અમદાવાદથી મુંબઈ જતી ગુજરાત મેઇલ ટ્રેન વડોદરાથી ઉપડી ભરુચ તરફ જતી હતી. ત્યારે પાલેજ સ્ટેશન પાસે થર્ડ એસી કોચમાં કોચ એટેન્ડન્ટે ટોયલેટ પાસે બીડી પીધી હતી. જેથી સ્મોક ડિટેક્ટ એલાર્મ વાગતા ટ્રેન ઓટોમેટિક ઊભી રહી ગઈ હતી. જ્યારે બીજી બાજુ રાત્રે 1 વાગ્યે એલાર્મ વાગતા કોચમાં આગ લાગી હોવાની દહેશતથી નિંદ્રાધીન પેસેન્જરોએ સફાળા જાગી ગયા હતા અને કોચના ચારેય ગેટથી બહાર કૂદવા લાગ્યા હતા. આ ઘટનામાં એક મહિલાને ઈજા થઈ હતી.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરે જણાવ્યું કે, કોચમાં અચાનક એલાર્મ વાગતા તમામ લોકો ભયભીત થઈ બહાર નીકળવા લાગ્યા હતા. આ સમયે ટ્રેનમાં ફરજ પર હાજર ટીટીઇ આર. કે. પાઠક, યોગેશ જાની તેમજ દિનેશ પરમારે પેસેન્જરો પાસે દોડી આવીને સમજાવ્યું કે, સામેથી બીજી ટ્રેન આવી રહી છે. જેથી તમે બધા ટ્રેક પરથી ખસીને ટ્રેનમાં બેસી જાવ.કોચમાં સ્મોક ડિટેક્શન એલાર્મ હોવાથી બીડીના ધુમાડાને કારણે ટ્રેન ઉભી રહી ગઈ છે, કોચમાં ક્યાંય આગ લાગી નથી. ટીટીઈની સમજાવટ બાદ તમામ પેસેન્જરો કોચમાં બેઠા હતા અને 12 મિનિટ બાદ ટ્રેન મુંબઈ તરફ આગળ રવાના થઇ હતી.
LHB કોચમાં સુરક્ષા વધતા ધુમ્રપાન કરવું જોખમી
રેલવેમાં તમામ નવા કોચ એલએચબી ટેકનોલોજીવાળા આવતા ટ્રેનોમાં તબક્કાવાર તે જોડવામાં આવી રહ્યા છે. ગુજરાત મેલમાં પણ એલએચબી કોચ જોડવામાં આવ્યા છે. આ કોચમાં પેસેન્જરોને બેસવા માટે અગાઉના આઈસીએફ કોચની સરખામણીમાં વધુ જગ્યા આપવામાં આવે છે. એજરીતે ટ્રેન દોડતી હોય ત્યારે તેમાં પેસેન્જરોને જર્ક ઓછો લાગે છે. તેની સાથે જ તમામ કોચમાં સ્મોક ડિટેક્શન સિસ્ટમ સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ કોચમાં ધૂમ્રપાન કરે કે અકસ્માતે ધુમાડો નિકળે તત્કાલ સ્મોક ડિટેક્શન સિસ્ટમને પગલે એલાર્મ વાગી જાય છે અને ટ્રેન જાતે જ ઉભી રહી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.