ભાજપના સત્તાધીશો રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરને સિંગાપોર અને અન્ય વિશ્વ વિખ્યાત શહેરો સાથે સરખાવી સ્માર્ટ સિટી તરીકે ઓળખાવે છે. પરંતુ હકીકતમાં અમદાવાદ એટલે ખાડાવાદ અને ભૂવા સિટી બની ગયું છે.
10 જુલાઈથી શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ એક પણ રોડ એવો નથી કે જ્યાં ખાડા પડ્યા ન હોય. સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શહેરને દેશના અન્ય શહેરો જેવા બનાવવાની વાતો માટે કરોડો રૂપિયાના ખર્ચ કરી અને વિદેશ પ્રવાસ જાય છે. પરંતુ અમદાવાદને ખાડામાંથી બહાર લાવી શકતા નથી.
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિના ચેરમેનના વોર્ડમાં જ ખાડો
દિવ્યભાસ્કરે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડા અને ભૂવાઓ અંગે માહિતી મેળવી હતી. જેમાં રોડ ઉપર એટલા મસમોટા ખાડા પડેલા છે કે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ચાંદખેડા વિસ્તારમાં ગ્રીન ઔરા ફ્લેટથી માનસરોવર ફ્લેટ તરફ જવાના રોડ ઉપર મોટા મોટા ખાડા પડ્યા છે. માત્ર એટલું જ નહીં, આખો રોડ જ ધોવાઈ ગયો છે. નરોડા-મેમકો રોડ પર રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિના ચેરમેન મહાદેવ દેસાઈના જ વોર્ડમાં જી ડી સ્ફૂલ પાસે મુખ્ય રોડ પર પણ ખાડો પડ્યો છે.
ખાડાઓ પૂરવાના માત્ર દાવાઓ, નક્કર કામ નહીં
મેઘાણીનગરમાં પોલીસ કમિશનર બંગલાથી આશિષનગર તરફ જતો આખો રોડ ખાડાવાળો છે. પહેલા વરસાદમાં ખાડા પડ્યા અને ફરી આખા રોડ પર ખાડા પડ્યા છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં ખોડિયાર મંદિર આશ્રયથી બલોલનગર બ્રિજ તરફ જવાના રોડ પર ખાડા પડ્યા છે. શહેરમાં ઠેર ઠેર ખાડાના કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15 દિવસથી પડેલા ખાડા પુરવાની કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આમ છતાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જ જોવા મળે છે.
શહેરમાં 5000થી વધુ ખાડા
શહેરના કેટલાક બ્રિજ ઉપર પણ રોડ ધોવાઇ ગયા છે અને કાંકરી ઉખડી ગઈ છે, જેના કારણે વાહનચાલકોને હેરાન પરેશાન થવું પડે છે. પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તાથી પરિમલ અંડર બ્રિજ તરફના રોડ પર પણ અનેક જગ્યાએ ખાડા પડ્યા છે અને આખો રોડ ધોવાઇ ગયો છે. પૂર્વ હોય કે પશ્ચિમ દરેક વિસ્તારની અંદર રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા છે. પરંતુ હજી પણ શહેરમાં પાંચ હજારથી વધુ ખાડાઓ પડ્યા છે.
AMCએ 9500 ખાડા પૂરવાનો દાવો કર્યો તો આ ખાડા ક્યાંથી આવ્યા?
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં 9500થી વધુ ખાડા પૂરવામાં આવ્યા હોવાના દાવો કરવામાં આવ્યો છે. જોકે આ કામગીરી પણ સદંતર નબળી જોવા મળી છે. માત્ર મોટા પથ્થરો નાખી અને ખાડા પૂરી દેવામાં આવ્યા છે. જેના કારણે અકસ્માત થવાની પણ સંભાવના રહેલી છે. શહેરના તમામ વોર્ડ અને ઝોનમાં ખાડા પડ્યા છે પરંતુ કોર્પોરેટરો દ્વારા રોડ રસ્તાની કામગીરી ઝડપી કરાવવાની જરૂર હોય તે રીતે ધ્યાન આપવામાં આવતું નથી જેના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.