આસોમાં અષાઢી માહોલ:અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં વીજળીના ચમકારા સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડવાની આગાહી

અમદાવાદ2 મહિનો પહેલા

રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પણ વરસાદ જતાં-જતાં પણ વરસી રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે વરસાદની આગાહી છે. આજે વહેલી સવારે રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે, મોડી સાંજે અમદાવાદ અને વડોદરાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે રાજકોટમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્ર્વર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવો પડી રહ્યો છે. બીજી બાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

રાજકોટમાં ધીમીધારે વરસાદ શરૂ
રાજકોટ શહેરમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, મવડી પ્લોટ, રૈયા રોડ, કોટેચા ચોક, રેસકોર્સ સહિત અને વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 9:30 વાગ્યાથી શરૂ થયેલા વરસાદી છાંટા બાદ શહેર વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

મોડી સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં ચોમાસાની ઋતુ પૂર થવાની સત્તાવાર જાહેરાત બાદ આસોમાં અષાઢી માસનો માહોલ છવાયો છે. અમદાવાદમાં મોડી સાંજે કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઇસનપુર, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, નિકોલ અને ઓઢવ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવો પડી રહ્યો છે. સાંજના 6.30 વાગ્યાના અરસામાં અચાનક વરસાદ વરસતા ખરીદી કરવા માટે નીકળેલા લોકો રસ્તામાં અટવાયા હતા. જ્યારે વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીમાં બફાતા લોકોએ વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરામાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ
નવરાત્રિ દરમિયાન છુટાછવાયા ઝાપટા બાદ પણ વડોદરામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવાર દિવસભર ઉકળાટ રહ્યા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ચોમાસાની આમ તો વિદાય થઇ ચુકી છે પરંતુ દિવાળી નજીક હોવા છતાં હજુ પણ વરસાદ જારી રહ્યો છે. આજે મોડી સાંજે ગાજવીજ સાથે થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ મોડી સાંજે થયેલ વરસાદને કારણે નોકરી-ધંધા પરથી પરત ફરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. 7 અને 8 ઓક્ટો.એ દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, એને લીધે વરસાદની સંભાવના છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લીધે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં વહેલી સવારે વેજલપુર, સરખેજ, પ્રહલાદનગર, એસ.જી. હાઇવે વિસ્તારમાં ધીમો વરસાદ પડયો છે.

આગામી બે દિવસમાં ઉ.ગુ.માં પાછોતરા વરસાદની શક્યતા
ઉત્તર ગુજરાતમાં બુધવારે મોટા ભાગે ઉત્તર-પશ્ચિમ દિશાના સૂકા પવન ફૂંકાતાં ભેજનું પ્રમાણ 13% સુધી ઘટતાં ગરમી સવા ડીગ્રી વધી અને ઠંડી 2 ડીગ્રી સુધી ઘટી હતી. મુખ્ય 5 શહેરમાં દિવસનું તાપમાન 35.8થી 37.3 ડીગ્રી, જ્યારે રાત્રિનું તાપમાન 24.5થી 26.5 ડીગ્રી રહ્યું હતું. 37.3 ડીગ્રી સાથે ડીસા અને અમદાવાદ રાજ્યનાં સૌથી ગરમ શહેર રહ્યાં હતાં. ચોમાસું પૂર્ણ થયા બાદ ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સપ્તાહના અંતમાં પાછોતરા વરસાદની સ્થિતિ બની રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 9-10 ઓક્ટોબરે ઉ.ગુ.ના વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું બની શકે છે. આ દરમિયાન વિસ્તારોમાં હળવો વરસાદ જ પડી શકે છે.

21 રાજ્યમાં વરસાદ, 15માં રેડ એલર્ટ
અચાનક બદલાયેલા હવામાનથી બુધવારે દેશભરમાં દશેરા ઉત્સવ પર મેઘમહેર થઈ. ઉત્તરમાં દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશથી માંડીને દક્ષિણમાં આંધ્રપ્રદેશ સુધી આશરે 20 રાજ્યોમાં બપોરે ઝડપી વરસાદ નોંધાયો. જેના લીધે અનેક જગ્યાએ દશેરા મેદાનમાં સ્થાપિત રાવણનાં પૂતળાં પણ પલળી ગયાં હતાં. હવામાન વિભાગ અનુસાર આંધ્ર કિનારાથી દૂર પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર લૉ પ્રેશરઝોન સર્જાતા દેશના અનેક ભાગોમાં અચાનક હવામાનમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન ધીમી ગતિએ ઉત્તર-પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેના લીધે પૂર્વના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 2-3 દિવસ દેશનાં 17 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની વકી છે.

આ રાજ્યોમાં 8 ઓક્ટોબર સુધી યલો એલર્ટ
દિલ્હી, યુપી, બિહાર, મ.પ્ર., ઝારખંડ, ઓડિશા, પ.બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, પુડ્ડુચેરી, આંધ્ર, તમિલનાડુ, કેરળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અહીં આગામી બે દિવસ ઝડપી પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.હિમાચલ, ઉત્તરાખંડ, યુપી, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પ.બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળમાં 8 ઓક્ટોબર સુધી યલો એલર્ટ છે.

અન્ય સમાચારો પણ છે...