છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં કોરોનાના વધુ 2861 કેસ નોંધાયા હતા. સોમવારની સરખામણીએ આ કેસ 968નો ઉછાળો દર્શાવે છે. 24 કલાકમાં મ્યુનિ. હેલ્થ વિભાગે લગભગ 17 હજાર લોકોના ટેસ્ટ કર્યા હતા જેમાં 2861 લોકો પોઝિટિવ આવ્યા હતા. આનો અર્થ એ થયો કે, શહેરમાં ટેસ્ટ કરાવનારા લોકોમાંથી દર છઠ્ઠી વ્યક્તિ પોઝિટિવ આવી રહી છે.
સોમવારે થયેલા ટેસ્ટનું પૃથ્થકરણ કરીએ તો ટેસ્ટ કરાવનારા દર 100માંથી 11 પોઝિટિવ હતા. શનિ-રવિ બે દિવસ કેસમાં ઘટાડો નોંધાયા પછી તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. 13 મે પછી પહેલીવાર કોરોના કેસનો આંક 2861 થયો છે. જાન્યુઆરીના પ્રારંભથી જ સંક્રમણમાં વધારો થતાં એક્ટિવ કેસ પણ ઉછળીને 16 હજારે પહોંચી ગયા છે. છેલ્લા 23 મહિનામાં અમદાવાદમાં લગભગ 2.52 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
મંગળવારે આવેલા 2861 કેસમાંથી લગભગ 60 ટકા કેસ તો માત્ર પૂર્વઝોન અને પશ્ચિમઝોનમાં જ નોંધાયા છે. શહેરના અન્ય પાંચ ઝોનમાં કેસની સંખ્યા આ બે ઝોન કરતાં ઘણી ઓછી છે. શહેરમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ આવ્યો નથી. ઓમિક્રોનના ચેપ પછી દાખલ થયેલા કુલ 110 દર્દીમાંથી 102 સાજા થતાં રજા આપી દેવામાં આવી છે. હવે માત્ર 8 દર્દી હોસ્પિટલમાં છે. બીજી રાહતની વાત એ છે કે, કેસ વધવાની સામે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. મંગળવારે એક જ દિવસમાં 1290 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડિસ્ચાર્જનો આ આંકડો તાજેતરનો સૌથી વધુ છે.
સાણંદમાં 14, દસ્ક્રોઈમાં 13 સહિત જિલ્લામાં વધુ 42 કેસ
અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 42 કેસ નોંધાયા છે. સૌથી વધુ સાણંદમાં 14 કેસ છે. આ સિવાય બાવળા 2, દસ્ક્રોઇ 13, દેત્રોજ 1, ધોલેરા 6, ધોળકા 2, માંડલ 3 અને વિરમગામમાં 1 કેસ નોંધાયો છે. ધંધુકા સિવાય પ્રત્યેક તાલુકામાં કેસ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 7314 કેસ નોંધાયા છે અને 96ના મોત થયા છે.
સિવિલમાં વધુ 5 પોઝિટિવ દાખલ
સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં મંગળવારે 5 નવા કોરોના પોઝિટિવ દર્દી દાખલ થતાં કુલ આંક 23 થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 15 વર્ષના બાળક 18 વર્ષની યુવતી સાથે 4 દર્દી દાખલ છે. જયારે ખાનગી હોસ્પિટલમાં 90 દર્દી આઇસોલેશન, 21 દર્દી એચડીયુ અને 11 દર્દી આઇસીયુમાં સારવાર હેઠળ છે. સિવિલમાં મંગળવારે વધુ એક લેબોરેટરી આસિસ્ટન્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોના મૃત્યુ સહાય માટેનો આંક સપ્તાહમાં નક્કી થશે
કોરોના થયો હોય અને 30 દિવસ પછી મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં આર્થિક સહાયની ચુકવણી માટે શહેર અને જિલ્લા કક્ષાએ અલગ અલગ સમીક્ષા ટીમો બનાવાઇ છે. આવા કુલ કેટલા કેસ છે ? તેનો આંકડો વિવિધ મામલતદારો પાસેથી સપ્તાહમાં મંગાવાશે. કુલ ફોર્મનો આંકડો આવ્યા બાદ કમિટીની બેઠક બોલાવાશે અને આ પછી આર્થિક સહાયની ચુકવણી થશે.
સરકારી ગ્રાન્ટ સમયસર આવતી ન હોવાથી કોરોના મૃત્યુસહાયની ચુકવણીમાં વિલંબ થશે
સરકારી ગ્રાન્ટ સમયસર આવતી નહીં હોવાથી કોરોના મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની ચુકવણીમાં વિલંબ થશે. આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી સિવાયના 3537 મૃતકના કેસમાં હજી સુધી સહાય ચૂકવાઇ નથી. અમદાવાદ શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ કોરોનાથી 3422ના મોત થયા છે. જેમાંથી 2647 મૃતકોના પરવિરજનો તરફથી ફોર્મ મળ્યા છે.
આહ્નાએ કોરોનાના દર્દીઓ માટે હોમ કેર અને ટેલી કન્સલ્ટેશન સર્વિસ શરૂ કરી
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિગ હોમ્સ એસોસિએસન્સ (આહ્ના)એ હોમ કેર અને ટેલિ કન્સલ્ટેશન સર્વિસ શરૂ કરી છે. આહ્નાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવી જણાવે છે કે, આ વખતે કોવિડના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા કરતાં હોમ કેરની જરૂર વધુ જણાઇ રહી છે. હોમ કેર અને ટેલિ કન્સલ્ટેશન સર્વિસને કેટેગરી પ્રમાણે જુદી પાડવામાં આવી છે. જેથી લોકો સમજી શકે અને હોમ કેરની ગુણવત્તા સુધરી શકે.
વધુ 12 હજારે બુસ્ટર ડોઝ, 45 હજાર લોકોએ રસી મુકાવી
શહેરમાં આજે પણ 12876 નાગરિકોએ બુસ્ટર ડોઝ લીધો છે. શહેરમાં 15થી 18 વર્ષની ઉંમરના 9556 કિશોરોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. સાથે શહેરમાં આજે કુલ 45224 જેટલા નાગરિકોએ વેક્સિનેશનનો લાભ મેળવ્યો છે. જેમાં પ્રથમ ડોઝ 13681 નાગરિકો, બીજો ડોઝ 18667 નાગરિકોએ લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.