રામોલ સરિતા રેસિડન્સીમાં રહેતી પરિણીતાની તેના જ બે સગા ભાઈઓએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બંને ભાઈઓએ બહેનના હાથે રાખડી બંધાવી તેના હાથની ચા પીધા બાદ છરાના ઘા મારી હત્યા કરી નાખી હતી. ઘરમાં રહેલા બેનના કુલ 112 ગ્રામ વજનના અને રૂ.6.14 લાખની કિંમતના સોના અને ચાંદીના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બહેનને કારણે ભાઈના ડિવોર્સ થયા હતા
સરિતા રેસિડન્સીમાં રહેતી સૌકી ઉર્ફે મીરા નામની પરિણીતાની ઘરમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. અજાણ્યાં શખ્સએ છરાના ઘા મારી હત્યા કરી બહારથી તાળું મારી ફરાર થઈ ગયા હતા. રામોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન તેના જ બે ભાઈ સાજુજુલ ઉર્ફે સાજીદ શેખ અને રોજોઅલી ઉર્ફે રાજુ શેખે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતા સૌકી ઉર્ફે મીરાંએ રાકેશ નેપાળી સાથે લગ્ન કર્યા હતા. મીરા દેહવ્યાપાર કરતી હોવાથી અને તેના કારણે સાજુજુલના છૂટાછેડા થઈ ગયા હતા અને વિખવાદ ઉભો કરતી હતી. જેને પગલે પરિવાર હેરાન થઈ ગયો હતો. રાકેશનું મોત થતા મીરાએ રામસ્વરૂપ નામના પૂજારી સાથે લગ્ન કર્યા હતા.
બીજા પતિ સાથે છૂટાછેડા થવાની તૈયારી હતી
આ પહેલા 31 જુલાઈએ મીરાં અને રામસ્વરૂપ વચ્ચે ઝઘડો થયો હતો અને બંને વચ્ચે છૂટાછેડા થાય તેમ હતા. 2 ઓગસ્ટના રોજ મીરાંના બંને ભાઈઓએ નક્કી કર્યું હતું કે અગાઉ એક ભાઈના છૂટાછેડા થયા હતા, હવે મીરાના થશે તો વધુ વિખવાદ થશે અને ફરી દેહવ્યાપાર કરવા લાગશે. બહેન મદદ નથી કરતી અને બોલાવતી નથી માટે તેની હત્યા કરી ઘરમાં જે દાગીના હોય તે લૂંટી લઈએ. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાથી હત્યાનો આરોપ રામસ્વરૂપ પર જશે.
રૂમમાં અગરબત્તી કરવા ગઈ અને પાછળથી છરાનો ઘા મારી પલંગ પર પછાડી
બન્ને ભાઈઓ હત્યાના ઘડી કાઢેલા પ્લાન મુજબ બંને ભાઈઓએ રક્ષાબંધનના બીજા દિવસે રાતે બહેન મીરાંને ફોન કરી કહ્યું હતું કે કાલે અમે આવી શક્યા ન હતા માટે આજે રાખડી બંધાવવા આવીએ છીએ અને રામસ્વરૂપ અંગે પૂછ્યું હતું. રામસ્વરૂપ કપડવંજ હોવાનું કહેતા બેન એકલી હોવાની ખાતરી થઈ ગઈ હતી. ત્યાર બાદ છરા સાથે બંને ભાઈ બહેનની હત્યા કરવા પહોંચ્યા હતા. બંને ભાઈઓએ પહેલા બહેનના હાથે રાખડી બંધાવી હતી. બાદમાં બહેન ચા પીવડાવી રૂમમાં અગરબત્તી કરવા ગઈ હતી. તે વખતે સાજુજુલે પાછળથી છરાનો એક ઘા મારી પલંગ પર પાડી દીધી હતી. બીજા ભાઈએ મોઢું દબાવી રાખ્યું હતું. આ દરમિયાન મીરાની છરાના ચાર-પાંચ ઘા મારી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બન્ને ભાઈઓ ઘરમાંથી સોનાના બે સેટ, મંગળસૂત્ર સહીત કુલ 6.14 લાખના અલગ અલગ સોના અને ચાંદીના દાગીના લૂંટી લીધા હતા અને આ દાગીના ડસ્ટબીનની ડોલમાં ભરી નાસી છૂટ્યા હતા. બન્નેએ ભાગતા પહેલા ઘરને બહારથી લોક મારી દીધો હતો.
રણછોડ મંદિરના પૂજારી સાથે બીજા લવ મેરેજ કર્યા હતા
45 વર્ષીય સૌકી ઉર્ફ મીરાએ કપડવંજમાં રહેતા અને રણછોડ મંદિરના પૂજારી રામસ્વરુપ સાધુ સાથે બીજા પ્રેમ લગ્ન કર્યા હતા. મીરાંએ પ્રથમ લવ મેરેજ કોલકાત્તાના વતની રાકેશ નેપાળી સાથે કર્યા હતા.જે પતિનું 8 વર્ષ અગાઉ હાર્ટ એટેકથી મૃત્યુ થતા રામસ્વરૂપદાસ હરનામદાસ સાધુ સાથે લગ્ન કર્યા હતા. મીરાંને પહેલા પતિથી બાબુ નામનો 18 વર્ષનો પુત્ર પણ છે. બીજા પતિ રામસ્વરૂપદાસ સાથે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ હોવાથી મીરાં વસ્ત્રાલમાં આવેલી સરિતા રેસિડન્સિમાં અલગ રહેતી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.