ગુજરાતના અમદાવાદના કાપડના વેપારીઓના પૈસા ફસાઇ જવાના કિસ્સા છાશ વારે બનતા અને મોટા ભાગની રકમ પરત આવતી નહી. વેપારીઓ પરેશાન રહેતા દરમિયાનમાં સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમારે એક એસઆઇટી બનાવી હતી. એસઆઇટીએ બે વર્ષમાં 1298 અરજીઓની તપાસ કરી 416 અરજીઓનો નિકાલ કર્યો અને 5 ફરિયાદ દાખલ કરાવી હતી. વેપારીઓના સૌથી વધુ પૈસા કલકત્તામાં ફસાઇ જતા અને મહારાષ્ટ્રમાં ફસાઇ જતાં હતા. અમદાવાદના કાપડના વેપારીઓને 8 કરોડથી વધુની મત્તા એસઆઇટીએ પરત લઇ આપી હતી.
દિલ્હી સહિતના સ્થળેથી આરોપીની ધરપકડ
અમદાવાદના કાપડના વેપારીઓ બહારના રાજ્યમાં વેપાર કરે અને આ વેપારીઓના પૈસા ફસાઇ જવાના કિસ્સા દર વર્ષે બનતા હતા. વેપારીઓના કરોડો રૂપિયા ફસાઇ જતાં અને નફો તો ઠીક પરંતુ અમુક વેપારીઓની મૂડી ન આવતી હોવાથી તેઓ ધંધામાં ઉઠામણું કરતા હોવાના કિસ્સા પણ ભૂતકાળમાં અનેક બન્યા છે. તેવામાં કાપડના વેપારીઓનો પ્રશ્ન સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમાર પાસે આવ્યો હતો. જેથી તેમણે વેપારીઓની ચિટિંગના પ્રશ્નોનો જલદી નિકાલ આવે તે માટે એક એસઆઇટીની રચના કરી હતી. જેમાં એક પીએસઆઇ અને ગસ માણસોની ટીમ આ કેસોની તપાસ કરતી હતી. છેલ્લા બે વર્ષમાં એસઆઇટીમાં 1296 અરજીઓ આવી હતી અને 416 અરજીઓનો નિકાલ લાવ્યો હતો. જેમાં 5 ગુના પણ દાખલ કરી આરોપીઓને દિલ્હી, તીરુપ્પુર તમિલનાડુ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આ અરજીના નિકાલ લાવી કાપડના વેપારીઓને 8 કરોડથી વધુ રકમ વેપારીઓને પરત અપાવી હતી.
એસઆઇટી પાસે હજુ પણ 508 અરજીઓની તપાસ કરી
વેપારીઓએ કોલકાતાના વેપારીઓને વેચાણ કરેલા માલની 112 અરજીઓમાં 10 કરોડ જેટલી રકમ બાકી નીકળે છે. મહારાષ્ટ્રના વેપારીઓ સામે 114 અરજીઓ કરી જેમાં 17 કરોડથી વધુ રકમ બાકી નીકળે છે. તમિલનાડુના વેપારીઓ સામે 61 અરજીઓમાં 5 કરોડથી વધુ રકમ બાકી છે. કર્ણાટકાના વેપારીઓ સામે 50 અરજીઓમાં 6 કરોડથી વધુ બાકી નીકળે છે. દિલ્હીના વેપારીઓ સામે 98 અરજીઓમાં 23 કરોડની રકમ બાકી નીકળે છે. રાજસ્થાનના વેપારીઓ સામે 33 અરજીઓમાં પાંચ કરોડ અને પંજાબ-હરિયાણાના વેપારીઓ સામે 40 અરજીઓમાં ચાર કરોડ બાકી નીકળે છે. આમ હજુ પણ 72 કરોડ જેટલી રકમ બાકી નીકળે છે. એસઆઇટી પાસે હજુ પણ 508 અરજીઓની તપાસ કરી રહ્યા છે.
પોલીસ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશે
પોલીસે ડિફોલ્ટર એજન્ટ- વેપારીઓ સામે પણ ગુના દાખલ કર્યા છે. જો વેપારી કે એજન્ટે વેપારીઓના નાણાં ડુબાડી પોતે મિલ્કતો ઉભી કરી હશે, તો હિસાબ તપાસીને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમાં ખાસ કરીને પીએમએલએ મુજબ કાર્યવાહી કરી ઇડીમાં રિપોર્ટ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.