પરિસ્થિતિ સામે ઝઝૂમીને ટૉપર બનેલા વિદ્યાર્થીઓ:સ્મિત, આરઝુ, સ્નેહા, રવિના, મીતા, હીર, હર્ષિતા, વંદિતા, સપના, ભારતી, હર્ષિલ...

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્મિત ચાંગેલા - Divya Bhaskar
સ્મિત ચાંગેલા
  • સ્વજનોનાં નિધન, શારીરિક મુશ્કેલીઓ વચ્ચે પણ જ્ઞાનની જ્યોત બુઝી નહીં

ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં શનિવારે જાહેર થયેલાં પરિણામોમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓેએ સફળતા મેળવી છે પણ સામાન્ય પ્રવાહમાં સફળતાને આંબનાર આ એવા અસામાન્ય વિદ્યાર્થીઓ છે કે જેમણે પારાવાર શારીરિક, પારિવારિક મુશ્કેલીઓ વચ્ચે પણ ભણવા માટેનો જુસ્સો અકબંધ રાખીને ધાર્યું નિશાન પાર પાડ્યું છે. તેમના સંઘર્ષ અને સફળતાની કહાની દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે...

સ્મિત... ચાલવા-લખવા અસમર્થ છતાં રાઇટરની મદદથી 99.97 PR મેળવ્યો
રાજકોટનો ધો.12 કોમર્સનો વિદ્યાર્થી સ્મિત ચાંગેલા બાળપણથી જ ન્યુરોપેથી રોગથી પીડાય છે, ચાલવા અને લખવા સહિતની પ્રવૃત્તિ કરવામાં તે અસમર્થ છે પરંતુ અનેક સામાન્ય વિદ્યાર્થીઓ કરતા આ દિવ્યાંગ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં આકાશે આંબતી સિદ્ધિ હાંસલ કરી છે. ધો.12 કોમર્સના શનિવારે જાહેર થયેલા પરિણામમાં સ્મિત ચાંગેલાએ 99.97 પીઆર અને 95 ટકા પ્રાપ્ત કર્યા છે. સ્મિત હલન-ચલન કરી શક્તો નથી, લખી શક્તો નથી, બોર્ડની પરીક્ષામાં પણ તેને રાઈટર અપાયો હતો પરંતુ તેના તેજ દિમાગને લીધે સ્મિતે બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. સ્મિત ન માત્ર અભ્યાસમાં પરંતુ બિઝનેસમાં પણ તેજ દિમાગ છે. તે માતા સાથે ઓનલાઇન પ્રોડક્ટ વેચાણનું કામ કરી રહ્યા છે. પોતે હાથ-પગથી કામ કરવામાં અસમર્થ છે પરંતુ તેણે હાર નથી માની. તે નાકના ટેરવેથી મોબાઈલમાં ટાઈપિંગ કરીને ઓનલાઈન ઓર્ડર લઇ પણ લે છે અને ડિલિવરી પણ કરાવી દે છે. સ્મિત ચાંગેલા નાનપણથી જ ન્યુરોપેથી નામના રોગથી પીડાય છે, પરંતુ મનમાં તેણે નિર્ધાર કર્યો કે આત્મનિર્ભર બનવું છે. હવે આગળ તે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બનવા માગે છે.

રવિના-મીતા... દેહવિક્રયથી કલંકિત ગામમાં પહેલી ધો.12 પાસ કન્યાઓ
દેહવિક્રયથી કલંકિત થરાદ તાલુકાના વાડીયાની બે દીકરી રવિના અને મીતા સિસોદિયા ધો.12 સુધી ભણનાર સમાજની પ્રથમ કન્યાઓ છે. દેહવિક્રયના વ્યવસાયમાં જોડાવાને બદલે બન્ને બહેનોએ શિક્ષણના માર્ગે આગળ ધપવાનો નિર્ધાર કર્યો છે. તેમણે 60 ટકા સાથે સફળતા મેળવી છે. સમાજસેવિકા શારદાબેન ભાટીના પ્રયાસોને કારણે આ પરિવર્તન આવ્યું છે.

હર્ષિતા... પિતાના સંઘર્ષ વચ્ચે પુત્રીના 99.99 PR
રાજકોટની વિદ્યાર્થિની હર્ષિતા કડીએ 99.99 પીઆર પ્રાપ્ત કરી ટોચનું સ્થાન મેળવ્યું છે. હર્ષિતાના પિતા કારખાનામાં મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. હર્ષિતાએ કહ્યું કે, ક્યારેક સ્કૂલની પરીક્ષામાં ઓછા માર્ક આવતા હોવાથી મહેનત વધારી દીધી હતી. શિક્ષકો અને પરિવારની મદદથી ઝળહળતું પરિણામ લાવી શકી. હર્ષિતા હવે આગળ સીએનો અભ્યાસ કરવા માગે છે.

આરઝુ... દૃષ્ટિ ગુમાવ્યા બાદ મમ્મી વાંચીને ભણાવતી
પાટણ જિલ્લાના સિદ્ધપુરના કાકોશી ગામની પ્રજ્ઞાચક્ષુ છાત્રા આરઝુ ઈકબાલભાઈ મન્સુરીએ A1 ગ્રેડ મેળવી જિલ્લામાં ટોપ 10 માં સાતમો ક્રમ મેળવ્યો છે. આંખોમાં પડદાની ખામીને કારણે તેણે તબક્કાવાર દૃષ્ટિ ગુમાવી હતી. શિક્ષકોએ તૈયાર કરાવેલી નોટ્સ માતા વાંચીને તેને અભ્યાસ કરાવતી હતી. આરઝુએ રાઇટરની મદદથી પરીક્ષા આપી હતી.

