વાહનના પાકા લાઇસન્સની રાહ જોઇને બેઠેલા અરજદારો માટે રાહતના સમાચાર છે કે, સ્માર્ટ કાર્ડ આવી જતાં હવે રાજ્યમાં છેલ્લા 20થી વધુ દિવસથી અટકેલા વાહનના પાકાં લાઇસન્સની અરજીઓ નિકાલ શરૂ થયો છે. પરંતુ સમગ્ર રાજ્યમાં વાહનના પાકા લાઇસન્સનો બે લાખથી વધુનો બેકલોગ દૂર થતાં હજી એક મહિના જેટલો સમય લાગશે.
વાહનવ્યવહારમાં ઓનલાઇન સેવાઓમાં એરરના લીધે અરજી અટકતી હોવાથી અરજદારો ઓફલાઇન આવવા મજબૂર બન્યા છે. પાકા લાઇસન્સ મળતાં ન હતાં, નવા વાહનોમાં પસંદગીના નંબરો મળતા નથી, વાહન સંબંધિત સેવામાં ઇ-આધાર કાર્ડથી કરેલી અરજી સબમિટ થવામાં મુશ્કેલી પડે છે. આવી સેવાઓના લીધે અરજદારોને મજબૂરીમાં આરટીઓમાં આવવું પડે છે.
હાલ અમદાવાદની વિવિધ આરટીઓમાં 25 હજારથી વધુ બેકલોગ છે. જેની સામે નવા લાઇસન્સની અરજીઓનો ઉમેરો થઈ રહ્યો છે, એટલે આગામી બેથી ત્રણ મહિનામાં સમયસર લાઇસન્સ મેળવવામાં મુશ્કેલી પડશે.
વાહન ચાલકો બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે
નવા વાહનમાં છેલ્લા ચાર મહિનાથી ટેકનિકલ એરરના લીધે પસંદગીના નંબરો ફાળવવામાં મુશ્કેલી પડે છે. પસંદગી સિવાયના નંબરો હવે મળી શકે છે, જ્યારે પસંદગીના નંબરો ન મળવાના લીધે પોતાની નવી કારમાં ફાસ્ટટેગ મળી શકતું નથી. નવી કાર લઇને ક્યાંય પણ અવરજવર કરવી હોય તો ડબલ ટોલ ટેક્સ ભરવો પડે છે. પસંદગીના નંબરોની હરાજીથી મેળવેલા હોવાથી કાર માલિકો આરટીઓમાં આવીને કકળાટ કરે છે. અધિકારીઓ માત્ર આશ્વાસન આપીને પરત કાઢી મૂકે છે. આરટીઓ અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ટેકનિકલ એરર દૂર થઇ છે, પરંતુ અરજીઓના નિકાલમાં સમય લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.