દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા નુસ્ખા અજમાવતા હોય છે આવા જ વધુ એક કિસ્સામાં નડિયાદના બુટલેગરે 19 થી 22 વર્ષની વયના નવયુવાનોને કોલેજીયન બેગમાં દેશીદારૂ ભરીને અમદાવાદમાં દારૂ સપ્લાય કરવા માટે મોકલ્યા હતા. જો કે પોલીસને બાતમીદાર દ્રારા જાણ થઈ જતા પોલીસે એકસપ્રેસ હાઈવેના છેડે આ યુવાનો બસમાં ઉતરી સ્થાનિક બુટલેગરને દારૂ સપ્લાસ કરે તે પહેલા જ તમામ છ યુવાનોને ઝડપી તેમની પાસેથી 255 લીટર દેશીદારૂ કબજે કર્યો હતો.
રામોલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, નડિયાદથી અમદાવાદ આવતી એસ ટી બસમાં કેટલાક યુવાનો કોલેજીયન બેગમાં દેશીદારૂનો જથ્થો લઈ અમદાવાદ તરફ જઈ રહ્યા છે અને એકસપ્રેસ હાઈવેના છેડા પર સીટીએમ ઉતરવાના છે. બાતમીના પગલે પોલીસની ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી અને એસ ટી બસ આવતા તેને રોકી અંદર તપાસ કરતા કોલેજીયન બેગ સાથે બેઠેલા છ યુવાનોને ઉતારી તપાસ કરતા તેમની પાસેથી 18 બેગમાં ભરેલો કુલ 255 લીટર દેશીદારૂનો જથ્થો ઝડપાયો હતો.
આ મામલે રામોલ પોલીસે ગુનો દાખલ કરીને રાહુલ મુકેશભાઈ તળપદા ( ઉ.19 રહે. લીમડીચોક મીલરોડ, નડિયાદ), જય અશોકભાઈ તળપદા( ઉ.19 રહેે લીમડીચોક નડિયાદ), સુનિલ ચંદુભાઈ વાઘેલા( ઉ.20 રહે. વણઝારા ગ્રાઉન્ડ, નડિયાદ), વિશાલ ગોપાલભાઈ તળપદા ઉ.20 રહે. રાજેન્દ્રનગર ચકલાસી ભાગોળ, નડિયાદ), આકાશ રતનભાઈ તળપદા( ઉ.19 રહે. ભાથીજી મહોલ્લો, નડિયાદ) અને કરણ ભરતભાઈ તળપદા( ઉ.19 રહે. વાડીફળીયુ, મીલરોડ નડિયાદ)ની ધરપકડ કરી હતી.
શરૂઆતમાં પોલીસે આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી કોલેજિયન બેગમાં મુકેલા કાપડના થેલા મળ્યા હતા જેમાં 102 જેટલી પોલીથીનની દારૂ ભરેલી થેલીઓ હતી. પોલીસે આરોપીઓ પાસેથી મળેલો દારૂ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 27,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
યુવાનોને પૈસાની લાલચ આપી સપ્લાયર બનાવ્યા
પોલીસે છ યુવાનોની પુછપરછ કરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે નડિયાદના બુટલેગરે આ યુવાનોને આર્થિક લાભ આપવાની લાલચ આપી પોલીસની નજરથી બચવા માટે તેમને કોલેજીયનના સ્વાંગમાં એસ ટી બસમાં દારૂની હેરાફેરી કરવા માટે તૈયાર કર્યા હતા. પોલીસે આરોપીઓ કોની પાસેથી દારૂ લાવ્યા અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.