરતાં તેમણે અમદાવાદમાં રિક્ષા ચલાવવાની સાથે સાથે ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની કબુલાત કરી હતી. તેઓ મુંબઇના ડ્રગ્સ માફિયા પાસેથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં સી.જી.રોડ અને આશ્રમ રોડ ઉપરાંત જમાલપુર રામોલ અન સરંગપુરમાં યુવાનોને ટાર્ગેટ કરીને તેમને ડ્રગ્સ આપતા હતા.
ડ્રગ્સનો વેપલો કરતા તત્વોને જબ્બે કરવા એજન્સીઓ કામે લાગી
આ બન્ને યુવાનો શહેરમાં અન્ય કોઇ ડ્રગ્સ પેડલરો સાથે સંકળાયેલા છે કે કેમ?તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવદા શહેરમાંથી ડ્રગ્સનું દુષણ ડામવા માટે પોલીસ કટીબદ્ધ છે. શહેર પોલીસ અને એજન્સીઓ ડ્રગ્સનો વેપલો કરતા તત્વોને જબ્બે કરવા માટે કામે લાગી ગયા છે. ડ્રગ્સના વેપારીઓ અને પેડલરો સામે ચોક્કસ કડક પગલાં લેવામાં આવશે. જયરાજસિંહ વળા. ડીસીપી એસઓજીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.