સ્નેહા... અકસ્માતે હાથ ગુમાવ્યા પણ જુસ્સો અકબંધ
હાલોલની સ્નેહા રાઠવાએ વીજશૉકના કારણે બન્ને હાથ ગુમાવ્યા હતા. જો કે તે હિંમત હારી નહોતી. તેણે ધો.12માં 91.07 ટકા મેળવીને માત્ર પોતાના પરિવાર જ નહીં પણ શહેરના ગૌરવમાં વધારો કર્યો છે. સ્નેહા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા દ્વારા સંચાલિત સ્કૂલમાં ભણે છે.

વંદિતા... 80% શ્રવણ ક્ષમતા ગુમાવી, મહેનતના જોરે 98 PR
રાજકોટની વિદ્યાર્થિની વંદિતા જોશીએ ધો.12 કોમર્સમાં 98.82 PR મેળવ્યા છે. વંદિતા 80% સાંભળી શકતી નથી તેને કાનની તકલીફ છે. શિક્ષકોએ આ વિદ્યાર્થિનીને માઈક પહેરાવીને શિક્ષણ આપ્યું. સ્કૂલ ટીચર્સને કારણે જ તે આટલું સારું પરિણામ મેળવી શકી. કોરોનાના કપરા સમયગાળામાં પણ શિક્ષકો ખૂબ જ કાળજી રાખીને ભણાવતા હતા. વંદિતાને સાંભળવામાં તકલીફ હોવાને લીધે થોડી મુશ્કેલી પડતી હતી પરંતુ આખરે તેણે ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 98.82 પીઆર પ્રાપ્ત કર્યા છે.

હીર.. વહાલસોયા પિતાના નિધન પછી પણ હિંમત ગુમાવી નહીં
વિદ્યાર્થિની હીર સોરઠિયાએ ધો.12 સામાન્ય પ્રવાહમાં 99.96 પીઆર મેળવી ઝળહળતી સફળતા હાંસલ કરી છે. હીરના માતાએ કહ્યું હતું કે, હીર અભ્યાસમાં નિયમિત છે. સ્કૂલે અને ઘેર નિયમિત અભ્યાસ કરતી હતી બધું સારું ચાલી રહ્યું હતું પરંતુ દિવાળી સમયે એક અકસ્માતમાં હીરના પિતાનું અવસાન થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હીરનો અભ્યાસ પણ ડિસ્ટર્બ થયો હતો પરંતુ બાદમાં તેણે ઘણી મહેનત કરી અને ધો.12માં 99.96 પીઆર મેળવ્યા છે.

સપના... ખેતમજૂરની દીકરી હવે સમગ્ર ગામ માટે પ્રેરણાસ્ત્રોત બની
ઇડર તાલુકાના વેરાબર ગામની શ્રી એચ.પી.જોષી હાઈસ્કૂલ અને શ્રીમતી એચ.આર.મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી સપનાબેન રમણભાઈ વાઘેલાએ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા 700 માંથી 645 ગુણ મેળવી 99.79 પીઆર સાથે 92.14 ટકા મેળવી ઝળહળતો દેખાવ કર્યો છે શાળા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સીમીત સંસાધનો અને ખેતમજૂર પરિવારની દીકરીએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને શાળાનું પણ ગૌરવ વધાર્યું છે.

ભારતી... સ્વજનોનાં નિધન વચ્ચે વગર ટ્યુશને 92.29 ટકા મેળવ્યા
મૂળ નખત્રાણા તાલુકાના વડવા કાંયામાં રહેતા ડ્રાઇવીંગ અને વણાટનું છૂટક કામ કરીને પેટીયું રળતા પ્રવીણભાઇ બુચીયાની દિકરી ભારતીએ વગર ટ્યુશને અને વિકટ પરિસ્થિતિમાં 92.29 ટકા સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. વર્ષ 2021નો કપરો કોરોના કાળ શરૂ થયો, શાળાઓ બંધ થઇ, પરિવારમાં દાદીને અને પડોશમાં જ રહેતા રહેતા ફઇને કોરોના થયો. છતાં પણ આ સ્થિતિનો સામનો કરી અને ભણવામાં મન લગાવ્યું. કોઇપણ ટ્યુશન લીધા વિના શિક્ષકોની મદદથી સફળતા મેળવી.

હર્ષિલ.. પિતા લારી ચલાવે છે, કઝિનની સફળતાએ પ્રેરણા આપી
​​​​​​​વડોદરાના ગોત્રી ગામમાં રહેતો હર્ષિલ અગ્રવાલ ટોપર નથી પણ ધો.10માં માંડ 57 ટકા મેળવ્યા બાદ 12માં તેણે 82 ટકા લાવ્યો છે. હર્ષિલના પિતા ગોત્રી ગામ બહાર રસ્તા પર ફુટવેરની લારી લગાવે છે. હર્ષિલ કહે છે કે કઝિને ધો.12માં વધુ માર્ક્સ મેળવ્યા હતા. જેમાંથી પ્રેરણા મેળવીને તેણે પણ મહેનત શરૂ કરી હતી. ધો.10 સુધી ક્રિકેટ રમતો, ટીવી-મોબાઇલમાં પુષ્કળ ટાઇમ વેડફતો હતો. બધુ જ બંધ કરી દીધુ. રોજે 8થી 10 કલાક વાચતો હતો. તેના અકાઉન્ટમાં 96 અને સ્ટેટેસ્ટિક્સમાં 91 માર્કસ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...